તમારા વાળ માટે શ્રેષ્ઠ અને સારું હેર-બ્રશ ક્યું?

Wednesday 25th March 2015 07:54 EDT
 
 

તમે વાળની સંભાળ માટે શ્રેષ્ઠ શેમ્પુ, કંડીશનર અને હેર-ઓઇલ વાપરતા હશો, સમયાંતરે હેર-પેક પણ લગાવતા હશો, પણ કોઇ તમને પૂછે કે હેર-બ્રશ ક્યું વાપરો છો જરા કહો તો? જવાબમાં મોટા ભાગની બહેનો માથું જ ખંજવાળશે. આમાં તેમનો વાંક નથી. બહેનો વાળની સંભાળ માટે બેસ્ટ શેમ્પુ, કંડીશનર કે હેર-ઓઇલની જેટલી ચિંતા કરે છે એટલી ચિંતા હેર-બ્રશની કરતી નથી. હકીકત એ છે કે હેર-બ્રશ માત્ર તમારા વાળ ઓળવા માટે નહીં, વાળને સ્વસ્થ અને જીવંત રાખવા માટે પણ વપરાય છે. હેર-બ્રશની અલગ-અલગ પ્રકારની ડિઝાઇન કે શેપ અપાયાં છે એની પાછળનું આ જ કારણ છે.

તમે જરા યાદ કરજો, પાર્લરમાં હેર-કટ કરાવવા કે સેટ કરાવવા જશો ત્યારે વાળ કાપનાર વ્યક્તિ વાળ કાપતાં પહેલાં અને વાળ કાપ્યા પછી અલગ-અલગ પ્રકારનાં હેર-બ્રશનો ઉપયોગ કરે છે. શા માટે તે દરેક સમયે જુદા-જુદા હેર-બ્રશનો ઉપયોગ કરે છે ક્યારેય વિચાર્યું છે? તેને જે ગમે અથવા તેના હાથમાં આવે એ હેર-બ્રશ વાપરે છે એવું નથી. તે તમારા વાળની જરૂરિયાત પ્રમાણે બ્રશ વાપરે છે. આ એક હકીકત છે કે દરેક હેર-બ્રશ તમારા વાળ માટે નથી હોતું. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારનાં હેર-બ્રશ મળે છે, પણ આ હેર-બ્રશ સારું, આની ડિઝાઇન સારી છે કે પછી મારા બજેટમાં છે, મારે આ જ જોઈએ એમ આંખ બંધ કરી હેર-બ્રશ લેવા કરતાં તમારા વાળને ધ્યાનમાં રાખીને હેર-બ્રશ લેવું હિતાવહ છે. જેમ બધાના વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટી અલગ હોય છે એમ દરેક વાળ માટે હેર-બ્રશ પણ અલગ હોય છે. તમારા વાળ માટે કયું હેર-બ્રશ પર્ફેક્ટ છે? વાંચો આગળ...

પેડલ હેર-બ્રશઃ પેડલ હેર-બ્રશ વાળને સીધા કરવામાં જ વપરાય છે. એ સ્કેલ્પ એટલે કે માથાની ચામડીમાંથી ઉત્પન્ન થતાં તેલને વાળના અંત સુધી ફેલાવવામાં મદદ કરે છે, જેનાથી વાળમાં ચીકાશ બાકી રહી જાય છે અને વાળ તૂટતા નથી. આ હેર-બ્રશ એ લોકો માટે કામનું નથી જેમના વાળનો જથ્થો વધારે માત્રામાં છે. વાળને વિવિધ લેયર અને સ્ટાઇલ આપવા માટે પેડલ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. પેડલ હેર-બ્રશ વિસ્તૃત અને સપાટ હોય છે.

વાયર હેર-બ્રશઃ આ પ્રકારના બ્રશ જાડા અને ભરાવદાર વાળ માટે વધુ ઉપયોગી છે. એ સાથે વાંકડિયા વાળ માટે પણ વાપરી શકાય. આ હેર-બ્રશ થોડું રફ હોય છે એટલે પાતળા વાળને નુકસાન પહોંચાડી શકે છે. વાયર હેર-બ્રશના બ્રિસલ્સને એવી રીતે બનાવવામાં આવ્યા છે જેનાથી ઓળતી વખતે વાળ સીધા થઈ જાય છે. વાળના ખરબચડાપણાને કારણે વાયર હેર-બ્રશ બધા વાળ માટે સારો ઓપ્શન નથી. જેના વાળ બાર્બી ડોલ જેવા રફ હોય તેને માટે આ હેર-બ્રશ ઉત્તમ છે.

ઓવલ બ્રશઃ ઓવલ હેર-બ્રશ મોટા ભાગે પુરુષો વાપરે છે. આ બ્રશ હેન્ડલ સાથે અને હેન્ડલ વગર એમ બે પ્રકારનાં આવે છે. આ બ્રશ વાળના મૂળને અડ્યા વગર એને સીધા કરવામાં મદદ કરે છે. સાધારણ રીતે એનો પાછળનો હિસ્સો લંબગોળ હોય છે જે વાળને પકડવાનું કામ કરે છે. આ બ્રિસલ્સ રુંવાંદાર હોય છે. હેન્ડલ વગરના ઓવલ બ્રશને મિલિટરી બ્રશ પણ કહેવામાં આવે છે, કેમ કે આ હેર-બ્રશ સૈનિકોમાં ઘણા લોકપ્રિય છે.

સ્ક્લ્પટિંગ હેર-બ્રશઃ સ્ક્લ્પટિંગ હેર-બ્રશનો ઉપયોગ વાળને બેક સાઇડ ઓળવામાં ઉપયોગ થાય છે. આ હેર-બ્રશથી વાળ ખભા પર પૂરેપૂરા ફેલાઈ જાય છે. સ્ક્લ્પટિંગ હેર-બ્રશ વાળના નીચેના ભાગને ગોળાકાર આપવામાં વપરાય છે. શોર્ટ હેર-કટ, ટેક્સચર્ડ હેર-કટ અને રાઉન્ડેડ લેયર માટે સ્કલ્પટિંગ હેર-બ્રશ વધુ ઉપયોગી નીવડે છે.

થર્મલ બ્રશઃ થર્મલ બ્રશના બે પ્રકાર છે - સપાટ અને ગોળ. સપાટ થર્મલ બ્રશ વાળને સીધા કરવામાં વપરાય છે, જ્યારે ગોળ થર્મલ બ્રશ વાળને રોલર્સની જેમ કર્લ કરવામાં વપરાય છે. થર્મલ બ્રશ અલગ-અલગ સાઇઝમાં મળી આવે છે. આ બ્રશનો વપરાશ હેર-ડ્રાય સાથે કરવામાં આવે છે. આ બ્રશ વાળને કોમળ બનાવે છે. ફ્લેટ થર્મલ બ્રશ વાળને બહારની તરફ ખેંચે છે અને એને સ્ટ્રેટ કરવામાં મદદ કરે છે.

વેન્ટેડ બ્રશઃ આ પ્રકારના બ્રશ પહોળા મોઢાવાળાં હોય છે, જેને તમે આરામથી ઉપયોગમાં લઈ શકો છો. આ બ્રશનો ઉપયોગ ત્યારે કરવો જ્યારે તમારે વાળ સૂકવવા હોય. જો તમારે વાળને બ્લો-ડ્રાય કરવા હોય તો આ પ્રકારનું બ્રશ ઉપયોગમાં લેવું હિતાવહ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter