છત્તીસગઢ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાયપુરમાં રાષ્ટ્રીય યોગ સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧ વર્ષની અન્વી ઝાંઝારૂકિયાએ પણ તેમાં ભાગ લીધો હતો અને ગોલ્ડમેડલ મેળવ્યો હતો. અન્વી નોર્મલ બાળકો કરતાં અલગ છે. અન્વીને જન્મજાત ડાઉન સિન્ડ્રોમ બીમારી છે. જેથી તેનું આંતરડુ પણ ૭૦ ટકા ખરાબ થઈ ગયું છે. જોકે અન્વી હિંમત હારતી નથી. યોગ સ્પર્ધામાં તો તે સ્વસ્થ બાળકોને ટક્કર આપે છે. છત્તીસગઢ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાયપુરમાં આયોજિત રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો એ પછી તે યોગમાં વધુ ને વધુ આગળ વધવા માગે છે.
અન્વી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયન
અન્વીનો જન્મ થયો ત્યારે તેના માતા પિતા દુ:ખી થયા હતાં, પરંતુ પછથી દીકરીને ખેલાડી બનાવવાનો નિર્ણય કર્યો. અન્વીની ટ્રેઈનિંગ શરૂ થઈ. આજે અન્વી નેશનલ લેવલની ચેમ્પિયન છે. અન્વીએ રાયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં આર્ટીસ્ટિક યોગા ડાન્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સ્વતંત્ર યોગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અન્વી ૩ વર્ષથી યોગની ટ્રેનિંગ લઈ રહી છે. રોજ બે કલાક યોગના આસનની પ્રેક્ટિસ કરે છે.
અન્વીનો આત્મવિશ્વાસ
અન્વીએ કહ્યું કે, હું સામાન્ય બાળકો કરતાં અલગ છું એ મને ખબર છે. એટલે જ હું જે પણ કરું છું તેના માટે પૂરતી મહેનત અને તૈયારી કરું છું. ડ્રોંઈગ મારો ફેવરિટ વિષય છે. મને ફિઝિકલ એક્ટિવિટી ગમે છે. આ વાત મારા કોચ અને માતાપિતાને ખબર પડતાં તેમણે મને યોગની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. હું સ્પેશિયલ ચાઈલ્ડ છું એટલા માટે મને સામાન્ય બાળકો કરતાં શીખવામાં સમય જતો હતો. જો કે આ વાતની જરા પણ દરકાર કર્યા વગર મારા પેરેન્ટ્સે મારા ઉપર ખાસ ધ્યાન આપીને મહેનત કરી અને મને યોગ શીખવાડ્યાં.
૮ કલાકની ઓપન હાર્ટ સર્જરીમાંથી પસાર
અન્વીના માતા પિતા કહે છે કે, અન્વી ૬ મહિનાની હતી ત્યારે તેના હ્દયમાં કાણું હતું જેને કારણે બહારના રાજ્યમાં તેની ઓપન હાર્ટ સર્જરી હાથ ધરાઈ હતી. આ સર્જરી લગભગ ૮ કલાક ચાલી હતી. ડોકટરે ત્યારે કહ્યું હતું કે પાંચ વર્ષ બાદ ફરી તેનો વાલ્વ બદલવો પડશે. જોકે ચમત્કાર એ છે કે અત્યાર સુધી અન્વીના વાલ્વને લઈને કોઈ સમસ્યા આવી નથી. જોકે અમે અન્વીની સ્પેશ્યલ ચાઈલ્ડ કરતાં અલગ રીતે સંભાળ રાખીએ છીએ.
અન્વીના પિતા વિજયભાઈ ઝાંઝારૂકિયાએ જણાવ્યું કે, ૨૦૦૮માં અન્વીનો જન્મ થયો હતો, પરંતુ અન્વીના જન્મના થોડા સમયમાં જ અમને ખબર પડી કે એને ડાઉન સિન્ડ્રોમ છે. આ સાંભળીને હું અને મારી પત્ની બંને પડી ભાંગ્યા હતા. અને થોડા દિવસો માટે હું પણ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. આખરે પરિવારજનોની સમજાવટથી અને સહકારથી ભગવાનની દેન સમજી લીધી.
અમે અન્વીને સ્વતંત્ર બનાવવા માગતા હતાં, માતા-પિતા જેમ સ્પેશલ ચાઈલ્ડની સંભાળ લે છે તેનાથી અલગ રીતે સંભાળ રાખતા. અમે દરેક કામ તેને જાતે જ કરવા દેતા. ડાયેટ પર ધ્યાન રાખીને તેનું વજન ન વધે તેની તકેદારી રાખતા હતા. છેલ્લાં ૩ વર્ષ પહેલાં અન્વી હાથ પગને એવી રીતે ફોલ્ડ કરતી હતી જે કોઈ સામાન્ય માણસ પણ ન કરી શકે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તેમને ફિઝિકલ ટ્રેનિંગને લગતા ક્લાસમાં મોકલવાનું વિચાર્યું. તે યોગમાં આગળ વધી અને તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો જોઈને અમે ઘણા ખુશ છીએ.