ટેનિસના ખેલમાં ભારતને ચંદ્રક અપાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી... આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીને જાણતાં જ હશો !
એનું નામ સાનિયા મિર્ઝા... ભારતમાં ટેનિસના ખેલને લોકપ્રિય બનાવનાર પ્રેરકબળ. ટેનિસની રમતમાં ભારતને ગૌરવ અપાવવા બદલ સાનિયાને અનેક સન્માનોથી પુરસ્કૃત કરાઈ છે. વર્ષ ૨૦૦૪માં અર્જુન પુરસ્કાર, ૨૦૦૫માં વિમેન્સ ટેનિસ એસોસિયેશન - (ડબ્લ્યૂટીએ)નો ન્યુકમર ઓફ ધ યર, ૨૦૦૬માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત, ૨૦૧૪માં તેલંગણની બ્રાન્ડ એમ્બેસેડર, ૨૦૧૫માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી પુરસ્કૃત, અને ૨૦૧૬માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી સન્માનિત...
સાનિયાની ઝળહળતી સિદ્ધિઓ જોઈએ : ૨૦૦૪માં વિમેન્સ ટેનિસ એસોસિયેશન-ડબ્લ્યૂટીએનો ડબલ્સનો ખિતાબ જીત્યો, ૨૦૦૪અં છ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન-આઈટીએફ સિંગલ્સ ખિતાબ જીત્યા, ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં વિજેતા બનનાર પહેલી ભારતીય ખેલાડી, ૨૦૦૬માં દોહા એશિયાઈ ખેલોમાં ત્રણ ચંદ્રક જીતવાનો વિક્રમ, ૨૦૦૭માં ચાર ડબલ્સ ખિતાબ જીતવાનો વિકમ, ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ્સમાં ડબલ્સનો ખિતાબ જીતી, ૨૦૧૩માં દુબઈ ચેમ્પિયનશિપ ડબલ્સ ખિતાબની વિજેતા, ૨૦૧૪માં પોર્ટુગલ ઓપન ડબલ્સ ખિતાબની વિજેતા, ૨૦૧૪માં યુએસ ઓપન મિક્સ ડબલ્સ ચેમ્પિયનશિપની વિજેતા, ૨૦૧૪માં દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં આયોજિત ૧૭મા એશિયાઈ ખેલોમાં સુવર્ણ ચંદ્રક અને કાંસ્ય ચંદ્રકની વિજેતા, ૨૦૧૫માં વિમેન્સ ટેનિસ એસોસિયેશન-ડબ્લ્યૂટીએની ડબલ્સની રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર પહેલી ભારતીય ખેલાડી, ૨૦૨૦અં હોબાર્ટ ઇન્ટરનેશનલ વિજેતા...
આ સાનિયા મિર્ઝાનો જન્મ મુંબઈમાં ૧૫ નવેમ્બર ૧૯૮૬ના હૈદરાબાદના મુસ્લિમ પરિવારમાં થયેલો. ઉછેર હૈદરાબાદમાં. માતા નસીમા મિર્ઝા મુદ્રણ વ્યવસાય સાથે સંકળાયેલી. પિતા ઇમરાન મિર્ઝા ખેલ પત્રકાર હતા. તેમણે પોતાની એક ખેલ સંબંધિત પત્રિકા ‘કોલ’ પણ પ્રકાશિત કરેલી. મિર્ઝા પરિવાર આર્થિક રીતે સાધનસંપન્ન હતો. આવા સમૃદ્ધ કુટુંબમાં ઉછરેલી સાનિયાએ હૈદરાબાદ સ્થિત ખેરાતાબાદની નાસર શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવેલું. ત્યાર બાદ હૈદરાબાદની સેન્ટ મેરીઝ કોલેજમાંથી એ સ્નાતક થઈ. એ પછી ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ના ચેન્નાઈની ડૉ. એમજીઆર એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાંથી ડોક્ટર ઓફ લેટર્સની માનદ ડિગ્રી મેળવી.
દરમિયાન, સાનિયાએ માત્ર છ વર્ષની કુમળી વયે ટેનિસ રમવાની શરૂઆત કરેલી. પિતા ઇમરાન પાસેથી તેણે ટેનિસ રમવાનું પ્રારંભિક પ્રશિક્ષણ મેળવેલું. પિતા ઈમરાને સાનિયાને ટેનિસના પ્રશિક્ષણ માટે હૈદરાબાદની નિઝામ ક્લબમાં દાખલ કરેલી. સાનિયાના ગુરુ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિના પિતા અને ભારતના સફળ ટેનિસ પ્લેયર સીકે ભૂપતિ હતા. સાનિયાએ સિકંદરાબાદમાં ‘સિનેટ’ ટેનિસ અકાદમીમાંથી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. એ પછી સાનિયા અમેરિકાની ‘એસ. ટેનિસ અકાદમી’માં જોડાઈ.
ટેનિસની રમત રમવાનું સઘન પ્રશિક્ષણ લીધા પછી સાનિયા મિર્ઝા ખેલના મેદાનમાં ઊતરી. સાનિયાની જ્વલંત ટેનિસ કારકિર્દી પર એક નજર : વર્ષ ૧૯૯૯માં સાનિયાએ ઇન્ડોનેશિયાના જાકાર્તામાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ખેલનું પ્રદર્શન કર્યું. ત્યાર પછી ૨૦૦૨માં એશિયાઈ ખેલોમાં મિક્સ ડબલ્સ લિયેન્ડર પેસ સાથે જોડી જમાવીને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યાર બાદ સાનિયાએ ટેનિસની રમતમાં આશ્ચર્યજનક સિદ્ધિઓ મેળવી. વર્ષ ૨૦૦૩માં તેણે આફ્રો-એશિયન ટેનિસ-સ્પર્ધાઓમાં ચાર સુવર્ણચંદ્રકો મેળવેલા. જેમાં મહિલા-ટેનિસનો એકલ ખિતાબ, મહેશ ભૂપતિ સાથેની ભાગીદારીમાં મિક્સ ડબલ્સનો ખિતાબ, મહિલા ડબલ્સમાં સર્વોચ્ચ વિજેતાનો ખિતાબ અને મહિલાઓની ટીમ-સ્પર્ધાનો સુવર્ણચંદ્રક- આ ચાર સુવર્ણચંદ્રકોનો સમાવેશ થાય છે. તે જ વર્ષે તેણે વિમ્બલ્ડન જુનિયર્સ ડબલ્સની સ્પર્ધામાં એલિસા ક્લોબાનોવાની ભાગીદારીમાં સર્વોચ્ચ સ્થાન અને સુવર્ણચંદ્રક હાંસલ કરેલો. ગ્રાન્ડ સ્લૅમ શ્રેણીમાં ગણાતો આ ઇલકાબ હાંસલ કરનાર તે સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી તથા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે..... સાનિયાએ યુવા ખેલાડીઓને સંદેશ આપતાં કહેલું કે, ‘આપણે ક્યારેય જીત અને હારની ચિંતા કે પરવા ન કરવી જોઈએ. કઠોર પરિશ્રમ કરવો જોઈએ. સફળતા આપોઆપ મળી જશે !’