આપણે પર્વો-તહેવારોમાં ફેસ અને હાથ-પગની ત્વચાની વિશેષ કેર કરીએ છીએ તે સાચું, પણ આ તો તહેવારોના તહેવાર દિવાળીની વાત છે. ત્વચાની ચમકદમક તો નીખરવી જ જોઇએને... અને આ માટે જરૂરી છે બોડી પોલિશિંગ.
બોડી પોલિશિંગ સ્કિન માટેની એક એવી ટ્રીટમેન્ટ છે, જેનો ઉપયોગ શરીરની ત્વચાને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. એનાથી ત્વચા સ્વસ્થ બને છે અને તેની ચમક વધે છે. આ પ્રક્રિયામાં શરીરની ત્વચાને સ્ક્રબની મદદથી એક્સફોલિએટ કરવામાં આવે છે. આ ઉપરાંત આખા શરીરને મોઇશ્ચર મળે છે, જેથી ત્વચા હાઇડ્રેટ રહે. આખા શરીર પર સ્ક્રબ કરવાથી ત્વચાની મૃત કોશિકાઓ દૂર થાય છે. સ્ક્રબ કર્યા બાદ શરીર પર ગ્લો પેક પણ લગાવવામાં આવે છે. બોડી ઓઇલથી મસાજ કરવામાં આવે છે. તબક્કાવાર થતી આ પ્રક્રિયાથી ત્વચામાં ઇન્સ્ટન્ટ ગ્લો જોવા મળે છે.
• બોડી પોલિશિંગના ફાયદાઃ બોડી પોલિશિંગ ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવામાં અને ગરમી દરમિયાન થતા ટેનિંગને ઘટાડવામાં મદદ કરે છે. બોડી પોલિશિંગથી ગ્લોઇંગ સ્કિન મળે છે. ત્વચા પર રહેલા ડાઘ-ધબ્બા દૂર થાય છે. બોડી પોલિશિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આખા શરીરની ત્વચાની રંગતને એકસમાન કરે છે. આ ટ્રીટમેન્ટથી શરીરમાં બ્લડ સરક્યુલેશન સારું થાય છે. તાણ અને થાકને દૂર કરે છે.
• ઘરે કરો બોડી પોલિશિંગઃ પાર્લર કે સ્પામાં જઇને રૂપિયા ખર્ચવા કરતાં ઘરે બોડી પોલિશિંગ કરવું બહુ સરળ છે. ઘરે અમુક સરળ ટિપ્સનો ઉપયોગ કરી બોડી પોલિશિંગ કરી શકો છો. એ માટે સૌથી પહેલાં નવશેકા પાણીથી સ્નાન કરી લો. એ પછી આખા શરીર પર સારી રીતે સ્ક્રબ લગાવો અને સ્ક્રબ લગાવ્યા પછી 15 મિનિટ સુધી એમ જ છોડી દો. 15 મિનિટ પછી હાથને પાણીવાળો કરીને સ્ક્રબને હળવા હાથે મસાજ કરવાનું છે. આવું આખા શરીર ઉપર કરો. એ પછી સાદા પાણીથી ત્વચા સાફ કરી લો.
હવે શરીર પર ગ્લોઇંગ પેક લગાવવાનો છે. પેક લગાવ્યા બાદ તેને સૂકવવા દો. સુકાઇ જાય એટલે કોટન વડે અથવા ભીના કોટન કપડાં વડે ત્વચાને સ્વચ્છ કરી લો. આ પ્રક્રિયા પૂર્ણ થઇ જાય એ પછી છેલ્લે તમારા શરીર પર એન્સેશિયલ ઓઇલથી માલિશ કરો. ઓછામાં ઓછું દસ મિનિટ સુધી માલિશ કરો. ઘરે બોડી પોલિશિંગ કરતી વખતે લૂફાનો ઉપયોગ કરવો જોઇએ. એનાથી રોમછિદ્ર ખૂલી જશે અને બોડી પોલિશિંગમાં સારું રિઝલ્ટ મળશે. આ ટ્રીટમેન્ટ કર્યા બાદ એકથી બે કલાક સુધી સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. હા, તમે શાવર લઇ શકો છો. બોડી પોલિશિંગ દરમિયાન કોણી, ઘૂંટણ, બગલ, બેક અને પગની એડીઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બોડી પોલિશિંગ કરાવવાથી કોઇ પણ જાતની સાઇડ ઇફેક્ટ થતી નથી, પણ શરત એટલી જ કે સ્ક્રબ હોય કે ગ્લોઈંગ પેક તમામ વસ્તુ ક્વોલિટીવાળી વાપરવી જરૂરી છે.