ઓમિક્રોનનો ડર ભલેને માથે મંડરાતો હોય, સહુ કોઇ નવા વર્ષના આગમનને વધાવવા માટે થનગની રહ્યા છે. ઘરને સજાવવા વિવિધ ચીજવસ્તુઓની ખરીદી થઇ રહી છે તો તનને સજાવવા નવા વસ્ત્રો ખરીદાઇ રહ્યા છે. બહેનો તેમના રૂપને નિખારવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી રહી છે. જોકે એક વાતે ધ્યાન દોરવાનું કે જેલી મેનિક્યોરથી સાચવજો. જેલી મેનિક્યોરમાં નખને તાબડતોબ સૂકવી નાખવાની ટેક્નિક બાબતે બ્યુટી એક્સપર્ટ અને ડર્મેટોલોજિસ્ટ વચ્ચે મતમતાંતર પ્રવર્તે છે. ત્વચા નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે એલઈડી લેમ્પની અસરથી ઇન્ફેક્શન, એજિંગ અને સ્કિન કેન્સર જેવાં જોખમો રહેલાં છે. નોર્થ કેરોલિનાસ્થિત ત્વચા નિષ્ણાત ડો. ચેરીસ એડિગને રિસર્ચ કર્યા બાદ અમેરિકન અસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટને જેલી નેઇલ બ્યુટી ટ્રીટમેન્ટ માટેનાં ચોક્કસ સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટેની ગાઇડલાઇન્સ મોકલી છે.
આ રિસર્ચના તારણ સંદર્ભે માહિતી આપતાં નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટનું કહેવું છે કે હાથ આપણા શરીરનું એવું અંગ છે જે આખો દિવસ ખુલ્લું રહે છે, તેથી એની કાળજી અને સુંદરતા બન્ને મહત્ત્વનાં છે. અત્યાર સુધી ચહેરાની બ્યુટી પર ફોકસ કરાતું હતું. નેઇલ આર્ટની ફેશનના કારણે હવે મહિલાઓ હાથની સુંદરતાને પણ એટલું જ મહત્ત્વ આપવા લાગી છે. રોજબરોજની જિંદગીમાં નખની સંભાળ લેવી, નેઇલ-પોલિશ લગાવવી તેમનાં રૂટીન કાર્યો છે તો ફેસ્ટિવ સિઝનમાં અને પ્રસંગોપાત્ત સેલોંમાં જઈ વિવિધ નેઇલ આર્ટ કરાવે છે. લેટેસ્ટ ફેશન ટ્રેન્ડને અનુસરવાનો શોખ રાખવામાં કશું ખોટું નથી, પરંતુ કાળજી ન રાખો તો નુકસાન થઈ શકે છે.
જેલી નેઇલ્સ માટે સેલોંમાં લેમ્પનો ઉપયોગ થાય છે અને એ ત્વચા માટે જોખમી છે એવાં અનેક રિસર્ચ થયા છે એમ જણાવતાં ડર્મેટોલોજીસ્ટ કહે છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને ત્વચા સંબંધિત રોગો અને સ્કિન-કેન્સર સાથે સીધો સંબંધ છે. સૂર્યના આકરા તાપથી જેમ ત્વચાને નુકસાન થાય છે એ જ નિયમ અહીં લાગુ પડે છે.
સામાન્ય મેનિક્યોરમાં નખની આસપાસની ત્વચા અને ડેડ સેલ્સને દૂર કરવા હળવા હાથે સ્ક્રબિંગ કરવામાં આવે છે, જ્યારે અહીં મશીન છે. યુવી લેમ્પ સૂર્યનાં કિરણોથી ચાર ગણી વધુ ઝડપે પ્રકાશને તમારા હાથ પર ફેંકે છે. રિસર્ચ અનુસાર ૧૨ વખત મેનિક્યોર કર્યા બાદ તમારી ત્વચા પર એની અસર દેખાવા લાગે છે. જોકે આ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટની આડઅસરના ચોક્કસ આંકડા સામે આવ્યા નથી, પરંતુ વારંવાર લેમ્પના પ્રકાશના સંપર્કમાં આવવાથી લાંબા ગાળે નખની આસપાસની ત્વચાને હાનિ પહોંચી શકે છે.
યુવી લેમ્પથી ત્વચા સંબંધિત રોગોના જોખમને ટાળવા સેલોં માટે નિયમો હોવા જોઈએ એવો અભિપ્રાય આપતાં નિષ્ણાત ડર્મેટોલોજીસ્ટ કહે છે કે સ્કિન ડેમેજ થવાની શક્યતા એક્સપોઝરના સમય અને પ્રકાશની ગતિ પર આધાર રાખે છે. વિવિધ કંપનીના લેમ્પમાં ગોઠવેલા બલ્બના વોલ્ટેજમાં ફરક જોવા મળે છે, તેથી દરેક સેલોં માટે પ્રોપર ગાઇડલાઇન હોવી જોઈએ. મારા મતે મેનિક્યોરની ટોટલ ટ્રીટમેન્ટ માટે આઠ મિનિટથી વધુ સમય ન લાગવો જોઈએ. આ ઉપરાંત મહિલાઓએ પણ કેટલીક સામાન્ય તકેદારી રાખવી જોઈએ. જેમ કે,
• એન્ટિ-બાયોટિક્સ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ, એસ્ટ્રોજન્સ અથવા કોઈ સપ્લિમેન્ટ લેતાં હો તો યુવી લેમ્પના સંપર્કમાં ન આવો.
• જેલી નેઇલ્સ માટે લેમ્પ નીચે હાથ મૂકતાં પહેલાં વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન સિવાય કોઈ પણ કોસ્મેટિક અને પરફ્યુમ ન વાપરો. આ પ્રોડક્ટ્સમાં ભેળવવામાં આવેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ અને પ્રકાશનો સંપર્ક ટાળવો જોઈએ.
• હાથમાં ગ્લવ્ઝ પહેરો, જેથી લેમ્પનો સીધો પ્રકાશ માત્ર તમારા નખ પર જ પડે.
• ટ્રીટમેન્ટ પૂર્ણ થયા બાદ ફરીથી હાથ પર સનસ્ક્રીન લગાવો.
• બ્યુટિશ્યન આઠ મિનિટથી વધુ સમય લે તો ચોખ્ખી ના પાડી દો.
• તમારા નખની નીચેની ત્વચામાં ડેમેજ હોય તો લેમ્પના બદલે એરડ્રાયર વાપરવાનું જણાવો. સંવેદનશીલ ત્વચા માટે એરડ્રાયર બેસ્ટ છે.
• મેનિક્યોર બાદ નખની આસપાસની ત્વચા પર સ્પોટ જોવા મળે અથવા ત્વચા સંબંધિત અન્ય ફરિયાદ જણાય તો ડોક્ટરની સલાહ લેવી.