આપણે જ્યારે મેકઅપ માટે કોસ્મેટિક્સ લેવા જઈએ છીએ ત્યારે સેલ્સપર્સન આપણને પૂછે છે કે તમારી સ્કિન-ટાઇપ કઈ છે, તમને એ પ્રમાણે કોસ્મેટિક્સ દેખાડીએ. આમ પૂછવાનું કારણ આપણને ક્યારેક સમજાતું નથી. આપણને લાગે છે કે બધાની સ્કિન-ટાઇપ ભલે અલગ હોય, પણ મેકઅપ તો એક જ હોય છે. પણ ના, આપણી સ્કિન-ટાઇપ પ્રમાણે જેમ બાકીની બ્યુટી-પ્રોડક્ટ્સ અલગ હોય છે એમ કોસ્મેટિક્સ પણ અલગ હોય છે. જો તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો તમને એની સાઇડ-ઇફેક્ટ થવાનું જોખમ રહે છે.
ડર્મેટોલોજિસ્ટ હંમેશા કહે છે કે મેક-અપ સ્કિન-ટાઇપ પ્રમાણે જ કરવો જોઈએ. સ્કિન-ટાઇપમાં ઓઇલી, ડ્રાય, સેન્સિટિવ અને કોમ્બિનેશન સ્કિન હોય છે. જો તમે સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો એની સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. મેકઅપ કરતાં સમયે ફાઉન્ડેશન અને પ્રાઇમર મસ્ટ છે.
તમારા મેકઅપનો આખો આધાર એના પર રહેલો છે. જો તમે એ પ્રોપરલી ન કરો તો તમારા મેકઅપનો લુક સારો નથી આવતો. જેમ પ્રાઇમર અને ફાઉન્ડેશન મેકઅપના સારા લુક માટે જરૂરી છે એમ સ્કિન માટે પણ એ એક રક્ષકનું કામ કરે છે.
• ડ્રાય સ્કિનઃ ડ્રાય સ્કિન પર જો પ્રાઇમર અને ફાઉન્ડેશન વગર મેકઅપ લગાવવામાં આવે તો બે-ત્રણ કલાક પછી સ્કિન પર મેકઅપ દેખાતો નથી. જેમની સ્કિન ડ્રાય હોય છે તેમણે ડ્રાય સ્કિનનું પ્રાઇમર લગાવવું જોઇએ. ડ્રાય સ્કિન પર પ્રાઇમર વાપરવાથી સ્કિન સ્મૂધ થાય છે. આથી સ્કિન પર મેકઅપ લાંબા સમય સુધી ટકે છે.
પ્રાઇમરની જેમ ફાઉન્ડેશન પણ બહુ જરૂરી છે. ડ્રાય સ્કિન પર ફાઉન્ડેશન લગાવો ત્યારે એ ધ્યાન રાખવું કે ફાઉન્ડેશન ક્રીમ અને ઓઇલ-બેઝ્ડ હોય. એ સિવાય તમે ટિન્ટેડ મોઇસ્ચરાઇઝર ફાઉન્ડેશન પણ વાપરી શકો છો, જેમાં મોઇસ્ચરાઇઝર સાથે થોડો કલર પણ મિક્સ હોય છે.
આ ફાઉન્ડેશન સ્કિન પર ગ્લો લાવે છે. ડ્રાય સ્કિનવાળાએ પેન્સિલ અથવા કાજલ આઇલાઇનરની જગ્યાએ લિક્વિડ આઇલાઇનર લગાવવું. તેમણે જેલ અને ક્રીમ-બેઝ્ડ બ્લશર લગાવવું જોઈએ. લિપસ્ટિક ગ્લોસી વાપરવાથી હોઠ સોફ્ટ લાગશે. ડ્રાય સ્કિનવાળાએ પાઉડરનો વપરાશ ન કરવો. એ તેમની સ્કિનને વધુ ડ્રાય કરી દેશે.
• ઓઇલી સ્કિનઃ ઓઇલી સ્કિનવાળાએ પ્રાઇમર લગાવતાં પહેલાં વેટ વાઇપથી પોતાનો ચહેરો સાફ કરવો જેથી સ્કિન પરનું ઓઇલ નીકળી જાય. એ પછી એના પર ઓઈલ-ફ્રી પ્રાઇમર આવે છે એ લગાડવું. એ પછી જ મેકઅપ કરવો. ફાઉન્ડેશનમાં પણ ઓઇલી સ્કિનવાળાએ મેટ ફિનિશ ફાઉન્ડેશન વાપરવું. એ સિવાય ઓઇલ-ફ્રી ફાઉન્ડેશન પણ વાપરી શકાય. આ ફાઉન્ડેશન તમારા ચહેરા પરથી ઓઇલની ઇફેક્ટ ઓછી કરે છે અને તમને સોફ્ટ લુક આપે છે. ઓઇલી સ્કિનવાળાએ પોતાના સ્કિન-ટોનથી એક શેડ લાઇટ ફાઉન્ડેશન અને બ્લશર લેવું, કેમ કે ઓઇલી સ્કિન પર ફાઉન્ડેશન અને બ્લશર લગાવ્યા પછી એ એક શેડ ડાર્ક દેખાય છે. તેમણે પાઉડરનો વપરાશ કરવો નહીં, કેમ કે અમુક સમય પછી જ્યારે સ્કિન ઓઇલી થવા લાગે છે ત્યારે સ્કિન પેચી દેખાય છે. લિક્વિડ અને ક્રીમ આઇશેડો અને લિક્વિડ આઇલાઇનરના બદલે પાઉડર-બેઝ્ડ આઇશેડો અને કાજલ પેન્સિલ વાપરો. ઓઇલી સ્કિનવાળા માટે મેટ લિપસ્ટિક બેસ્ટ છે. બની શકે તો ગ્લોસી લિપસ્ટિક ન વાપરો.
