તહેવારોના દિવસોનું આગમન થઇ રહ્યું છે. તહેવારની ઉજવણી વખતે પરિવારજનો પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પસંદ કરતા હોય છે, પણ યુવતીઓને આ જ વાત મૂંઝવતી હોય છે. ક્યા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઇએ કે જેથી તહેવારની સાથે સાથે પોતાનું વ્યક્તિત્વ પણ દીપી ઉઠે? તો આ પ્રશ્નનો જવાબ એ રીતે આપી શકાય કે યુવતીઓ આધુનિક અને ટ્રેડિશનલ સ્ટાઇલના કોમ્બિનેશન જેવા આઉટફિટ પહેરીને તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી શકે છે.
ફેશન વર્લ્ડની વાત કરીએ તો કોઇ પણ ફેશન થોડા થોડા સમયે બદલાતી રહેતી હોય છે. એક વર્ષે ફેશનના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જે આઉટફિટ તૈયાર કરવામાં આવ્યા હોય તે બીજા વર્ષે ‘ઓલ્ડ ફેશન’ થઇ જવાના કારણે કબાટમાં પડ્યા રહે છે. આમ, એક વર્ષે હોંશે હોંશે પહેરેલા કપડાં સમયની સાથે માત્ર કબાટની શોભા બનીને રહી જાય છે. આના કારણે વોર્ડરોબમાં ઢગલાબંધ કપડાં હોય છે, પણ જ્યારે પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગમાં પહેરવાલાયક વસ્ત્રો મળતા નથી.
આ સંજોગોમાં જો સર્જનાત્મક રીતે વિચારવામાં આવે તો જૂનાં ડિઝાઇનર કપડાંને રિસાઇકલ કરીને સ્ટાઇલિશ ફેસ્ટિવલ ડ્રેસ બનાવી શકાય છે. જો તમે તમારી ભારે સાડી રિસાઇકલ કરાવતા હો તો એ ડેમેજ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. ડ્રેસ ડિઝાઇનિંગ એવું હોવું જોઇએ કે સાડીનો ઓરિજિનલ ચાર્મ જળવાઈ રહેવો જોઈએ. કપડાં રિસાઇકલ કરવાનું આ કામ કલાત્મક છે એટલે એ કોઈ કુશળ ડિઝાઇનરની સલાહ હેઠળ જ થવું જોઈએ, નહીંતર નુકસાન થાય છે. જો કુશળ ડિઝાઇનર હોય તો સાવ સાદી જૂની સાડી કે ડ્રેસમાંથી નવી સ્ટાઇલનો ડિઝાઇનર ડ્રેસ બહુ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકાય છે.
જૂના ગાઉનમાંથી ડિઝાઇનર ડ્રેસ
છેલ્લા કેટલાક સમયથી લગ્નમાં ગાઉન પહેરવાનું ચલણ વધ્યું છે પણ સમયની સાથે સાથે એનો ચાર્મ ઓછો થઇ જાય છે. હાલમાં સ્કર્ટ અને ક્રોપ ટોપ ઇન છે. જો તમને થોડોક સમય ગાઉન પહેર્યા પછી ફરીથી આ ગાઉન પહેરવામાં રસ ન હોય તો ગાઉનને બે ભાગમાં કટ કરી ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ફેરવી શકાય. એ જ રીતે અનારકલી ડ્રેસ હોય તો એને પણ સ્કર્ટમાં ફેરવી એની સાથે બનારસી સાડીમાંથી બનેલું જેકેટ પહેરી શકાય.
સ્ટાઇલિશ સાડી
જો ક્રિએટીવ રીતે વિચાર કરવામાં આવે તો બહુ સહેલાઇથી જૂની સ્ટાઇલની સાડીમાંથી નવી સ્ટાઇલની ડિઝાઇનર સાડી પહેરી શકાય છે. હાલમાં ફેશન પરસ્ત યુવતીઓ હેવી ઝરદોશી અને ટીકી વર્કવાળી સાડી નથી પહેરતી કારણ કે એ એકદમ આઉટડેટેડ લાગે છે. જોકે આ સાડીમાંથી સ્ટાઇલિશ હાફ-હાફ સાડી બનાવી શકાય છે. આમાં બે જૂની કોન્ટ્રાસ્ટ રંગોની સાડીઓને અડધી- અડધી લઈ ચણિયા-ચોળી જેવો લુક આપતી હાફ-હાફ સાડી બનાવડાવી શકાય. અહીં એક સાડીમાંથી પાટલી અને પાલવનો ભાગ, જ્યારે બીજી સાડીમાંથી મુખ્ય બેઝ સારો લાગશે. જો તમારી પાસે બનારસી સાડી હોય તો સિલ્ક કે બીજા ફેબ્રિકની સાડી લઈ એમાં બનારસી સાડીની બોર્ડર લનાવી શકાય અને બનારસી સાડીનાં ફેબ્રિકમાંથી મેચિંગ દુપટ્ટો કે એવી ટ્રેન્ડિંગ વસ્તુઓ બનાવડાવી શકાય.
પલાઝો અને ઘાઘરા
હાલમાં ફેશનપરસ્ત યુવતીઓ ટ્રેડિશનલ વેર તરીકે પલાઝો અને સ્ટાઇલિશ ઘાઘરો પહેરવાનું પસંદ કરે છે. આ ડ્રેસિંગ તહેવારોની ઉજવણીમાં પણ સારું લાગે છે. ટીકી કે ઝરદોશી વર્કવાળી સાડીમાંથી બનાવેલા પલાઝો અને સિલ્કની હેવી કુરતીનું કોમ્બિનેશન સારું લાગશે. આ કોમ્બિનેશન એકદમ રિચ લુક આપશે. આ સિવાય નેટની સાડીમાંથી બનાવેલાં ચણિયા-ચોળી પર કોન્ટ્રાસ્ટ કલરની બનારસી અથવા પટોળાની ઓઢણી આખો લુક ચેન્જ કરી શકે છે અને ફેસ્ટિવલમાં પહેરવા માટે પરફેક્ટ પસંદગી છે.