ઘઉંવર્ણ ધરાવતી યુવતીઓ અને સ્ત્રીઓને હંમેશા એ મૂંઝવણ રહે છે કે ક્યા આઉટફિટ તેમને શોભશે? તમારા આ પ્રશ્નનું નિરાકરણ અહીં આપેલું છે. તમારા આઉટફિટ ફેશનેબલ અને ટ્રેન્ડી હોવા જરૂરી છે એટલું જ જરૂરી છે કે એનો કલર તમારી સ્કિન પર શોભે. તમે ગમે એટલા ફેશનેબલ કપડાં ખરીદો, પરંતુ એનો રંગ તમારી પર નિખરી ઊઠે નહીં તો શું કામનું? ઘણી વાર એવું પણ માની લઇએ છીએ કે ડાર્ક સ્કિન પર આ કલર તો ખરાબ જ લાગશે પરંતુ એ સાચું હોતું નથી. આવો જાણીએ ડસ્કી સ્કિન ટોન પર કયો કલર શોભશે?
કોબાલ્ટ બ્લ્યૂ
યલો અને ગ્રીનની જેમ બ્લ્યૂના પણ ઘણા શેડસ છે. રોયલ બ્લ્યૂ અથવા મિડનાઇટ બ્લ્યૂ જેવા ડીપર શેડસ ડાર્ક સ્કિન પર સારા ન લાગે, પરંતુ કોબાલ્ટ બ્લ્યૂ તેમના પર બ્રાઇટ લાગે છે.
મસ્ટર્ડ
યલો કલર મારી સ્કિન પર બહુ ચમકશે એવું વિચારીને આ કલરના આઉટફિટસ ડસ્કી સ્કિન ટોનવાળી યુવતીઓ પહેરતાં અચકાય છે, પરંતુ યલોમાં પણ ઘણા શેડસ આવે છે જેમાં મસ્ટર્ડ કલર તમારા સ્કિન ટોન પર બહુ નિખરશે.
ઓલિવ ગ્રીન
ડસ્કી સ્કિન ટોન પર ઓલિવ ગ્રીન બહુ સરસ લાગે છે. આમ તો ગ્રીનના મોટા ભાગના શેડસ આ સ્કિન ટોન પર શોભે છે. ઇન્ડિયનથી માંડી વેસ્ટર્ન દરેક આઉટફિટસમાં તમે આ કલર ટ્રાય કરી શકો છો.
બેઝ
બેઝ ઘણો લાઇટ ઇંગ્લિશ કલર છે એ ડસ્કી યુવતી પર સારો લાગે છે. હંમેશાં વેસ્ટર્ન આઉટફિટસ એ કલરના પસંદ કરો. બ્રાઇટ કલર્સ તમારા ઇન્ડિયન આઉટફિટસ માટે રાખો.
મરૂન
ડસ્કી સ્કિન ટોનને બેસ્ટ એટલે માનવામાં આવે છે કારણ કે તમે ઘણા કલર્સ સાથે એકસપરિમેન્ટ કરી શકો છો. જેમાંથી એક છે મરૂન કલર. સાડી હોય, સૂટ હોય કે પછી ઇવનિંગ ગાઉન આ કલર તમે ગમે ત્યારે કેરી કરી શકો છો. આ કલર તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડે છે. તો બિંદાસ બની આ શેડસના આઉટફિટસને તમારા વોર્ડરોબમાં સામેલ કરો.
ક્રીમ
ક્રીમ કલર ડસ્કી યુવતીઓના સ્કિન ટોનને બ્રાઇટન કરે છે. આથી તમારો વાન પણ શ્યામ હોય તો તમારા વોર્ડરોબમાં આ કલર રાખો. ક્રીમ લાઇટ કલર છે અને ડાર્ક સ્કિનના બેકગ્રાઉન્ડ પર સારો લાગે છે.
કોરલ
રેડના મોટા ભાગના શેડસ શ્યામ વર્ણ પર શોભે છે, પરંતુ તમે એ ટ્રાય કરતા ગભરાતાં હો તો કોરલનો ઓપ્શન ટ્રાય કરો. જે ડે આઉટિંગથી માંડી નાઇટ પાર્ટી દરેક જગ્યાએ બધાંનું ધ્યાન ખેંચશે. રેડ અને ઓરેન્જના કોમ્બિનેશનવાળો આ કલર કલાસી લુક આપવાની સાથે લગભગ દરેક સ્કિન ટોન પર શોભે છે.
ગનમેટલ ગ્રે
સિલ્વર નહીં પરંતુ ગનમેટલ ગ્રેના શેડ તમારા વોર્ડરોબમાં ચોક્કસ સામેલ કરો. એ ગ્રે અને બ્લેકનું કોમ્બિનેશન હોય છે. બ્લેક બોલ્ડ અને ગ્રે ડલ કલર ગણાય છે. ગનમેટલ ગ્રે પહેરવાથી તમને મળશે એલિગન્ટ લુક.
હોટ પિંક
દરેક યુવતીના વોર્ડરોબમાં પિંક હોય છે, પરંતુ ડસ્કી સ્કિન ટોન પર બેબી પિંક કરતાં વધારે ફુશિયા કલર સારો લાગે છે. એ તમારા લુકને બ્રાઇટ પરંતુ ખૂબસૂરત અને ગર્લી ગુક આપે છે.
પર્પલ
પર્પલના જુદા જુદા શેડસ માર્કેટમાં મળે છે ત્યારે પોતાની સ્કિન ટોન પ્રમાણે કયો શેડ બેસ્ટ હશે તે જાણવા માગતાં હો તો મજન્ટા, પ્લમ કે લવંડર કલર ટ્રાય કરો. મજન્ટા અને પ્લમ કલર માત્ર આઉટફિટસમાં જ સારા નથી લાગતા આ કલરની લિપસ્ટિક પણ ડસ્કી સ્કિન ટોન પર બહુ સૂટ કરે છે.