બ્રિટનનું લંડન હોય કે ભારતનું મુંબઈ, મહાનગરની લાઇફસ્ટાઇલ દિનપ્રતિદિન ખૂબ સ્ટ્રેસવાળી બની રહી છે. કરિયરમાં સફળતાથી માંડીને પરિવારના નાનામોટા પ્રશ્નોની ચિંતા, રોજિંદા જીવનની ભાગદોડ, દેખા-દેખી વગેરે બાબતોનું પ્રેશર લોકોને ખોટી આદતો તરફ દોરી જાય એ ખૂબ સહજ છે. આ બધામાંથી વ્યક્તિ જો પોતાની જાતને બચાવી શકે તો તેને જીવનની એક મહામૂલી સિદ્ધિ જ ગણવી રહી. માત્ર ઘરના મોભી એવા પુરુષને જ ચિંતા, તનાવ કોરી ખાય છે એવું નથી સમયના વહેવા સાથે-સાથે સોસાયટીમાં સ્ત્રીઓનું સ્થાન પણ બદલાયું છે. એક કરીઅર વુમન તરીકે સ્ત્રી ઓફિસ, ઘર અને સંતાનો વચ્ચે તેને જે બેલેન્સ જાળવવું પડે છે તેનું સ્ટ્રેસ લેવલ એક પુરુષ કરતાં પણ ઘણું વધારે હોય છે. આ સ્ટ્રેસ ઘણી વખત તેને સ્મોકિંગ જેવી ખરાબ આદતો તરફ દોરી જાય છે. જોકે આજથી દસ-પંદર વર્ષ પહેલાં જાહેર સ્થળો પર કોઈ ભારતીય સ્ત્રી સ્મોકિંગ કરતી જોવા મળતી તો લોકો તેના તરફ આંગળી જરૂર ચીંધતાં, પરંતુ આજે એ નોર્મલ થઈ ગયું છે. લોકોને પણ આ જોઇને નવાઈ લાગતી નથી. આમ જોવા જઈએ તો સ્મોકિંગ પુરુષ હોય કે સ્ત્રી બન્ને માટે ખરાબ જ છે, પરંતુ પુરુષની સરખામણીએ સ્ત્રી માટે તે વધુ નુકસાનકારક હોવાનું હવે તબીબી અભ્યાસોમાં પણ પુરવાર થયું છે. આજે સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આપણા ભારતીય સમાજનો એક ભાગ, જે કોઈ પણ કારણોસર આ ખરાબ આદતથી દૂર હતો તે પણ તેની લપેટમાં આવતો જાય છે.
મહાનગર મુંબઈમાં થયેલા એક સર્વેના તારણ મુજબ શહેરની ૪૫ ટકા સ્ત્રીઓ સ્મોકિંગ કરે છે. એક સમયે આ શહેરમાં મેઇલ-ફીમેલ સ્મોકર્સનો રેશિયો ૭૦:૩૦નો હતો એટલે કે ૭૦ પુરુષ સ્મોકર્સ સામે સ્ત્રી સ્મોકર્સની સંખ્યા ૩૦ હતી. આજે આ રેશિયો લગભગ ૫૦:૫૦ જેટલો જોવા મળે છે. વળી, આમાંથી ૬૦ ટકા સ્ત્રીઓની વય ૧૮થી ૨૭ વર્ષની ઉંમર હતી, જેમણે જોબ સ્ટ્રેસને પોતાની સ્મોકિંગ હેબિટ માટે કારણભૂત ગણાવી હતી.
સ્ત્રીઓને નુકસાન વધુ
સ્મોકિંગ કે તંબાકુ ચાવવાની આદત પુરુષ અને સ્ત્રી બન્ને માટે ખરાબ છે, પરંતુ સરખામણી કરવામાં આવે તો સ્ત્રી માટે વધુ ખરાબ છે. જનરલ ફિઝિશ્યનના મતે, તંબાકુમાં રહેલું નિકોટીન જ્યારે શ્વાસ વાટે કે મોં વાટે શરીરમાં પ્રવેશે છે ત્યારે એ લોહીમાં ભળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓનું મેટાબોલિઝમ જુદું હોય છે. નિકોટીન એક ઝેરી તત્વ છે, જેને શરીર બોડીમાંથી બહાર ફેંકી દે છે. શરીરને જે નુકસાન થાય એ નિકોટીન લોહીમાં કેટલી વાર સુધી રહે છે તેના પર નિર્ભર કરે છે. સ્ત્રીઓમાં નિકોટીનને શરીરની બહાર ફેંકવાની પ્રક્રિયા ધીમી થાય છે, જેથી લોહીમાં એ વધુ સમય રહે છે. આ જ પ્રક્રિયા પુરુષોમાં થોડી ઝડપી છે. આમ સરખામણીમાં ઓછું નિકોટીન શરીરમાં ગયું હોય તો પણ સ્ત્રીને વધુ નકસાન થાય છે. આ જ કારણસર આલ્કોહોલની સ્ત્રીઓ પર જલદી અસર થાય છે.
