ટોરન્ટોઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેબિનેટમાં ફેરફારો કરીને ભારતવંશી અનિતા આનંદની નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્તિ કરી છે. વચગાળાની ચૂંટણીમાં ટ્રુડોની લિબરલ પાર્ટીના સત્તામાં આવતા અને મોટા સૈન્ય સુધારાઓની જાહેરાતના એક મહિના બાદ આ નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે અનિતા આનંદ રક્ષામંત્રી તરીકે નિયુક્ત થનાર બીજા મહિલા બન્યાં છે. તેમના પૂર્વે ૧૯૯૦માં કિમ કૈંબલે આ મંત્રાલય સંભાળ્યું હતું. અનિતા આનંદ ભારતના તામિલનાડુ અને પંજાબ સાથે સબંધ ધરાવે છે. તેમના ડોક્ટર પિતા તામિલનાડુના રહેવાસી હતા જ્યારે તેમના માતા પંજાબી હતા. અનિતા આનંદનો જન્મ કેનેડામાં જ થયો છે.
૫૪ વર્ષીય અનિતા લાંબા સમય સુધી રક્ષામંત્રી તરીકે રહેલા ભારતીય મૂળના હરજિત સજ્જનનું સ્થાન લેશે. ૨૦૧૫થી અત્યાર સુધી રક્ષામંત્રીના પદે રહેલા હરજિતના કાર્યકાળમાં કેનેડાના સશસ્ત્ર દળોમાં યૌન શોષણના અનેક કેસો સામે આવ્યા છે. આવા કેસો અટકાવામાં નિષ્ફળતા બદલ તેમની ભારે ટીકાઓ કરવામાં આવતી હતી. ટ્રુડોએ મંત્રીમંડળમાં ફેરફાર કરીને તેમને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટરની સાથે એક અન્ય વિભાગની જવાબદારી સોંપી છે.