• સેન્સિટિવ સ્કિનઃ સેન્સિટિવ સ્કિનવાળાએ મેકઅપ કરતા સમયે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. તે લોકોની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે તેમને બ્રશ પણ એટલું ધીરેથી અપ્લાય કરવું પડે છે કે સ્કિનને બ્રશથી કોઈ નુકસાન ન થઈ જાય. મેકઅપ કરતાં પહેલાં સેન્સિટિવ સ્કિનવાળાએ જાણી લેવું જોઇએ કે તેમને કઈ પ્રોડક્ટ સૂટ થાય છે. એ પ્રોડક્ટનો ઉપયોગ કરીને જ તેમણે મેકઅપ કરવો જોઇએ. સેન્સિટિવ સ્કિનવાળાએ હાથથી કોઈ પ્રોડક્ટ લગાડવાના બદલે હંમેશા બ્રશ જ વાપરવું જોઇએ, જેથી એલર્જીનું જોખમ ટાળી શકાય. સેન્સિટિવ સ્કિનવાળાએ જે ફાઉન્ડેશનમાં મોઇસ્ચરાઇઝર વધારે હોય એ ફાઉન્ડેશન વાપરવું. તેઓ જેટલો ઓછો મેકઅપ કરે એટલું વધારે સારું. સેન્સિટિવ સ્કિનવાળાએ જો મેકઅપ કરવો હોય તો મિનરલ મેકઅપ કરવો અને આ માટે તેમણે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જ વાપરવી જોઈએ.
• કોમ્બિનેશન સ્કિનઃ જેની સ્કિન કોમ્બિનેશન સ્કિન હોય છે તેને કપાળ અને નાક પર ઓઇલી સ્કિન હોય છે અને બાકીના ભાગમાં ડ્રાય સ્કિન હોય છે. આવી સ્કિન ધરાવતી વ્યક્તિએ ઓઇલી અને ડ્રાય બન્ને સ્કિનની પ્રોડક્ટ વાપરવી પડે છે. જે જગ્યા ઓઇલી હોય ત્યાં ઓઇલી સ્કિનનું ફાઉન્ડેશન અને જે જગ્યા ડ્રાય હોય ત્યાં ડ્રાય સ્કિનનું ફાઉન્ડેશન વાપરવું. આ સ્કિનવાળાને મેકઅપમાં એટલો ફરક પડતો નથી. તેઓ કોઈ પણ પ્રકારની આઇલાઇનર, લિપસ્ટિક વાપરી શકે છે.
સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કર્યો તો થઇ શકે છે સાઇડ-ઇફેક્ટ
સ્કિન-ટાઇપના હિસાબે મેકઅપ ન કરવાથી તમારી સ્કિન પર સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. ડર્મેટોલોજિસ્ટ કહે છે કે જો તમારી સ્કિન ઓઇલી હોય અને તમે ઓઇલ-બેઝ્ડ પ્રોડક્ટ વાપરશો તો તમારી સ્કિન પર પિમ્પલ આવી શકે છે. તમારો ફેસ વધારે ઓઇલી લાગશે. ડ્રાય સ્કિનવાળા જો સ્કિન-ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ ન વાપરે તો તેમની સ્કિન વધારે ડ્રાય થાય છે. એ સિવાય સ્કિન પર જલન પણ થાય છે. સેન્સિટિવ સ્કિન હોય કે કોઈ પણ સ્કિન, પ્રોડક્ટ હંમેશાં બ્રાન્ડેડ જ વાપરવાનો આગ્રહ રાખો. પ્રોડક્ટને વારંવાર બદલો નહીં, કેમ કે જો તમને અમુક કંપનીની પ્રોડક્ટની એલર્જી હશે તો તમારી સ્કિન લાલ થઈ જશે. એ સિવાય સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે તો ફેસ પર ફોડીઓ આવશે અને ખંજવાળ પણ થઈ શકે છે. બની શકે તો મેકઅપ સુગંધરહિત હોવો જોઈએ, કેમ કે સુગંધિત પ્રોડક્ટથી એલર્જી થઈ શકે છે. એમાં કેમિકલ આવી જાય છે. હવેના મેકઅપમાં નોન-કોમેડોજેનિક લખેલું આવે છે જે પિમ્પલ-ફ્રી હોય છે.