વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં ગત વર્ષે ડિસેમ્બરમાં તાલિબાને વિદ્યાર્થિનીઓના સ્કૂલ-કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેને કારણે લગભગ 90 હજાર વિદ્યાર્થિનીઓને સ્કૂલ- કોલેજ છોડવાની નોબત આવી હતી. જોકે આમ છતાં અનેક વિદ્યાર્થિનીઓ હજુ પણ અભ્યાસ માટે મક્કમ છે. એચએચ નામથી ઓળખાવાયેલી એક યુવતીએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પરંતુ તાલિબાને ડિપ્લોમા સર્ટિફિકેટ રોકી દીધું હતું. જોકે હવે તે કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી માટે અમેરિકી યુનિવર્સિટીથી ઓનલાઇન શિક્ષણ લઇ રહી છે. એમએચે કેલિફોર્નિયામાં ડિસ્ટન્સ એજ્યુકેશનની યુનિવર્સિટી ઓફ ધ પીપલથી ઓનલાઇન અભ્યાસ શરૂ કર્યો છે. સંસ્થાના અધ્યક્ષ શઇ રેશેફ કહે છે કે ઓનલાઇન પ્રવેશ માટેની 6,000 અરજીઓ મળી છે, જે દર્શાવે છે કે યુવતીઓમાં અભ્યાસ માટે કેટલી તલપ છે.
હ્યુમન રાઇટ્સ વોચના સંશોધક સહર ફિતરત અનુસાર યુવતીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જોકે તેઓ ચેતવણી આપતા કહે છે કે ઓનલાઇન અભ્યાસ એ તાલિબાન દ્વારા મહિલાઓને જાહેર સ્થળોએથી હાંકી કાઢવાના પ્રયાસો થઇ શકે છે. મહિલાઓને સ્કૂલ, કોલેજમાં પ્રવેશ મળે તે જરૂરી છે.