નવી દિલ્હી: સંઘર્ષ અને કમબેકનો જે જુસ્સો ૧૭ વર્ષની તીરંદાજ પ્રગતિ ચૌધરી દર્શાવ્યા છે તેને એક ઉદાહરણરૂપે યાદ રખાશે. ૧૦ મહિના અગાઉ લોકડાઉન દરમિયાન પાંચમી મેની રાત્રે પ્રગતિને ચક્કર આવ્યા. હોસ્પિટલમાં નિદાન થયું તો ખબર પડી કે આ આશાસ્પદ તીરંદાજને બ્રેઇન હેમરેજ થયું છે. તે બે-ચાર નહીં, ઘણા દિવસો સુધી બેહોશ રહી. તેની હાલત એકદમ ખરાબ હતી. દેશના તમામ તીરંદાજો, તીરંદાજી સંઘ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)એ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને તેની મદદ માટે લોકો આગળ આવ્યા. કેટલાંય અઠવાડિયાં બાદ તે ઘરે પાછી ફરી ત્યારે કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે તે ફરી એક વખત હાથમાં ધનુષ-તીર ઉઠાવી શકશે. પરંતુ તેણે આ અશક્ય કામ કરી દેખાડ્યું.
પ્રગતિના કોચ તેની મદદે આવ્યા. પ્રગતિ પૂર્વ દિલ્હીમાં રહે છે, પણ તેના માતા-પિતા તેને ૩૦-૩૫ કિમી દૂર નાંગલોઇ સ્થિત કોચિંગ સેન્ટર ખાતે લઇ ગયાં. પહેલાં તેને તિરંદાજી મેદાનમાં ચક્કર લગાવવાનું શરૂ કરાવાયું. આ પછી તેને તીરંદાજીના વીડિયો બતાવાયા. છેવટે તેણે હાથમાં ધનુષ ઉઠાવી લીધું. ગયા સપ્તાહે તેણે હરિયાણાના સોનેપતમાં તેની કરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને પહેલી વાર સિનિયર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. ઉલ્લેખનીય છે કે તે ઢાકા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીતી ચૂકી છે.