ટચૂકડા વિમાનમાં ઇતિહાસ સર્જ્યો આરોહીએ એટલાન્ટિક ઓળંગ્યો

Saturday 25th May 2019 08:39 EDT
 
 

મુંબઈઃ ભારતના આર્થિક પાટનગરમાં વસતી ૨૩ વર્ષની કેપ્ટન આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)માં એટલાન્ટિક મહાસાગર પાર કરીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ એકલા એલએસએ દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નથી. એટલાન્ટિક મહાસાગર યુરોપ અને અમેરિકાને અલગ પાડે છે. આ મહાસાગર ઓળંગવો એ સાહસિકોમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ માટે આરોહીએ નાનકડું ટુ-સિટર વિમાન વાપર્યું હતું. માત્ર ૪ હજાર કિલોગ્રામ વજન ધરાવતા આ સિંગલ એન્જિન વિમાનને ‘માહી’ નામ અપાયું હતું.
બોમ્બે ફ્લાઈંગ ક્લબમાં પાઈલોટની તાલીમ મેળવનારી આરોહી પંડિતે યુકેના સ્કોટલેન્ડ સ્થિત વિક એરપોર્ટથી લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. આ હવાઈયાત્રા દરમિયાન તેણે આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ બે સ્થળે વિરામ લીધો હતો. ગ્રીનલેન્ડના બર્ફીલા પ્રાંતને એકલા પાર કરનારી પણ આરોહી પ્રથમ યુવતી બની છે. બે વિરામ લીધા પછી તેણે કેનેડાના ઈકાલુઈટ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. અહીં પહોંચીને તેણે ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. કેનેડાસ્થિત ભારતના એમ્બેસેડર વિકાસ સ્વરૂપે આરોહીનું સ્વાગત કર્યું હતું.
સફળતા બાદ આરોહીએ કહ્યું કે આ તક મળવા બદલ હું દેશની આભારી છું. એટલાન્ટિક મહાસાગર પાર કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત હતો. નીચે બરફ સમાન ભાસતો સમુદ્ર, ઉપર નીલ ગગન અને વચ્ચે નાની અમથી હું અને નાનકડું વિમાન.’ આરોહીએ કહ્યું કે જો મહિલા દ્દઢ નિશ્ચયથી એટલાન્ટિક મહાસાગર પાર કરવાનો નિશ્ચય કરે તો કોઈ પણ મહિલા આ કાર્ય કરી શકશે.
આ પહેલા આરોહીએ ભારતથી આરોહીએ સફર શરૂ કરી હતી. જુલાઈ ૨૦૧૮માં પ્રવાસના આરંભે આરોહી સાથે તેની ખાસ બહેનપણી કૈથીર મિસકટ્ટા પણ હતી. બન્ને મિત્રોએ મળીને પંજાબ-રાજસ્થાન-ગુજરાત પાર કરતાં પાકિસ્તાનમાં પહેલો વિરામ લીધો હતો. એ વખતે આરોહી પાકિસ્તાનની ધરતી પર એલએસએ વિમાન દ્વારા ઉતરાણ કરનાર પહેલી ભારતીય મહિલા બની હતી. પાકિસ્તાનથી આગળ વધીને તેઓએ ઈરાન, તુર્કી, સર્બિયા, સ્લોવેનિયા, જર્મની, ફ્રાન્સ અને યુકેમાં વિરામ લીધો હતો. યુકેથી આગળની સફર આરોહિએ એકલા પૂર્ણ કરી હતી.
ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી ચાલતી મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ ત્રણ તબક્કામાં એરક્રાફ્ટની મદદથી વિશ્વભરનો પ્રવાસ કરી ‘બેટી બચાવો બેટી પઢાઓ’ સંદેશ અપાશે. આરોહીએ તેનો વિશ્વવિક્રમ આ જ ઝુંબેશ અંતર્ગત બનાવ્યો છે. તેના આ વિશ્વવિક્રમ બાદ હાલ તો તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આરોહીની સફર પૂરી થઈ નથી. હજુએ આગળ વધશે અને લગભગ ૩૭,૦૦૦ કિલોમીટરની સફર અને ૧૮ દેશ ફરીને જુલાઈમાં ભારત પરત આવશે.
આરોહીએ આ પરાક્રમ કરતાં પહેલા સાત મહિનાની આકરી તાલીમ લીધી હતી. એ તાલીમ દરિયાન વિષમ વાતાવરણ, તેજ પવન ફૂંકાતા પ્રદેશમાં કેમ ટકી રહેવું તે શીખવાયું હતું. સાથે સાથે જ એકલા સફર કરતી વેળા એ માનસિક રીતે નબળી ન પડે એટલા માટે તેનું મનોબળ મજબૂત થાય એ પ્રકારની ટ્રેનિંગ પણ અપાઇ હતી. એટલાન્ટિક જગતનો બીજો મોટો મહાસાગર છે. આરોહીએ સફર માટે પસંદ કરેલો માર્ગ નોર્થ એટલાન્ટિકનો હતો. એ વિસ્તાર તેના વિષમ વાતાવરણ માટે બદનામ છે. તેમાંથી આરોહી હેમખેમ પાર ઉતરી એ પણ તેની મોટી સિદ્ધિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter