બાલ્કની એ ઘરનો એવો ખૂણો છે જ્યાં આપણે પ્રકૃતિ સાથે સમય વિતાવી શકીએ છીએ. અહીં ચા પીવાની મજા અલગ જ હોય છે, તો ક્યારેક અહીં બેઠાં બેઠાં વાંચનનો આનંદ પણ માણી શકાય છે. ક્યારેક આ જગ્યા યોગ માટે પણ ઉપયોગમાં લેવાય છે, જે આરામ અને ખુશી આપે છે. કેટલાક લોકો બાલ્કનીને વેસ્ટ મટિરિયલ રાખવાની જગ્યા તરીકે ઉપયોગ કરે છે, જેનાથી તે ગંદી લાગે છે. જોકે કેટલાક ખાસ ઉપાયો કરીને એને પ્રદૂષણમુક્ત ઇકો ફ્રેન્ડલી ટચ આપી શકાય છે. એવા કેટલાક ઉપાયો છે જેની મદદથી બાલ્કનીને બહુ સરળતાથી કમ્ફર્ટ ઝોનમાં બદલી શકાય છે જ્યાં બેસીને વ્યક્તિ આરામથી આખા દિવસ માટે એનર્જી મેળવી શકે છે.
• ગ્રીન થિંકિંગઃ વધતા પ્રદૂષણને કારણે ઘરમાં એર પ્યુરિફાયર લગાવવું જરૂરી બની ગયું છે. બાલ્કનીમાં છોડ લગાવીને તમે આ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. જો તમને આર્ટ અને ક્રાફ્ટનો શોખ છે, તો પ્લાસ્ટિકની ખાલી બોટલમાંથી સુંદર પ્લાન્ટર, કાચની બોટલમાંથી એન્ટિક શો પીસ અને જૂના ટાયરથી હેંગિંગ પ્લાન્ટર બનાવી શકો છો.
• સર્જનાત્મક વિકલ્પોઃ તમે આર્ટિફિશિયલ ઘાસ, વિન્ડ ચાઇમ્સ, પરંપરાગત તોરણ, સ્ટિકરનો ઉપયોગ કરીને નવો લુક આપી શકો છો. બાલ્કની મોટી હોય તો ઝૂલો લગાવી શકો છો, જે આરામ માટે શ્રેષ્ઠ છે. બાલ્કનીને આરામદાયક બનાવવા માટે કોફી ટેબલ અથવા ફોલ્ડિંગ ટેબલ ચેરનો પણ ઉપયોગ કરી શકો છો.