ઉંમર માત્ર ૧૮ વર્ષ, પણ આજે ટેનિસજગતની ક્ષિતિજે તેનું નામ ઝળહળાં થઇ રહ્યું છે. આ વાત છે યુએસ ઓપન વિમેન્સ ચેમ્પિયન એમ્મા રાડૂકાનૂની. એમ્મા રમતજગતની નવી સેન્સેશન બની ગઇ છે. રોમાનિયન પિતા ઇયાન અને ચાઇનીઝ મૂળનાં માતા રેનીનું સંતાન એવી એમ્માનો જન્મ (૧૩ નવેમ્બર ૨૦૦૨) થયો કેનેડામાં અને ઉછેર બ્રિટનમાં થયો. વિશ્વના અનેક દેશો સાથે કનેક્શન ધરાવતી એમ્માના વિજયની આથી જ તો લંડનથી માંડીને ચીન-તાઇવાન સુધી લોકો ઉજવણી કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય એમ્માએ યુએસ ઓપન ટૂર્નામેન્ટ દરમિયાન તેનો ફોન ફિઝિયોને આપી દીધો હતો. એકાગ્રતા તૂટે નહીં તે માટે યુઝર્સની કમેન્ટ્સ પર ધ્યાન આપવાનું જ બંધ કર્યું, અને આજે પરિણામ આપણી સમક્ષ છે. એમ્માએ યુએસ ઓપન જીત્યા બાદ સોશ્યલ મીડિયા પર તેના પ્રશંસકોનું જાણે પૂર આવ્યું છે. ન્યૂ યોર્કમાં ‘મેટ ગાલા’માં તે ફોટો સેશન કરાવી રહી છે તો વિશ્વના અગ્રણી મેગેઝિન્સ તેને પોતાના કવર પર ચમકાવવા રાહ જોઇ રહ્યા છે.
બ્રિટનમાં છેલ્લા ૪૪ વર્ષના ગ્રાન્ડ સ્લેમના દુકાળનો અંત એમ્મા લાવી છે. એમ્માએ ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. મારિયા શારાપોવા (૧૭ વર્ષ) બાદ એમ્માએ ૧૮ વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીત્યું. ક્વોલિફાયર રાઉન્ડથી વિજેતા બનવા સુધીની સફર એક રેકોર્ડ છે. ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલાં એમ્મા વિશ્વની ૩૧મા ક્રમની ખેલાડી હતી. આ રેન્કિંગના આધારે જ નક્કી થાય છે કે સ્પર્ધામાં કયા ખેલાડીની મેચ કોની સાથે હશે, જેથી મોટા ખેલાડીઓ શરૂમાં એકબીજા સામે ન રમી શકે. યુએસ ઓપન શરૂ થઇ ત્યારે એમ્મા વિમેન્સ ટેનિસ એસોસિએશન (ડબલ્યુટીએ)ના રેન્કિંગમાં ૧૫૦મા ક્રમે હતી પણ હવે ૨૩મા ક્રમે પહોંચી છે. અગાઉ જૂન-જુલાઇ ૨૦૨૧માં વિમ્બલ્ડનમાં એમ્મા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.
મેચ છોડતાં સવાલ ઊઠ્યા હતા...
એમ્મા ૨૦૧૮ અને ૨૦૧૯માં વિમ્બલ્ડન માટે ક્વોલિફાય તો નહોતી થઇ શકી, પણ જૂન-જુલાઇ ૨૦૨૧માં નોટિંગહામમાં યોજાયેલી વિમ્બલ્ડનમાં અંતિમ-૧૬માં પહોંચી હતી. તે ટૂર્નામેન્ટની એક મેચમાં શ્વાસ લેવામાં તકલીફને કારણે તેણે મેચ અધવચ્ચે છોડી દીધી હતી. આ સમયે મેચના બ્રોડકાસ્ટર્સે એવી ટિપ્પણી કરી હતી કે એમ્માએ મેન્ટલ હેલ્થ પ્રેશરના કારણે મેચ અધૂરી છોડી છે. જોકે, એમ્મા કહે છે કે મારા માટે મારી જાતને પ્રાધાન્ય આપવું જરૂરી હતી, અને મેં મારી હેલ્થના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. તેની માનસિક-શારીરિક સજ્જતા વિશે અનેક વાતો સોશ્યલ મીડિયા પર વહેતી થઇ હતી. આ અનુભવમાંથી એમ્માએ બોધપાઠ લીધો. તેણે યુએસ ઓપન દરમિયાન તેનો ફોન જ ફિઝિયોને આપી દીધો હતો. આ દરમિયાન તેણે એ પણ નક્કી કર્યું હતું કે તે ફેન્સની કમેન્ટ્સ કોઇ નહીં વાંચે. ટૂર્નામેન્ટના મહિના પહેલાં જ તેણે ટીવી-અખબારોમાં પોતાના વિશે પ્રકાશિત થતાં સમાચારોને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું હતું.
