ક્રિસમસ વેકેશનના દિવસો શરૂ થઇ રહ્યા છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય છે. કોઇ દેશમાં તો કોઇ વિદેશમાં તો કોઇ વતનના પ્રવાસે પહોંચવાની તૈયારી કરી રહ્યા હશે. સામાન્ય રીતે લોકો પ્રવાસ દરમિયાન એવા પોશાક પહેરવાનું પસંદ કરે છે, જે ખૂબ આરામદાયક અને ઢીલા હોય છે. પરંતુ જ્યારે યુવતીઓની પસંદગીની વાત થઇ રહી હોય ત્યારે તેમના માટે કપડાંમાં કમ્ફર્ટ અને સ્ટાઇલનું કોમ્બિનેશન જરૂરી બની જાય છે. આથી ટ્રાવેલિંગ દરમિયાન સરળતા તો રહે જ છે, પણ આ સમય દરમિયાન લીધેલા ફોટોગ્રાફ્સ વધુ યાદગાર બની જાય છે.
• લૂઝ ફિટ જીન્સઃ ફેશનને ધ્યાનમાં રાખીએ તો મુસાફરીમાં જીન્સ એ લોઅર અથવા ટ્રેક પેન્ટ કરતાં વધુ સારો વિકલ્પ છે. આવી સ્થિતિમાં મુસાફરી માટે લૂઝ જીન્સ પહેરવું જોઈએ. તમે તેને ટોપ તેમજ કુર્તી અથવા કુર્તા સાથે સ્ટાઇલ કરી શકો છો. લૂઝ ફિટ જીન્સ બેસવા અને ઉઠવા માટે ખૂબ જ આરામદાયક છે અને એ પહેરવાથી લાંબી મુસાફરી દરમિયાન ઇરિટેશન પણ થતું નથી. આજકાલ બેગી જીન્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. મુસાફરી કરતી વખતે તે આરામદાયક તો છે પણ ફોટોજેનિક લુક પણ આપે છે. આ સિવાય ફ્લેર્ડ જીન્સ પણ મુસાફરી દરમિયાન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે, તમે તેની સાથે ક્રોપ ટોપ સ્ટાઇલ કરી શકો છો.
• જમ્પસૂટઃ હાલમાં જમ્પસૂટની ફેશન ફરી ટ્રેન્ડમાં છે. મુસાફરી દરમિયાન પહેરવા માટે તે સારો વિકલ્પ છે. આથી તમે પ્રવાસ દરમિયાન પહેરવા માટે લૂઝ અને ફંકી જમ્પસૂટ પસંદ કરી શકો છો. જોકે, આ આઉટફિટ લાંબી મુસાફરી માટે નથી કારણ કે એમાં વોશરૂમમાં જવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમે તેને ટૂંકી મુસાફરી માટે પસંદ કરી શકો છો અથવા કોઈ જગ્યાએ પહોંચ્યા પછી આસપાસ ફરવા માટે પસંદ કરી શકો છો. જો તમારો જમ્પસૂટ સ્ટ્રેપી હોય તો તમે તેની સાથે ટી-શર્ટ પણ સ્ટાઈલ કરી શકો છો. તમે જમ્પસૂટ સાથે ઘણી ફંકી હેરસ્ટાઇલ અજમાવી શકો છો.
• ઓવર સાઇઝ ટી-શર્ટઃ જો વાતાવરણ બહુ ઠંડુ ન રહેવાનું ના હોય તો મુસાફરી દરમિયાન હળવા અને થોડા ઓવર સાઇઝ કપડાં વધારે કમ્ફર્ટેબલ રહેશે. તમે તમારા ટ્રાવેલ આઉટફિટ માટે જીન્સ અને મોટા કદના ટી-શર્ટ પણ પસંદ કરી શકો છો. શર્ટની સાથે ફંકી લુક બનાવવા માટે તમે શર્ટને શ્રગની જેમ સ્ટાઇલ કરી શકો છો તો ઓવર સાઇઝ ટી-શર્ટને પણ અલગ અલગ રીતે સ્ટાઇલ કરી શકો છો. સિઝનના આધારે, તમે તેને શોર્ટ્સ અથવા જીન્સ સાથે સ્ટાઇલ કરી શકો છો. જો તમે થોડાક ઠંડા સ્થળે જઈ રહ્યા છો, તો ચોક્કસપણે તમારી સાથે ડેનિમ જેકેટ લો.
• કફ્તાન ડ્રેસઃ જો વેકેશનમાં તમે બીચ સ્પોટ પર જવાનું વિચારી રહ્યા છો, તો તમે ત્યાં કફ્તાન ડ્રેસ પણ સ્ટાઈલ કરી શકો છો. આ ડ્રેસ ખૂબ જ લૂઝ ફિટિંગ અને આકર્ષક છે, જે તમારા લુકને અલગ અને ફંકી બનાવે છે. આ આઉટફિટ ખૂબ જ ટ્રેન્ડમાં છે, ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ પણ કફ્તાનમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી છે. તમે ઈચ્છો તો કફ્તાન સાથે જીન્સને પણ સ્ટાઈલ કરી શકો છો.
• શોર્ટ્સ અને ટી-શર્ટઃ લાંબી રોડ ટ્રિપ માટે શોર્ટ્સ અને ટી-શર્ટ ખૂબ જ ફંકી વિકલ્પો છે. આવી સ્થિતિમાં, તમે હાફ ટી-શર્ટ સાથે શોર્ટ્સ સ્ટાઇલ કરી શકો છો. આવા પોશાક સાથે કેનવાસ શૂઝને સ્ટાઇલ કરવા જોઇએ, જે ખૂબ સ્ટાઇલિશ લાગે છે. આ આઉટફિટ્સ એકદમ કમ્ફર્ટેબલ છે.