તમારો ગેટઅપ કેવો રાખશો?

Wednesday 01st September 2021 08:34 EDT
 
 

દિવસ હોય કે રાત, પ્રસંગ નાનો હોય કે મોટો મેકઅપ કરતી વખતે હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તે સોફ્ટ, સૌમ્ય અને નેચરલ હોવો જોઈએ. મેકઅપ એ રીતે કરવો જોઈએ કે જે તમારા કુદરતી સૌંદર્યને વધુ સારી રીતે નિખારે. જેમ કે, વર્કિંગ અવર્સ માટે તમે લાઈટ મેકઅપ કરશો તો તે યોગ્ય રહેશે કેમ કે તેનાથી તમે ફ્રેશ અને પ્રસન્ન દેખાશો. સાંજના સમયે કરાતો મેકઅપ પણ બપોરના મેકઅપના સિદ્ધાંત પર આધારિત છે. તેમ છતાં ગાલ, આંખ અને હોઠ પર અલગ પ્રકારનો ટચ આપી શકાય છે. ગાલ તથા આંખની આસપાસ ફોસ્ટેડ બ્રાઈટ રંગનો ઉપયોગ કરી શકાય છે. આંખની ઉપર ગોલ્ડન તથા સિલ્વર કલરનો ઉપયોગ કરીને તેને આકર્ષક બનાવી શકો છો.

