ઠંડીની સિઝનમાં પહેરો સ્ટાઈલિશ ઓવરકોટ

Monday 18th December 2017 08:09 EST
 
 

ધીરે ધીરે ઠંડીની લહેર ચાલી છે. ઠંડીની મોસમ માટે શ્રેષ્ઠ પોશાકમાંથી એક છે ઓવરકોટ. સામાન્ય રીતે મહિલાઓ ઓવરકોટ પહેરવાનું ઓછું પસંદ કરે છે, પણ ખરેખર આ આઉટફિટ ટ્રેન્ડી અને ફેશનેબલ છે. ખાસ કરીને વર્કિંગ વુમન માટે શોર્ટ જેકેટ કે કોટ ઓફિસ આવવા-જવા માટે સારો રહે છે. કોઈ ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું થાય કે ઠંડી હોય ત્યારે તો ખાસ ઓવરકોટ જ પહેરવો એવું ફેશન એક્સપર્ટ્સનું પણ માનવું છે. ઓવરકોટને જે રીતે ફોર્મલ જેકેટ તરીકે ન પહેરી શકાય એ જ રીતે જેકેટને ઓવરકોટ તરીકે નહીં. લાંબા કોટમાં પણ ત્રણ વરાઇટીઝ મલી રહે છે. ઓવરકોટ લાંબો કોટ છે, જેમાં સ્લિવ્સ હોય છે અને એ હૂંફ માટે પહેરાય છે. કોટ અંદર કંઈ બીજું પહેર્યા બાદ એની ઉપર પહેરાય છે. ત્યારબાદ ટોપ કોટ છે, જે ઓવરકોટ કરતાં વજનમાં હલકો હોય છે. તેના પછી આવે છે ગ્રેટ કોટ, જે હેવિ હોય છે. ઓવરકોટ જેવો જ હોય છે, પણ તેનાથી જુદો તરી આવે છે. ઓવરકોટ ખરીદો ત્યારે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ એ જાણી લો.

ક્વોલિટી

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઓવરકોટ વારંવાર ખરીદવાની ચીજ નથી માટે ખૂબ જ ચકાસીને આ કોટ ખરીદો. હલકા મટીરિયલનો બનેલો કોટ લાંબો સમય નહીં ટકે. એના કરતાં જો થોડા વધારે પૈસા ચૂકવીને સારી ક્વોલિટીનો કોટ ખરીદશો તો એ થોડો લાંબો સમય ટકશે.

ડાર્ક રંગ શોભે

લાંબા કોટ માટે આમ તો કોઈ પણ વ્યક્તિની પહેલી પસંદગી ડાર્ક કલર્સ જ હોય. સોલિડ નેવી બ્લુ, બ્રાઉન, બ્લેક, ગ્રે, મરુન, કોફી, ચોકલેટ, વાઈન કે ડાર્ક ગ્રીન કલર આમ તો પહેલી પસંદ હોવી જોઈએ. આ રંગોથી કમ્ફર્ટેબલ થયા પછી તમે રંગોમાં એક્સપરિમેન્ટ કરી શકો છો. આ રંગો ઓલમોસ્ટ બધા આઉટફિટ સાથે શોભે છે તેથી તેની પર પસંદગી ઉતારવી યોગ્ય છે, પણ હવેથી ટ્રેન્ડ મુજબ આઉટફિટ સાથે મેચિંગ વાયબ્રન્ટ ઓવરકોટ પણ બજારમાં મળતાં થયાં છે.

સ્ટાઈલિશ

પ્લીટ્સ ધરાવતા ઓવરકોટ સામાન્ય રીતે દરેક મહિલાની પસંદ હોય છે કારણ કે ઝડપી કામ કરવામાં તે ફંટાતા નથી. પ્લીટ્સ ધરાવતા ઓવરકોટ ભારે શરીર ધરાવતી મહિલાઓ માટે તો ખાસ ડિઝાઇન કરાયેલી પેટર્ન જેવા ગણી શકાય છે. ઓવરકોટમાં કફ એ પર્સનલ ચોઇસ છે.

કોટમાં આમ તો મોટા બટન દેખાતા હોય છે, પણ તે આખો ઓપન રાખી શકાય. બટન્સની પેટર્ન કરાવી શકાય. ઓવરકોટનો ઉપરનો થોડો ભાગ અંગરખાની જેમ ઓવરલેપિંગ હોય એ પણ સ્ટાઇલિશ લાગશે. એ માટે કોલર મોટા હોય એવો ઓવરકોટ પસંદ કરવો.

વૂલન મટીરિયલ

ઠંડી માટેનો ઓવરકોટ હોય ત્યારે વૂલન ફેબ્રિક મહત્ત્વના છે. ઓવરકોટનો ઉપયોગ હૂંફ મેળવવાનો જ છે એટલે એ ૧૦૦ ટકા વૂલનનો બનેલો હશે તો પણ સારો રહેશે. આ કોટ લાંબો રહેશે, કારણ કે ફેબ્રિક ટકાઉ છે. કાશ્મીર ફેબ્રિકના કોટ સોફ્ટ હોય છે છતાં હૂંફ તો આપે જ છે. જો વૂલન ઓવરકોટમાં સોફ્ટનેસ ઉમેરવી હોય તો ૯૦ ટકા વૂલન અને ૧૦ ટકા કાશ્મીરનું બ્લેન્ડ પસંદ કરી શકાય.

લંબાઈ

ટ્રેડિશનલી ઓવરકોટ ગોઠણથી લઈને પગની એડી સુધીની લંબાઈના મળી રહે છે. ફુલ લેન્થ ઓવરકોટ જો પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે તો પહેરી શકાય. જો પેટનો ભાગ થોડો હેવી હોય તો કોટ લુઝ રખાવવો. અને જો શરીર પાતળું હોય તો કોટ બને ત્યાં સુધી શરીરની નજીક રહેવો જોઈએ. ઓવરકોટની લેન્થ ગોઠણ સુધીની હોય તો એ આદર્શ ગણાય છે.

સિલાઈ અને ફિટિંગ

હાઈ ક્વોલિટી કેન્વાસના બેઝ પર સિલાઈ કરવામાં આવી હોય એવા ઓવરકોટ વધુ ટકે છે. જ્યારે સસ્તા કોટને નરમ કેન્વાસ જેવા મટીરિયલ સાથે સિવવામાં આવે છે. જાડું કેન્વાસ ખરેખર વધુ ટકાઉ હોય છે. જ્યારે નરમ કેન્વાસ ધોયા બાદ વધુ નરમ બની જાય છે અને આવું થયા બાદ સૂટ લૂઝ લાગશે. ઘણી જાણીતી બ્રાન્ડના ઓવરકોટની સિલાઈ લગભગ સાઈઝ પ્રામણે માફક આવી જ જાય છે. કેટલાક બ્રાન્ડસ્ટોર્સ તો તેમને ત્યાંથી લેવામાં આવતા ઓવરકોટમાં તમારી સાઈઝ મુજબ તમને જોઈતા ફેરફાર કે ફિટિંગ પણ કરી આપે છે. શોલ્ડર પરનું ફિટિંગ અને જેકેટની લંબાઈ કોટના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે પરફેક્ટ હોવી જોઈએ. બાકી કોઈ પાર્ટમાં થોડી બાંધછોડ ચાલે, પણ શોલ્ડર તો ત્યાં જ આવવાં જોઈએ જ્યાં તમારો ખભો છે. જો શોલ્ડરની લાઇન ખભાની થોડી પણ બહાર આવતી હોય તો એ કોટ બાજુએ મૂકો અને બીજો પસંદ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter