અફઘાનમાં આતંકી સંગઠન તાલિબાન બહુલગ્નને કારણે મુશ્કેલીમાં છે. મુસ્લિમ ધર્મમાં પુરુષોને ચાર લગ્ન કરવાની મંજૂરી છે અને અફઘાનિસ્તાનમાં પણ બહુલગ્નનો કાયદો છે. આ કાયદાના લીધે તાલિબાની કમાન્ડર અને લીડર એકથી વધુ લગ્ન કરે છે અને પરિવાર મોટો થવાને લીધે તેમનો ખર્ચ પણ વધી ગયો છે. આ કારણે ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની કામમાં લોકો વધુ સંડોવાય છે. બહુલગ્નો સામે મોટાપાયે ફરિયાદ પણ મળી રહી છે. આ વધતી સમસ્યાથી પરેશાન તાલિબાની નેતાઓએ આ મામલે એક આદેશ જાહેર કર્યો છે.
આદેશમાં કહ્યું છે કે, લીડર અને કમાન્ડરો અનેક પત્નીઓ રાખતા બચે. એકથી વધુ પત્નીઓને કારણે વિરોધી આપણી ટીકા કરી રહ્યા છે. મોટાભાગના તાલિબાની નેતા અને કમાન્ડરો પાસે એકથી વધુ પત્ની છે, પણ જેમના પહેલાંથી અનેક લગ્ન થયાં છે તેમના પર આ આદેશ લાગુ નહીં થાય. તાલિબાનમાં ચર્ચા છે કે, કમાન્ડરોમાં મહેરની રકમ એટલે કે દુલ્હન માટે ચૂકવાતી રકમની માગ પણ ઝડપથી વધી છે. અફઘાન અને પાકિસ્તાનમાં અનેક પશ્તૂન આદિવાસીઓમાં વર પક્ષે લગ્ન માટે કન્યા પક્ષને ભારે રકમ ચૂકવવી પડે છે. બે પાનાનું આ ફરમાન અફઘાન તાલિબાન લીડર મુલ્લાહ હિબતુલ્લાહના નામે જાહેર કરાયું છે. તેમાં કહેવાયું છે કે બે કે ચાર લગ્ન પ્રતિબંધિત નથી પણ લગ્નમાં ભારે ખર્ચને કારણે આપણે તેનાથી બચવું જોઈએ. વિરોધીઓ તેની સતત ટીકા કરી રહ્યા છે. જો બધા કમાન્ડર બહુલગ્નથી બચશે તો તેમણે ભ્રષ્ટાચાર કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થવાની જરૂર નહીં પડે.
અમુક લોકોને બહુલગ્નની છૂટ
આદેશમાં અમુક લોકોને બહુલગ્નની છૂટ અપાઇ છે. જેમનાં બાળકો નથી કે પછી છોકરો નથી કે જે વિધવા સાથે લગ્ન કરવા ઈચ્છે છે તે એકથી વધુ લગ્ન કરી શકે છે અથવા પછી જેમનો પરિવાર લગ્નનો ખર્ચ ભોગવી શકે છે તે કરી શકે છે. જોકે એકથી વધુ લગ્ન કરવા માટે વરિષ્ઠોની પરવાનગી લેવી પડશે.