આજકાલ ડાર્ક મેટ ફિનિશવાળી લિપસ્ટિકની ફેશન છે. ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો. તે કઈ રીતે કરવી એ જાણો. કઈ રીતે તમે ડાર્ક લિપસ્ટિકથી તમારા લુકને નિખારી શકો છો એ માટે કેટલીક ટિપ્સ અહીં હાજર છે. અત્યારે ડાર્ક લિપસ્ટિકની ફેશન છે એમ જણાવતાં બ્યુટિશિયન રેખા શાહ કહે છે, ડાર્ક લિપસ્ટિક માત્ર ટ્રેડિશનલ ફંક્શનમાં જ કરવી એવું નહીં પણ પ્રોફેશનલ મહિલાઓ અને કોલેજગર્લને પણ રોજ એ લગાવવી ગમે છે. વળી ડાર્ક શેડ રોજિંદા કે પ્રસંગે મેકઅપમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
લિપ લાઈનરનો ઉપયોગ
બ્યુટી એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે લિપસ્ટિકનો ડાર્ક શેડ પસંદ કરો ત્યારે તમારે એવો મેકઅપ કરવો જેનાથી તમારા માત્ર હોઠ હાઇલાઇટ થાય. આખા ફેસ પર સૌથી પહેલાં કન્સિલર અને પ્રાઇમર લગાડવું. એ રીતે લગાડવું જેનાથી તમારો આખો ફેસ સ્પોટલેસ લાગે. ફેસને જ્યારે કન્સિલ કરો ત્યારે હોઠને પણ કન્સિલ કરવા. બન્ને લિપની આઉટલાઇનને પણ કન્સિલ કરવી. કન્સિલર લગાવ્યા પછી લૂઝ પાઉડરથી ચહેરા પરનો શેડ સેટ કરવો. ડાર્ક લિપસ્ટિકમાં લિપ લાઇનર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. હોઠને કન્સિલ કર્યા પછી લિપ લાઇનરથી હોઠની આઉટલાઇનને શાર્પ કરો. આ લિપ લાઇનરનો શેડ તમારી ડાર્ક લિપસ્ટિક કરતાં એક શેડ ડાર્ક અથવા એ જ શેડનો પસંદ કરવાનો. હોઠની વચ્ચે કિનારીથી લિપને આઉટલાઇન આપવાનું ચાલુ કરવું અને હોઠની આખી કિનારી પર આઉટલાઇન કરવી. જેના હોઠ પાતળા હોય તેને નેચરલ જે હોઠ છે એની જરાક બહારની તરફ લિપ લાઈનર લગાડવાની જેનાથી લિપ ભરાવદાર લાગશે. જેના લિપ મોટા હોય તેણે નેચરલ હોઠ હોય એ રીતે લિપ લાઇનરનો શેપ બનાવવો અથવા હોઠની જરાક અંદરથી લિપ લાઇનરથી આકાર આપવો. આનાથી હોઠનો સારો ઉઠાવ આવશે.
લિપસ્ટિક કેવી રીતે લગાવવી
આમ તો લિપ લાઇનરના અંદરના ભાગે લિપસ્ટિક પૂરવી જોઈએ. એનાથી તમારી લિપસ્ટિક લોન્ગ લાસ્ટિંગ રહે છે અને એની ઇફેક્ટ ડાયરેક્ટ લગાવો એના કરતાં વધારે સારી આવે છે. લિપસ્ટિકને હોઠ પર લગાડો ત્યારે ડાયરેક્ટ લગાડવાને બદલે લિપ બ્રશથી લગાવો. દરેક ડાર્ક લિપસ્ટિકના શેડ બધાને સૂટ થતા નથી કેમ કે બધાની સ્કિનનો અન્ડરટોન જુદો હોય છે એટલે સ્કિનના અન્ડરટોન પ્રમાણે લિપસ્ટિકના શેડ્સ પસંદ કરવા.
અન્ડરટોનને જાણો
સ્કિનના ત્રણ અન્ડરટોન હોય છે. કૂલ, વોર્મ અને ન્યુટ્રલ. અન્ડરટોન ચેક કરવા માટે હાથના કાંડાને ચેક કરો. જ્યાં આપણી નસો દેખાય છે ત્યાં નસનો કલર બ્લ્યુ હોય તો તમારો અન્ડરટોન કૂલ હશે. જો એ નસનો કલર ગ્રીન હશે તો તમારો અન્ડરટોન વોર્મ હશે અને જો નસનો કલર થોડો ગ્રીન અને થોડો બ્લુ હોય તો તમારો અન્ડરટોન ન્યુટ્રલ હશે. જેનો અન્ડરટોન કૂલ હોય તેને પિન્કિશ, રેડ શેડ્સ સારા લાગે છે. જેનો અન્ડરટોન વોર્મ હોય તેને ઓરેન્જ, બ્લડ રેડ, મરુન શેડ્સ સારા લાગે છે અને જેનો અન્ડરટોન ન્યુટ્રલ હોય તેને ચોકલેટ બ્રાઉન, પર્પલ, વાઇન કલર જેવા શેડ્સ સારા લાગે છે. લિપસ્ટિકને ૩ડી અને રોઝી લિપ જેવી ઇફેક્ટ આપવા માટે લિપ લાઇનર બ્લેક કલરનું વાપરવું અને લિપમાં ડાર્ક મરુન કલર વાપરવો. જ્યારે પણ હોઠ પર લિપસ્ટિક લગાવો ત્યારે એક કોટ લગાવ્યા પછી ડ્રાય ટિશ્યુને બન્ને હોઠ વચ્ચે દબાવો. એનાથી વધારાની લિપસ્ટિક નીકળી જશે અને તમારો બેઝ્ડ સેટ થઈ જશે. એ પછી એના પર લિપ બ્રશથી બીજો કોટ લગાવો. ડાર્ક લિપસ્ટિક પર શાઇન આપવા માટે લિપગ્લોસ ન વાપરવું. એ માટે ગોલ્ડન કલરનું હાઇલાઇટર હોઠના સેન્ટરમાં લગાવો. લિપસ્ટિક પૂરી થઈ જાય પછી પાછું બ્રશથી કન્સિલને લિપની બહાર લગાડો જેનાથી લિપસ્ટિક બહાર ન નીકળે અને લિપની આઉટલાઇન પરફેક્ટ આવી જાય. આજકાલ દરેક જણ પાર્ટીમાં કે ફંક્શનમાં ડાર્ક લિપસ્ટિક લગાડે છે. ડાર્ક લિપસ્ટિક પીચ કલર, સી ગ્રીન કલરની પણ સારી લાગે છે. જોકે ક્યાંય પણ પાર્ટી ફંક્શનમાં કે ઓફિસે જતાં પહેલાં તે તમારા હોઠ પર સારી લાગે છે કે નહીં તે ચેક કરી જોવું.