સામાન્ય રીતે મોડેલિંગનું કરિયર ખૂબ જ ઓછા સમયનું માનવામાં આવે છે. ઉંમરના એક તબક્કા પછી તો મોડેલિંગને બાયબાય જ કહેવું પડે છે. જોકે કેટલીક મહિલાઓ એવી છે કે સાઠી વટાવ્યા પછી પણ મોડેલિંગના ફિલ્ડમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે.
બો ગિલ્બર્ટ (ઉંમરઃ ૧૦૦ વર્ષ):
વર્ષ ૨૦૧૬માં જ્યારે બ્રિટિશ વોગે ૧૦૦ સાલ પૂરા કર્યા ત્યારે આ મેગેઝિન માટે આ જ ઉંમરનાં મોડેલ પાસે મોડેલિંગ કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. હાર્વિ નિકોલ્સે આ કામ માથે ઉપાડ્યું અને ૧૦૦ સાલના માઝોરી ગિલ્બર્ટને આ એક્સક્લુઝિવ એડવર્ટિઝમેન્ટ કેમ્પેઇન માટે પસંદ કર્યાં. બોના નામથી પ્રખ્યાત માઝોરીને આ પહેલાં મોડેલિંગનો કોઈ અનુભવ નહોતો, પણ પછીથી તેઓ મોડેલિંગ વર્લ્ડમાં છવાઈ ગયાં. હાર્વિ નિકોલ્સની એડ એજન્સી એડમ એન્ડ ઈવ્ઝે વોગનો અંક પ્રકાશિત થયા પછી જોયું કે ૧૦૦ વર્ષ પૂરાં કરનારાં આ મહિલા પર ‘ધ ઇવશૈમ જનરલ’માં લેખ છપાયો અને વાચકોએ ખૂબ જ પસંદ કર્યો.
ડાફેન સેલ્ફી (ઉંમરઃ ૮૭ વર્ષ):
ડાફેનનું મોડેલિંગનું કરિયર ત્યારે શરૂ થયું જ્યારે ૨૦ વર્ષની ઉંમરમાં વર્ષ ૧૯૫૯માં તેમણે લંડનની મેગેઝિન માટે કવરગર્લ માટેની સ્પર્ધામાં ભાગ લીધો. ડાફેન હાર્પર્સ બાઝાર, વેનેટી ફેર સહિત કેટલાય ઉત્પાદનો અને પ્રકાશનો માટે મોડેલિંગ કરી ચૂક્યાં છે. વર્ષ ૨૦૧૫માં તેમનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાની સૌથી વધુ વયની અને સૌથી વધુ સમય માટે મોડેલિંગ કારકિર્દી ધરાવતી મહિલા તરીકે નોંધાયું છે. ઇંગ્લેન્ડની ડાફેન પોતાના લુક્સ માટેનો શ્રેય તેના માતા-પિતાને આપે છે. ખાસ વાત તો એ છે કે તેમણે હજી સુધી કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી.
ચીના માકાદો (ઉંમરઃ ૮૫ વર્ષ):
ચીના માકાદો હાર્પર્સને બાઝારના અંકમાં કવરગર્લ પર આવનારી પ્રથમ બિનકોકેશિયન મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ફેબ્રુઆરી ૧૯૫૯નાં અંકમાં ચીના હાર્પર્સ બાઝારની કવરગર્લ હતી. ચીનાના પેરેન્ટ્સ શાંઘાઈમાં રહેતા હતા અને ૧૯૩૭માં જાપાની હુમલામાં બચીને લિમા પહોંચ્યા હતા. ત્યાં ૧૯ વર્ષની વયે ચીનાને પ્રસિદ્ધ સ્પેનિસ બુલફાઇટર લુઈસ લિગ્યુલ સાથે પ્રેમ થયો. એ પછી તેમનાં સંબંધમાં કડવાશ આવી. લુઈસ સાથે તેમનો સંબંધ તૂટી ગયા પછી તેઓ પેરિસ આવ્યાં. ત્યાં હ્યુબર્ટ ધ ગિવેંચી માટે તેમણે મોડેલિંગ શરૂ કર્યું. તે સમયે તેઓ દિવસના ૧૦૦૦ ડોલરનું વેતન મેળવનારાં સૌથી મોંઘાં મોડેલ હતાં. ૮૩ વર્ષની ઉંમરમાં ચીનાએ કોલે હેન્સની ૮૫મી વર્ષગાંઠ નિમિત્તેના કેમ્પેઇન ‘બોર્ન ઇન ૧૯૨૮’ માટે મોડેલિંગ કર્યું હતું.
