નવરાત્રી અને પછી દિવાળી અને એ પછી લગ્નગાળો. હવેની સમજદાર યુવતીઓ દરેક પ્રસંગે શોભે અને મલ્ટિપલ યુઝ થઈ શકે તેવા ચણિયાચોળી પસંદ કરતાં શીખી છે. નવરાત્રીમાં તે ટ્રેડિશનલ લુક આપે તો દિવાળી કે લગ્નમાં પણ તે પહેરી શકાય તેવા લહેંગા ચોલી પ્રકારના હોય છે. ખાસ કરીને ટ્રેડિશનલ મટીરિયલ જેવા કે પટોળા, બાંધણી, બનારસી કે સિલ્કનાં ચણિયાચોળી ગમે તે પ્રસંગે પહેરી શકાય. તેથી યુવતીઓ અને સ્ત્રીઓ આ પ્રકારનાં મટીરિયલનાં જ ચણિયાચોળી પહેરતી થઈ છે.
પટોળાની ફેશનની વાત કરીએ તો પટોળું ગુજરાતી સ્ત્રીઓની પહેલી પસંદ રહ્યું છે મોર પોપટ અને હાથી ઘોડાની આગવી રીતે બનતી ડિઝાઇન એ ગુજરાતની આગવી પરંપરા અને ઓળખ છે. જોકે તેને વિશ્વ સ્તરે પણ ખાસ્સી ખ્યાતિ મળી જ છે. હવે આ પટોળા લગ્નસરા અને અન્ય ખાસ પ્રસંગોએ એક આગવી પસંદ બની રહ્યા છે. જે યુવતીઓ આખી પટોળા સાડી પહેરવા ન માગતી હોય તે પટોળા ચણિયાચોળીનો ઓપ્શન સરળતાથી અપનાવી શકે છે.
પટોળા સાડી અને કુર્તા તેમજ ચણિયાચોળીની સાચવણી તો કરવી જ પડે છે, પરંતુ તેમાં મોટાભાગે અલગ અલગ પ્રકારના સિલ્ક મટીરિયલ વપરાતા હોવાથી તે પ્રસંગની શાન વધારી દે છે. વળી સિલ્ક પોતે જ હેવિ મટીરિયલ છે તેમજ પટોળાની ડિઝાઇન પણ ભરચક હોય છે તેના કારણે તમારે હેવિ જ્વેલરીનો ભાર પણ નથી વેઠવો પડતો.
આ નવરાત્રીમાં યુવતીઓ કોટન પટોળા ઘાઘરા ટ્રાય પહેરતી પણ દેખાય છે, પરંતુ સિલ્ક પટોળા ચણિયાચોળી એ આ લગ્નસરામાં પહેલી પસંદ અને ટ્રેન્ડમાં બની રહેશે. પટોળાનો ટ્રેન્ડ આવતા પટોળા બનાવનાર કારીગરો તેમજ પટોળા બનાવવાની કળા સાથે વર્ષોથી સંકળાયેલા પરિવારોને કેટલુંક મહત્વ અને આર્થિક રોજગારી મળી રહી છે. જોકે કેટલાક કારીગરોએ કરેલા ઉલ્લેખ મુજબ હવે ફેશનના નવા ટ્રેન્ડમાં આવતા પટોળાને કારણ ફરીથી એક વાર લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું છે. તે આશાસ્પદ બાબત છે.
બનારસી ચણિયાચોળીની વાત કરીએ તો બનારસી ચણિયાચોળી મટીરિયલ તો માર્કેટમાં કે ઓનલાઈન મળી પણ રહ્યું છે. નવરાત્રી ફંક્શનમાં તે અત્યંત રિચ લુક આપે છે. આ ઉપરાંત તે કોઈ પણ પ્રસંગે હેવિ આઉટફિટ તરીકે પહેરી શકાય છે. તેની સાથે તમે ગોલ્ડન, ડાયમંડ કે મોતીના સાદા ઘરેણા પહેરો તો પણ અલગ તરી આવશો.
એ પ્રકારે જ બાંધણીના અને સિલ્કના ચણિયાચોળી પણ તમે વારે તહેવારે પ્રસંગે પહેરી શકો છો.
સિલ્કમાં પેપર સિલ્ક શાટિન કે સાદા સિલ્કમાં વર્ક કરેલાં ચણિયાચોળીનો મલ્ટિપલ યુઝ કરી શકાય છે. જો તમને ગુજરાતી ટ્રેડિશનલ યુવતી કે મહિલા તરીકેનો લુક જોઈતો હોય તો સિલ્કની બાંધણીનું મટીરિયલ ચણિયાચોળી માટે પસંદ કરી શકો છો. ગુજરાતી સાડી પ્રકારે દુપટ્ટો પહેરો તો આપોઆપ ગુજરાતી ગર્લનો લુક મળશે જો તમારે પર્ટીક્યુલર લુક ન જોઈતો હોય તો દુપટ્ટાને અલગ અલગ પ્રકારે નાંખીને તમે ટ્રેન્ડી લુક મેળવી શકો છો.