ફોર્મ્યૂલા-વનનું પેશન, કાર્ટિંગ અને ગોલ્ફ પણ પસંદ
કેનેડામાં જન્મેલી એમ્મા માતા-પિતા સાથે માત્ર બે વર્ષની ઉંમરે બ્રિટન આવી ગઇ હતી. તેનું બાળપણ અન્ય બ્રિટિશ છોકરીઓથી થોડું અલગ હતું. તેનો પરિવાર બ્રિટનના બ્રોમલેમાં રહેતો. માતા અને પિતાએ તેને અભ્યાસ કરતાં ઇતર પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવા કહ્યું. જોકે, એમ્મા ભણવામાં હોંશિયાર હતી. તેણે મેથ્સ અને ઇકોનોમિક્સમાં A+ સાથે સ્કૂલિંગ પૂરું કર્યું છે. રૂઢિવાદી ચાઇનીઝ માતાએ તેને બેલે અને ટેપ ડાન્સ શીખવા પ્રેરિત કરી તો પિતાએ ટેનિસ, ગોલ્ફ, કાર્ટિંગ, બાઇકિંગ અને મોટર સ્પોર્ટ્સની દુનિયાથી માહિતગાર કરાવી. એમ્માને આજે આ બધી રમતો તો પસંદ છે જ સાથોસાથ તેને ઘોડેસવારી, ગોલ્ફ અને સ્કીઇંગ પણ પસંદ છે. પાંચ વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કરનારી એમ્માએ મોટર સ્પોર્ટસ અને કાર્ટિંગની ટ્રેનિંગ લીધી અને પ્રોફેશનલી ડ્રાઇવિંગ શરૂ કર્યું. ઉંમરની સાથે મોટરસ્પોર્ટ હોબી બની અને ટેનિસ પેશન. ૧૦થી ૧૬ વર્ષની ઉંમર સુધી એમ્મા બ્રોમલે ટેનિસ સેન્ટરમાં ટેનિસની ટ્રેનિંગ લીધી.
પૂણેમાં પહેલો મોટો ખિતાબ
યુએસ ઓપનની સેમિ-ફાઇનલ જીત્યા બાદ જ્યારે એમ્માને જ્યારે પૂછાયું કે તેની કેરિયરમાં સૌથી ફેવરીટ ટ્રોફી કઇ રહી છે? તો એમ્માનો જવાબ હતોઃ ૨૦૧૯માં પૂણેમાં યોજાયેલી આઇટીએફ ટુર્નામેન્ટ. તેમાં જીત મેળવીને તેણે ૨૫ હજાર ડોલરની પ્રાઇસ મની જીતી હતી. આ અગાઉ જુનિયર કરિયરમાં તેણે ૨૦૧૮માં આઇટીએફ ચંદીગઢ ટેનિસ ગર્લ ટૂર્નામેન્ટ જીતી હતી. ૨૦૧૮માં જ તેણે ચંદીગઢમાં આઇટીએફ ગ્રેડ-થ્રી અને નવી દિલ્હીમાં ગ્રેડ-ટુ જૂનિયર ટૂર્નામેન્ટ જીતી હતી. એમ્મા અત્યાર સુધીમાં કુલ ૧૫ ટૂર્નામેન્ટમાં ૯૨ મેચ રમી છે અને તેમાંથી ૭૦ જીતી છે. આમ, તેની જીતની સરેરાશ ૭૬ ટકા રહી છે.