ટ્રેન્ડી છે, મિસ મેચ પગરખા

Wednesday 18th May 2016 08:29 EDT
 
 

હાલમાં ત્રીજી મેના દિવસે વિશ્વભરમાં લોકોએ ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે ઉજવ્યો હતો. આ દિવસની શરૂઆત ડો. આર્લિન કેસર નામની મહિલાએ કરી છે. એક જ જેવી ડિઝાઈનના શૂઝ બંને પગમાં પહેરવામાંથી લોકોને મુક્તિ આપવા માટે ડો. કેસરે ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે મનાવવાની શરૂઆત કરી હતી. તેમનું માનવું હતું કે, આ દિવસે વ્યક્તિ થોડીક અલગ રીતે રજૂ થાય તો દિવસ કંઈક હટકે પસાર થાય. મનુષ્યમાં રહેલી અનન્યતાની ઉજવણી કરે એવો તેમનો આ ઉજવણી પાછળનો આશય હતો. ૨૦૦૯માં તેમણે આ દિવસ શરૂ કર્યો હતો, પણ તેઓ તો છેક ૮૦ના દાયકાથી મિસ મેચ શૂઝ પહેરતાં આવ્યાં હતાં.

સેલિબ્રિટીની પણ પસંદ મિસ મેચ પગરખા

વર્ષ ૨૦૦૮માં ગાયિકા જોસ સ્ટોન એક કાર્યક્રમમાં ગ્રીન અને પિન્ક રંગના શૂઝ પહેરીને ગઈ હતી ત્યારે એક અખબારે મથાળું બાંધ્યું હતું ‘ડિડ યુ ગેટ ડ્રેસ્ડ ઈન ડાર્ક?’ (શું તું અંધારામાં તૈયાર થઈ હતી?), પણ એ પછી આ ફેશનને ઘણો વેગ મળ્યો. આઈપીએલ બાદ હવે ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચમાં પણ આવા ફન્કી કોમ્બિનેશન સાથે ખેલાડીઓ અને ચિયર ગર્લ્સ દેખાય છે.

વિદેશ સહિત હવે ભારતમાં પણ મિસ મેચ શૂઝ પહેરવાનું ચલણ ચાલ્યું છે. આ વર્ષે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડઝમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પણ એક પગમાં લાલ અને બીજા પગમાં સફેદ ચંપલ પહેર્યાં હતાં અને તેણે ઇરાદાપૂર્વક પહેરેલાં અલગ અલગ ચંપલ પર ઘણાનું ધ્યાન પણ ગયું હતું અને લોકોને આવી સ્ટાઇલમાં રસ પણ પડ્યો હતો.

આ ઉપરાંત ઝી ટીવી પરની સિરિયલ ‘સપને સુહાને લડકપન કે’માં રચના નામની સીધી સરળ યુવતીનું પાત્ર ભજવનારી મહિમા મકવાણા હાલમાં જ સોની એન્ટરટેઇન્મેન્ટની નવી સિરિયલ ‘દિલ કી બાતેં દિલ હી જાને’માં બંને પગમાં અલગ અલગ રંગના શૂઝ પહેરેલી જ જોવા મળે છે.

બે ચોટલા અને સલવાર-કુર્તામાં જ દેખાયેલી રચના આ નવી સિરિયલમાં ટીનએજ ગર્લના પાત્રમાં છે. તેના બોબ્ડ હેર તથા ટ્રેન્ડી ક્લોથ્સને બદલે લોકોનું ધ્યાન તેના બંને પગમાં પહેરેલાં અલગ અલગ શૂઝ તરફ વધુ ખેંચાયું છે. મહિમાને પણ આ નવી સ્ટાઇલ એટલી ગમી ગઈ છે કે હવે તો તે રિયલ લાઇફમાં પણ આવા શૂઝ પહેરે છે.

તકેદારી પણ જરૂરી

યુવતીઓ અને સ્ત્રીઓમાં પણ અત્યારે આ પ્રકારે બંને પગમાં અલગ અલગ ચંપલ પહેરવાની ફેશન છે. ચંપલની એક જ ડિઝાઈનની જોડમાંથી એકનો રંગ લાલ હોય તો બીજાનો લીલો હોય તેવો ટ્રેન્ડ અત્યારે ચાલે છે. ખાસ કરીને સ્લિપર હોય તો , સ્લિપરની પટ્ટીઓમાં કોન્ટ્રાસ કલર વધુ ચાલે છે. જેમ કે એક પગની સ્લિપર આખી પીળા રંગની હોય તો તેની પટ્ટી લાલ રંગની હોય એવી જ રીતે બીજા પગની સ્લિપર લાલ રંગની હોય તો તેની પટ્ટી પીળા રંગની હોય તેવી ફેશન વધુ છે.

જોકે શૂઝમાં આ મિસ મેચ સ્ટાઇલ અપનાવતાં પહેલાં કેટલીક તકેદારી રાખવી પણ જરૂરી છે. મિસ મેચ શૂઝના ઉત્સાહના અતિરેકમાં સાવ જુદા જુદા પ્રકારના જૂતાં પહેરવાની ભૂલ ન કરવી. કેમ કે આવું કરવાથી શરીરનું સંતુલન બગડી શકે છે. વળી, કેઝ્યુઅલ વસ્ત્રો સાથે અર્થાત્ પેન્ટ-શર્ટ સાથે પણ આવો અખતરો ન કરવો, કેમ કે આ બાબતને હજી ફેશન તરીકે માન્યતા મળી નથી. તેથી પ્રસંગને અનુરૂપ આ ફેશન અપનાવવી.

શૂઝ એક્સપર્ટ્સના માનવા પ્રમાણે હાઈ હિલ સેન્ડલ્સ, મોજડીઓ, સ્લિપર્સ અને સ્પોર્ટસ શૂઝમાં મિસ મેચ વધુ આકર્ષક હોય છે. પાર્ટીમાં પણ આવા મિસ મેચ પગરખા પહેરી શકાય, પણ મિસ મેચમાં પણ ડિઝાઈન કે હિલ મેચ થવા જોઈએ. સામાન્ય રીતે જીન્સ-ટીશર્ટ સાથે મિસ મેચ જામે છે.

મૂંઝવણ અનુભવતા લોકો માટે નહીં.

શૂ ડિઝાઇનર્સ અને સ્ટાઇલ એક્સપર્ટ કહે છે કે, મિસ મેચ શૂઝ પહેરનારાએ તે અંગે કોન્શિયસ થવું જોઈએ નહીં. કેમકે જો તમને જ આ શૂઝમાં કશુંક વિચિત્ર લાગ્યા કરશે તો જોનારને થશે કે ‘કુછ તો ગરબડ હૈ...’. મિસ મેચ શૂઝ પહેરીને તમે બેફિકર અને આત્મવિશ્વાસથી પોતાની જાતને અન્યોની સામે મૂકી શકતા હો તો જ આ પ્રકારે શૂઝ પહેરવા પર પસંદગી ઉતારો. બાકી એવું પણ નથી કે ચોક્કસ બોડી ટાઇપના લોકો જ આ ફેશન પર પસંદગી ઉતારી શકે, જો તમને મિસ મેચ ગમે અને પહેરવાની ઇચ્છા હોય તો તમે પહેરી શકો. બોડી ટાઇપ કરતાં આ ફેશન માટે માઇન્ડસેટનું મહત્ત્વ વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter