ન્યૂ યોર્કઃ અમેરિકાની જુલિયા વેબ્બે તેની ૧૦ મહિનાની દીકરીને પ્રેમ (બાબાગાડી)માં સાથે રાખીને હાફ મેરેથોન પૂરી કરી છે, એટલું જ નહીં, પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. ત્રણ સંતાનોની માતા જુલિયાએ ઓક્લાહોમામાં હાફ મેરેથોનનું ૨૧.૦૯૭૫ કિ.મી.નું અંતર માત્ર ૧ કલાક, ૨૧ મિનિટ, ૨૩ સેકન્ડમાં દોડીને સ્પર્ધા જીતવા સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
જુલિયાએ પ્રેમને ધક્કો મારતાં મારતાં સૌથી વધુ ઝડપથી હાફ મેરેથોન પૂરી કરવાની કેટેગરીમાં વિશ્વ વિક્રમ માટે પણ દાવેદારી કરી છે. બીજા સ્થાને રહેલી ખેલાડીએ જુલિયા કરતા બે મિનિટ વધુ સમય લીધો. જુલિયાના પતિએ આખી રેસમાં તેના ફોટો લીધો અને વીડિયો બનાવ્યા હતા. તેણે આ વીડિયો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલીને વિશ્વવિક્રમ માટે દાવેદારી નોંધાવી છે. વર્લ્ડ રેકોર્ડ કમિટી તમામ વીડિયો અને ક્લિંપીંગ્સ નિહાળ્યા બાદ ૧૨ અઠવાડિયામાં નિર્ણય લેશે. જુલિયાને ૧૦ માસની દીકરી ઉપરાંત ૪ અને ૭ વર્ષની બે પુત્રીઓ પણ છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે સૌથી ઝડપે હાફ મેરેથોન દોડવાનો વિશ્વ વિક્રમ ૧ કલાક ૨૭ મિનિટ ૩૪ સેકંડનો છે. આ વિક્રમ બ્રિટનના લિન્ડસે જેમ્સે ૨૦૧૬માં નોંધાવ્યો હતો.