વોશિંગ્ટનઃ અમેરિકાથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ઓસ્ટિન બિઝનેસ જર્નલ’એ તાજેતરમાં આ વર્ષની ટોપ-૩૦ ફીમેલ બિઝનેસ લીડર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બિઝનેસ વુમન રીના પટેલનો પણ સમાવેશ થાય છે. રીના પટેલ અમેરિકન મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફાઈનાન્સ કંપની વેલ્સ કાર્ગોનાં એરિયા પ્રેસિડેન્ટ છે.
રીના પટેલનાં મમ્મી-પપ્પા હાથમાં ૧૦૦ ડોલર સાથે ઈ.સ. ૧૯૭૭માં ભારતથી હ્યુસ્ટન જઇને સ્થાયી થયા હતા. વિવિધ પ્રકારનાં ટેક્સ્ટાઈલ પ્રત્યે આકર્ષણ ધરાવતી રીના ટીનેજર હતી ત્યારે રીના કિશોર નામે પોતાની ફેશન બ્રાન્ડ પણ શરૂ કરી હતી. ન્યૂ યોર્કની ફેશન ઈન્સ્ટિટ્યુટમાં એક સેમેસ્ટર ભણ્યા પછી અચાનક જ તેણે બિઝનેસ ડિગ્રી મેળવવા માટે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. ૨૦૦૨માં રીનાએ વેલ્સ કાર્ગોમાં બેન્કમાં ટેલરની પોસ્ટ પર કામ શરૂ કર્યું હતું. અને હવે ૧૩ વર્ષમાં તેણે ટેલરમાંથી બેન્કર, સર્વિસ-મેનેજર, સ્ટોર-મેનેજર, ડિસ્ટ્રિક્ટ મેનેજરની લાંબી મજલ કાપીને આજે એરિયા પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળે છે. રીના પટેલ સેન્ટ્રલ ટેક્સાસના ગર્લ સ્કાઉટ્સના બોર્ડમાં પણ સામેલ છે.