ન્યૂ યોર્કઃ યુએસનાં 63 વર્ષીય ડાયેના આર્મસ્ટ્રોંગે અનોખો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. તેમના બંને હાથની આંગળીઓના નખની કુલ લંબાઈ 42 ફૂટ અને 10.4 ઈંચ (1,306.58 સે.મી.) નોંધાઈ છે. ડાયેના છેલ્લા 24 વર્ષથી આ નખ વધારતાં રહ્યાં છે. જોકે, તેમનું કહેવું છે કે તેણે સૌથી લાંબા નખના વિશ્વવિક્રમ માટે નહિ પરંતુ, પરિવારની ટ્રેજેડીના કારણે નખ વધાર્યા હતા.
ડાયેનાએ હવે સૌથી લાંબા નખ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. લાંબા નખના કારણે ડાયેનાને ડ્રાઈવિંગ, બાથરૂમના ઉપયોગ અને વસ્ત્રોની ઝીપ બંધ કરવા સહિત રોજબરોજના કાર્યો કરવામાં ભારે મુશ્કેલી નડે છે. આટલા લાંબા નખની જાળવણી માટે તેઓ સલૂનમાં પણ જઈ શકતાં નથી અને પરિવારના સભ્યો જ તેમને જાળવણીમાં મદદ કરતા રહે છે. ડાયેનાના ગ્રાન્ડ ચિલ્ડ્રને નખના પોલીશ અને ફાઈલિંગની કામગીરી સંભાળી લીધી છે કેમ કે એક નખની જાળવણી પાછળ પાંચથી દસ કલાકનો સમય જાય છે.
ડાયેનાને આમ તો પહેલાંથી જ નખ વધારવાનો શોખ હતો અને તેમની દીકરી લાટિશા જ નખની સંભાળ અને પોલિશિંગ કરતી હતી પરંતુ, 1997માં અસ્થમાના હુમલાથી 15 વર્ષીય દીકરીના મૃત્યુના આઘાતથી ડાયેનાએ નખ કાપવાના બંધ કરી દીધા. લાટિશાએ મૃત્યુની આગલી રાત્રે પણ માતાના નખની સંભાળ લીધી હતી. આ પછી ડાયેના ક્યારેય નખ કાપી શક્યાં જ નથી. ડાયેના કહે છે કે આ વધેલા નખથી તેમને દીકરી પોતાની સાથે જ હોવાની લાગણી થાય છે. તેમણે નખ કેમ વધાર્યા છે તેનું કારણ પણ અત્યાર સુધી કોઈને જણાવ્યું ન હતું. ડાયેના કહે છે કે તેને હજારો ડોલર આપશો તો પણ તે નખ કાપશે નહિ.
અગાઉનો રેકોર્ડ હતો 28 ફૂટ 4 ઇંચ લાંબા નખનો
અગાઉ, બંને હાથની આંગળીઓના નખની કુલ લંબાઈનો વિશ્વવિક્રમ અમેરિકાની જ લી રેડમન્ડના નામે હતો, જેમના નખની કુલ લંબાઈ 28 ફૂટ અને 4 ઈંચ (865 સે.મી.) હતી. રેડમન્ડે 1979થી નખ કાપ્યાં ન હતા અને તેના વિક્રમની નોંધ 2002માં ગિનેસ બુકમાં લેવાઈ હતી. તેમના જમણા અંગુઠાના નખની લંબાઈ જ 2 ફૂટ અને 11 ઈંચ હતી. લીને એક વખત ટીવી પર નખ કાપવાના 60 હજાર પાઉન્ડની ઓફર કરાઈ હતી પરંતુ તેણે ધરાર નકારી કાઢી હતી. જોકે, 2009માં એક કાર અકસ્માતમાં તેમણે આ નખ ગુમાવ્યાં હતાં.
આ ઉપરાંત, હ્યુસ્ટનની અયાન્ના વિલિયમ્સે એક હાથની આંગળીઓના નખની કુલ લંબાઈ 18 ફૂટ અને 9.7 ઈંચ (576.4 સેન્ટિમીટર) નો વિક્રમ 2018માં નોંધાવ્યો હતો. જોકે, રોજબરોજના કામકાજમાં ભારે મુશ્કેલી અને નખનું વજન વધી ગયાનું લાગતાં અયાન્નાએ 2021માં નખ કપાવી નાખ્યાં હતાં.