આપણા ચહેરાનો સૌથી આકર્ષક ભાગ છે આંખ. દરેકના ફેસકટની જેમ દરેકની આંખો પણ અલગ હોય છે. આંખોના શેપ પ્રમાણે આઇ મેકઅપ ન કરીએ તો આપણી આંખો સારી લાગતી નથી, કેમ કે આપણા આખા મેકઅપનો જે મહત્વનો ભાગ છે એ માત્ર આંખ છે. આંખનો મેકઅપ જો સારો ન હોય તો તમારો ચહેરો અજીબ લાગે છે. તો આવો જાણીએ કે તમારી આંખનો શેપ કયો છે અને એ પ્રમાણે તમારે કયો મેકઅપ કરવો જોઈએ.
બ્યૂટિ એક્સપર્ટ્સ કહે છે કે ભારતીયોમાં આંખના તમને ચાર મુખ્ય પ્રકાર જોવા મળશે. એક ડ્રુપિંગ આઇઝ, ગોળ આંખ, ફિશ જેવી આંખ અને ચોથી નોર્મલ આંખ. આંખના આ ચાર પ્રકાર છે. આ આંખોને વિવિધ પ્રકારનો મેકઅપ કરવામાં આવે છે. જો તમે એમ ન કરો તો તમારા આઇ મેકઅપની સાથે તમારા ફેસનો લુક પણ ખરાબ દેખાય છે.
• ડ્રુપિંગ આઇઝ: આ આંખોમાં આઇબ્રોની નીચેનો ભાગ વધારે લાંબો હોય છે. આંખો વધારે ઊંડી હોય છે. આવી આંખનો મેકઅપ કરો ત્યારે આંખમાં લાઇનર ગમેતેટલી લગાવો પણ એ દેખાતી નથી એ છુપાઈ જાય છે. ડ્રુપિંગ આંખવાળાએ સૌપ્રથમ આંખ પર આઇ વેક્સ લગાવવું. ત્યાર બાદ આઇ-શેડો લગાવવો. આઇ-શેડો લગાવતા સમયે ધ્યાન આપવું કે આઇ-શેડો આંખના ઇનર કોર્નરમાં લગાવવું. આઇ-શેડો માટે પીચ, પિન્ક અને બ્રાઉન આ ત્રણમાંથી એક જ કલર લેવો. ઇનર કોર્નરનો પાર્ટ થોડો વધારવો અને એને ઉપર સુધી લઈ જવો. આઇબોલ એરિયાને હાઇલાઇટ કરવો. આઇબ્રોની નીચેના એરિયા પણ હાઇલાઇટ કરો. આનાથી આંખો ઊંડી નહીં દેખાય, પણ એમ્બોસ થઈને બહાર દેખાશે. ડ્રુપિંગ આંખવાળાએ લાઇનર પણ પાતળી લગાવવી. કાજલની જગ્યા પર વાઇટ પેન્સિલ ભરવી અને લેશિસની જગ્યા પર ડાર્ક પેન્સિલથી શેપ આપવો.
• ફિશ આઇઝ: આ આંખ લાંબી અને પાતળી હોય છે. ફિશ આઇઝમાં આઇબ્રોની નીચેનો ભાગ, જેને હાઇલાઇટર એરિયા કહેવાય છે એ ઓછો હાઇલાઇટ કરવો અને આઇ-શેડોનો ભાગ વધારે હાઇલાઇટ કરવો. ફિશ આઇઝવાળા કોઈ પણ કલરનો આઇ-શેડો વાપરી શકે છે. આવી આંખવાળાએ લાઇનરમાં વધુ ધ્યાન રાખવું પડે છે. લાઇનર કરો ત્યારે ઇનર કોર્નરથી પાતળી અને વચ્ચેથી જાડી કરવી. કાજલ પણ આંખોના રિન્ગ એરિયામાં કરો ત્યારે નીચેથી જાડી કરવી જેનાથી આંખો પાતળી દેખાશે અને ખૂબ જ સુંદર દેખાશે.
• રાઉન્ડ આઇઝ: ગોળ આંખોમાં આઇબોલ એરિયા મોટો હોય છે. આવી આંખોવાળાએ હાઇલાઇટર એરિયાને વધારે હાઇલાઇટ કરવો અને આઇ-શેડોના એરિયાને ઓછો હાઇલાઇટ કરવો. લાઇનર આગળથી અને પાછળથી બન્ને જગ્યાએ પાતળી આપવી. જો લાઇનર જાડી આપશો તો આંખો હજી મોટી દેખાશે. આવી આંખો માટે ડાર્ક આઇ-શેડો પર્ફેક્ટ છે.
• નોર્મલ આઇઝ: જેમની આંખોનો શેઇપ નોર્મલ હોય તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નોર્મલ આઇઝવાળા જે પ્રકારનો આઇ મેકઅપ કરવો હોય તે કરી શકે છે. તેઓ મસ્કરા, લાઇનર, રેગ્યુલર કરી શકે છે. એમાં કોઈ રુલ્સ કે રેગ્યુલેશન નથી.
• ક્લોઝ-સેટ આઇઝ: આ ચાર શેપ સિવાય આપણી આંખોના બીજા શેપ પણ છે. એમાંથી એક છે ક્લોઝ-સેટ આઇઝ. આવી આંખોની વચ્ચેનો જે ગેપ હોય છે એ ઓછો હોય છે. આવી આંખ માટે ઇનર કોર્નર પર લાઇટ આઇ-શેડો અને આઉટર કોર્નર પર ઇન્ટેન્સ કલર અપ્લાય કરવો. આવી આંખોમાં આઇલાઇનર આઇલેશિસના ઉપરના ભાગમાં પાતળી લાઇન લગાવવી અને આઉટર કોર્નર પર જાડી લગાવવી. મસ્કરા લગાવતા સમયે ધ્યાન રાખવું કે આઉટર કોર્નર પર વધારે કોટ લગાવવો. આઇબ્રો પેન્સિલથી આઇબ્રોઝને પણ બહારની તરફ જવા દો.
• કોન્વેક્સ આઇઝ: આવી આંખો બહારની તરફ વધારે ઊપસેલી દેખાય છે. આવી આંખોવાળાએ મીડિયમ અથવા ડાર્ક આઇ-શેડો વાપરવો. આવી આંખવાળાએ હાઇલાઇટરનો ઉપયોગ ક્યારેય ન કરવો. જો કરશે તો આનાથી આંખો વધારે ઊપસેલી દેખાશે. કાજલ અથવા આઇલાઇનર લગાવ્યા પછી મસ્કરાના બે-ત્રણ કોટ અવશ્ય લગાવવા.