ઇન્ફર્ટિલિટી
અત્યારે જોવા મળી રહ્યું છે તેમ ખૂબ નાની ઉંમરમાં છોકરીઓ સ્મોકિંગ કરતી થઈ ગઈ છે ત્યારે તેની આડઅસર જણાવતાં ગાયનેકોલોજિસ્ટ કહે છે કે ૧૦-૧૫ વર્ષની ઉંમરથી શરૂ કરેલા સ્મોકિંગને કારણે છોકરીઓને ઇરેગ્યુલર પિરિયડ્સ કે વધુપડતા રક્તસ્ત્રાવ જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, જે તેમને લાંબા ગાળે પ્રેગ્નન્સી કન્સિવ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્મોકિંગને કારણે આ પ્રોજેક્શન ડેમેજ થાય છે. જેથી પ્રેગ્નન્સીમાં ડીલે અથવા ઇન્ફર્ટિલિટી જેવી તકલીફો ઊભી થાય છે. આ ઉપરાંત સ્મોકિંગને કારણે હોર્મોનમાં સર્જાતી અસમતુલા પણ ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર છે.
પ્રેગ્નન્સી દરમિયાન તકલીફ
પ્રેગનન્સી દરમિયાન સ્ત્રીને સ્મોકિંગ કરવાની સખત મનાઈ હોય છે. એટલું જ નહીં, પ્રેગ્નન્ટ સ્ત્રીને પેસિવ સ્મોકિંગથી પણ ઘણું નુકસાન થાય છે. સ્મોકિંગને કારણે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લીકેશન્સ આવે જ છે. પ્રિમેચ્યોર ડિલિવરી, લો બર્થ વેઇટ, જન્મ સમયે ખૂબ નાની સાઇઝનું બાળક, બાળકનો અપૂરતો વિકાસ જેવા ઘણા બધા પ્રોબ્લેમ્સ સ્મોકિંગને કારણે થઇ શકે છે. સ્મોકિંગને કોણે મિસકેરેજ થઈ જવાની શક્યતા ઘણી વધારે રહે છે. વળી, પ્રેગ્નન્સી દરમિયાન એકદમ બ્લડપ્રેશર વધી જવાથી મા અને બાળક બન્નેના જીવને જોખમ રહે છે. આ બધાં જ કોમ્પલીકેશન્સ સ્મોકિંગ હોય કે પેસિવ સ્મોકિંગ બન્ને સંજોગોમાં સ્ત્રીને નડે જ છે.
અન્ય આડઅસરો
સ્મોકિંગથી સ્ત્રીને બીજી પણ ઘણી રીતે આડઅસર થઈ શકે છે. જેમ કે, સ્મોકિંગને કારણે શરીરમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન ઘટે છે. જેથી ઓવરઓલ શરીરમાં હોર્મોનની અસમતુલા સર્જાય છે, જેના કારણે બીજી બધી તકલીફો સર્જાય છે. સામાન્યપણે સ્ત્રીઓનો અવાજ હાઇ પીચનો હોય છે, પરંતુ સ્મોકિંગને કારણે તેની પીચ ઘટી જાય છે અને અવાજ બદલાઈ જાય છે. આ ઉપરાંત સ્કિનની ઇલાસ્ટિસિટી ઘટી જાય છે, જેથી રિંકલ્સ જલદી આવી જાય છે. આ ઉપરાંત મેનોપોઝ પણ નેચરલ ઉંમર કરતાં એક-બે વર્ષ પહેલાં આવી જાય છે. વળી, શરીરમાંથી કેલ્શિયમ ઘટી જાય છે, જેના કારણે પાછલી જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની તકલીફો થવાની શક્યતા રહે છે.
આડઅસરોની યાદી અહીં પૂરી નથી થતી... સ્મોકિંગના કારણે પુરુષોને જે પ્રોબ્લેમ થાય છે જેમ કે, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, પેરાલિસિસ અને અસ્થમા જેવી બીમારીનો તો ખતરો ખરો જ. આ ઉપરાંત કેન્સરમાં ઓવરિયન કેન્સર, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, લંગ્સ કેન્સર અને ઓરલ કેન્સર જેવા કેન્સરની પણ પોસિબિલિટી ઘણી વધારે રહે છે.
વેઇટલોસ માટે સ્મોકિંગ!
નાની વયે સ્મોકિંગની લત લાગવા પાછળ સ્ટ્રેસ તો જવાબદાર હોય છે, પણ કેટલાક નિષ્ણાતોના મતે કેટલીક યુવતીઓ તો વેઇટલોસ કરવા માટે સ્મોકિંગ કરતા હોય છે. ઘણી વાર તેમને સ્મોકિંગ છોડવા વિશે વિચાર્યું હોય, પરંતુ છોડ્યા બાદ તેમનું વજન વધી જાય છે એથી તેઓ ફરી સ્મોકિંગ શરૂ કરી દે છે. જે સરવાળે સર્વાંગી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.
સ્મોકિંગની કુટેવના કારણે વર્ષેદહાડે લાખો મોતના મુખમાં હોમાઇ રહ્યા છે એ તો સહુ કોઇ જાણે છે, પણ તમને એ જાણીને નવાઇ લાગશે કે આ મૃત્યુદર છે તેમાંથી ૧૦ ટકા તો પેસિવ સ્મોકિંગના કારણે મૃત્યુ પામે છે. પેસિવ સ્મોકિંગ એટલે કે જે લોકો સ્મોકિંગ કરતા હોય એની આસપાસ રહેવાથી જે ધુમાડો તમારી અંદર જાય અને એના દ્વારા શરીરને જે નુકસાન થાય એનાથી મરી રહ્યા છે. હવે જરા વિચારી લેજો, જો પેસિવ સ્મોકિંગ પણ આટલું જીવલેણ સાબિત થઇ શકતું હોય તો સ્મોકિંગ કેટલું નુકસાન કરતું હશે?