કારમેન ડેલઓરેફિઝ (ઉંમરઃ ૮૪ વર્ષ):
સુપરમોડેલ કારમેન ડેલઓરેફિઝનાં મોડેલિંગ કરિયરને આશરે ૭૦ વર્ષ થઈ ચૂક્યાં છે. તેમણે પંદર વર્ષની વયમાં જ મોડેલિંગની શરૂઆત કરી હતી. વોગની કવરગર્લ તરીકે તેઓ પંદર વર્ષની ઉંમરમાં પસંદગી પામ્યાં હતાં. વર્ષ ૧૯૫૦માં એક કલાક માટે ૩૦૦ ડોલરનું વેતન પ્રાપ્ત કરનારાં કારમેને આશરે ૩૦ વર્ષની ઉંમરે ક્ષેત્રસન્યાસ લીધો હતો એ પછી ૭૦ વર્ષની ઉંમરે તેમણે પુનઃ મોડેલિંગ શરૂ કર્યું. એ પછીથી તેઓ સતત ફેશન મેગેઝિન્સમાં છવાયેલાં રહ્યાં છે. કારમેનનું કહેવું છે કે, છેલ્લા ૨૫ વર્ષોમાં એમણે જેટલું કામ કર્યું છે તેટલું કદાચ જ કરિયરના ફર્સ્ટ હાફમાં નહીં કર્યું હોય!
વેરુશ્ચકા વોન લેહનડોફ (ઉંમરઃ ૭૬ વર્ષ):
લેહનડોફ વર્ષ ૧૯૬૦ની પ્રથમ સુપરમોડેલ હતી. છ ફૂટની લંબાઈ અને કમનીય કાયા ધરાવતી વેરુશ્ચકાથી પહેલાંની મોડેલ્સ સામાન્ય રીતે ભરાવદાર શરીર ધરાવતી હતી. ડાયરેક્ટર મિશેલાંજેલો એન્ટોનિયોનીએ વેરુશ્ચકાને ફેશન મૂવિ ‘બ્લો અપ’માં ચમકાવી હતી. માત્ર પાંચ જ મિનિટનાં આ રોલથી તેને ઘણી પ્રખ્યાતિ મળી હતી. વર્ષ ૧૯૭૨માં એમને નવો લૂક ટ્રાય કરવા માટે કહેવામાં આવ્યું તો તેમણે મોડેલિંગ વિશ્વને જ અલવિદા કહી દીધું. એ પછી ૭૨ વર્ષની ઉંમરથી વેરુશ્ચિકા ફરીથી મોડેલિંગ વર્લ્ડમાં આવ્યાં અને ત્યારથી ફેશન મેગેઝિન્સમાં તેઓ દેખાઈ રહ્યાં છે.
માયે મસ્ક (ઉંમરઃ ૬૮ વર્ષ):
એલોન મસ્કને કોણ નથી જાણતું? તેઓ પેપલના સીઈઓ છે, પરંતુ તેઓનાં માતા માયે મસ્ક ફેશન વર્લ્ડમાં વર્ષોથી વિખ્યાત છે. સ્ટાર માયે ૧૫ વર્ષની ઉંમરથી મોડેલિંગ કરી રહ્યાં છે. એ સમયમાં તેઓ દક્ષિણ આફ્રિકામાં રહેતાં હતાં. વર્ષ ૨૦૧૦માં ન્યૂ યોર્ક મેગેઝિનના કવર પેજ ઉપર પણ આવી ચૂક્યાં છે. વર્ષ ૨૦૧૨માં એલ કેનેડાના કવર પર શોભતાં માયે ટાર્ગેટ અને વર્જિન અમેરિકા માટે કેમ્પેઇન પણ કરી ચૂક્યાં છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં તેઓ IMG જેવી વિશ્વવિખ્યાત કંપની માટે મોડેલિંગ માટે પસંદગી પામ્યાં હતાં. તેઓ એલોન સાથે પણ કેટવોક કરી ચૂક્યાં છે.