ગ્લેમરસ મેકઅપઃ

મોટાભાગે ગ્લેમરસ મેકઅપ રાતના સમયે કરાય છે. આ મેકઅપમાં આંખની ઉપર બ્રોડ આઈ લાઈનર લગાવીને અને પાંપણને અલગ ટચ આપીને ગ્લેમરસ બનાવી શકાય છે. આંખ પર ગોલ્ડન, સિલ્વર, પર્પલ, બ્રાઈટ બ્લ્યૂ, બ્રાઉન, ગુલાબી, લીલા તથા સફેદ રંગનો અદ્ભુત સમન્વય ફરીને ઉપયોગ કરવાથી અલ્લડતાનો માહોલ ઊભો કરી શકાય છે.
ગાલ, આંખ તથા હોઠ પર કલરનો ઉપયોગ કરતી વખતે એ ધ્યાનમાં રાખો કે હોઠનો રંગ ગાલના રંગ સાથે મેળ ખાતો હોવો જોઈએ. ગ્લેમરસ અને ફેશનેબલ લુક મેળવવા માટે તમારા પોશાક અને હેરસ્ટાઈલ પર પણ ધ્યાન આપો. એ તમારા મેકઅપ સાથે મેચ થતાં હોવા જોઈએ.
દરેક પળે બદલાતી ફેશનના સ્વરૂપ સાથે ફેશનેબલ મેકઅપની પદ્ધતિ પણ બદલાતી રહે છે અને આ બદલાતા સ્વરૂપ વિશેની સંપૂર્ણ જાણકારી બહુ જરૂરી છે. કુદરતી સૌંદર્યને નિખારવા માટે મેકઅપ કરાય છે એટલા માટે મેકઅપ કરતી વખતે રંગની પસંદગી ત્વચા, વાળ અને કપડાંના રંગ સાથે મેચ થતી હોવી જોઈએ.
જો તમે મેકઅપ આખો દિવસ ટકાવી રાખવા ઇચ્છતા હો તો ચાલો તમને જણાવી દઈએ કે તમારો મેકઅપ કેવો હોવો જોઈએ કે જે દિવસભર ટકી રહે અને તમે તાજગી પણ અનુભવી શકો. સૌપ્રથમ વાળને બરાબર પાછળની બાજુ બાંધી લો ત્યાર બાદ ચહેરા અને ગરદનને ક્લીન્ઝિંગ મિલ્ક કે ક્રીમથી સારી રીતે સાફ કરી લો.
• ક્લીન્ઝર પહેલાં તો આંગળીના ટેરવાં પર લઈને ચહેરા તથા ડોક પર લગાવો. આ પછી તેને કોટન વડે નીચેથી ઉપરની તરફ લઈ જઈને ચહેરો તથા ગરદન સાફ કરો.
• જો તમારી ત્વચા તૈલી હોય તો કોટનને સહેજ ભીનું કરીને તેના પર એસ્ટ્રિજન્ટ મિલ્ક લઈને ચહેરા તથા ગરદનની સફાઈ કરવી જોઈએ. ત્વચા સારી રીતે સાફ થઈ જાય પછી મોઈશ્ચરાઈઝર લગાવો.
• આ પછી થોડું ફાઉન્ડેશન હથેળી પર લઈને ગાલ, નાક, માથા અને દાઢી પર લગાવો. મેકઅપ સ્પંજ વડે ફાઉન્ડેશન ફેલાવો અને તેને સારી રીતે ભેળવી દો. ધ્યાન રાખો કે ફાઉન્ડેશનનો શેડ તમારી ત્વચા સાથે મેળ ખાતો હોવો જોઈએ કે પછી ડાર્ક શેડ હોવો જોઈએ.
• ત્યારબાદ ગાલ પર રુઝ લગાવો. રુઝ કોટન ટિપવાળી સ્ટિક વડે અથવા કોટનના પૂમડાથી લગાવો.
• ક્રિમ કે લિક્વિડ રુઝનો ઉપયોગ કરો. રુઝ ગાલના હાડકાંના પાછળના ભાગે લગાવો. તેને ટિપથી કે ટેરવાથી ઉપર તથા બહારની બાજુએ ગાલના હાડકાંથી લઈને કપાળ સુધી ફેલાવો. રુઝનો રંગ ગુલાબી કે લાલ હોવો જરૂરી નથી. આંખની આસપાસ રુઝ ન લગાવો.
• રુઝ ભૂલેચૂકે પણ ગાલની નીચે કે હોઠની ઉપર સુધી ન લગાવો. આમ કરવાથી ખબર પડી જશે કે તમને મેકઅપ વિશે જાણકારી નથી.
• તમે પાઉડર બ્લશરનો ઉપયોગ કરો ત્યારે ફેસ પાઉડર પહેલાં લગાવો. બ્લશર હંમેશા હાર્ડબ્રશથી કરવું જોઈએ. રુઝ લગાવતાં પહેલાં ફેસ પાઉડર લગાવો.
• કોટન ટિપવાળી સ્ટિકથી સહેજ આઈ શેડો લઈને તેને હથેળીના પાછળના ભાગે રાખીને ટેરવાથી કે ટિપથી શેડોને ઉપરની આઈ લિડ પર લગાવો. તેને કંઈક એવી રીતે ફેલાવો કે તે આંખના ખૂણા સુધી રહે.
• પાઉડરને એક હાથમાં લઈને ગુચ્છાદાર બ્રશથી ચહેરા પર લગાવો. વધારાના પાઉડરને કોટનના પૂમડાથી દૂર કરી નાંખો.
• આમ તો હવે આઈલાઈનર કરવાની જરૂર નથી પડતી તેમ છતાં તમારી ઈચ્છા હોય તો તમે તે કરી શકો છો, કોઈ અણીદાર આઈલાઈનર પેન્સિલ કે નાના બ્રશ અને લિક્વિડ આઈલાઈનર વડે પાંપણની તદ્દન નજીકમાં પાતળી લાઈન કરો. આઈલાઈનર આંખની ઉપર કે નીચે લગાવતી વખતે નીચેની તરફ લાઈટ રંગનો ઉપયોગ કરવો. આંખની બહારના ખૂણા પર લાઈનને ઉપરની તરફ વળેલી દેખાડો.
• જો ઈચ્છો તો નકલી પાંપણનો ઉપયોગ કરી શકો. તેના બેઝને સહેલાઈથી આઈલાઈનર દ્વારા છુપાવી શકાય છે. હળવા હાથે અણીદાર આઈ-બ્રો પેન્સિલનો ઉપયોગ કરો. પેન્સિલનો ઉપયોગ કરતાં પહેલાં દરેક વખતે તેને છોલી લો. નેચરલ લુક આપવા માટે તેમાં વિવિધ જાતના શેડ્સનો ઉપયોગ કરો.
• બધો મેકઅપ કરી લીધા પછી ફરી એક વાર આખા ચહેરા પર ફેસ પાઉડર લગાવો. વધારાના પાઉડરને મુલાયમ બ્રશ કે કોટનથી દૂર કરો. હંમેશા નીચેની તરફ ખંખેરો.
• પાંપણને તેના બ્રશથી ખંખેરો. ત્યારબાદ ફેસ પાઉડર લગાવવાનું ભૂલતાં નહીં, એ મેકઅપ સેટ કરે છે. ત્યારબાદ મસકારા લગાવો. તેને ‘ડિસ્પોઝેબલ’ મસકારા બ્રશથી ઉપરની પાંપણ પર હળવા હાથે નીચેથી ઉપર તરફ લગાવો. નીચેની પાંપણ પર ઉપરથી નીચેની તરફ લગાવો. તમે ઈચ્છો તો નકલી પાંપણ પર પણ મસકારા લગાવી શકો છો.
• ત્યારબાદ લિપ લાઈનર પેન્સિલ કે લિપ બ્રશથી પહેલાં હોઠની આઉટલાઈન બનાવો. જો તમે લિપ બ્રશનો ઉપયોગ કરતા હો તો લિપસ્ટિકને સ્પેચ્યુલા વડે કાઢીને પછી બ્રશથી લગાવો. ખૂબ પાતળી લાઈનથી હોઠની આઉટલાઈન બનાવો.
• બ્રશમાં વધુ લિપસ્ટિક લઈને અને મોઢું ખોલીને હોઠ પહોળા કરીને હોઠ પર પૂરેપૂરી લિપસ્ટિક લગાવો. વધારાની લિપસ્ટિકને ટિશ્યૂ પેપર પર લઈ લો. તેના માટે ટિશ્યૂ પેપરને બંને હોઠ વચ્ચે મૂકીને દબાવી દેવો. લિપ કલર લગાવવા માટે રૂના પૂમડાંનો ઉપયોગ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter