આજકાલ દરેક ક્ષેત્રે કુદરતી તત્વોનો વપરાશ વધ્યો છે ત્યારે તમે પણ સ્કિનકેર રૂટિનમાં કોઈ નેચરલ ઇન્ગ્રીડિએન્ટને સામેલ કરવા ઇચ્છતા હો તો બદામ બેસ્ટ ઓપ્શન છે. બદામમાં વિટામિન-ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. સ્કિન સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ડાર્ક સર્કલને દૂર કરવાથી લઇને ડ્રાયનેસને દૂર કરી સ્કિનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. લોકો એનો ઉપયોગ એન્ટિ-એજિંગના રૂપમાં પણ કરે છે. બદામમાં હાઈ એન્ટિ ઓક્સિડન્ટ એજન્ટ હોય છે જે સ્કિનને ટાઇટ કરે છે. સ્કિન સેલ્સને ડેમેજ થતાં અટકાવે છે. બદામનો ઉપયોગ ફક્ત ખાવામાં જ નહીં પરંતુ ફેસપેક અને માસ્ક તરીકે પણ કરી શકો છો. બદામમાંથી ફેસમાસ્ક કઈ રીતે બનાવાય એ અંગે જાણીએ.
• બદામ - કેસર કેસપેકઃ બદામ અને કેસર ફેસપેક સ્કિનને સ્મૂધ અને શાઇની બનાવવામાં મદદ કરે છે. આ પેક બહારથી તો સ્કિનને હેલ્દી બનાવશે જ સાથે અંદરથી પણ સ્કિનને મજબૂતી પ્રદાન કરશે. આ પેક બનાવવા ત્રણ નંગ બદામ, ત્રણથી ચાર કેસરના તાંતણા, ત્રણથી છ ચમચી દૂધ અને એક ચમચી બેસન લો. ફેસપેક બનાવવા સૌથી પહેલાં એક વાટકીમાં દૂધ, કેસર અને બદામ મિક્સ કરો. બદામને સોફ્ટ કરવા માટે વાટકીને આખી રાત ફ્રિજમાં મૂકી રાખો. સવારે બદામની છાલ કાઢી મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લો. એમાં થોડું બેસન એડ કરો. સ્મૂધ પેસ્ટ બની જાય એટલે તેને ચહેરા અને ગરદન પર લગાવી દો. પંદર મિનિટ બાદ સરક્યુલર મોશનમાં પેકને હટાવો અને ફેસને પાણીથી ધોઇ લો. આ પેકનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કિનના ડાઘ-ધબ્બા ઓછા થઇ જાય છે અને સ્કિન એક્સફોલિએટ પણ કરે છે.
• બદામ - ગુલાબ - ચંદન પેકઃ બદામ, ગુલાબ અને ચંદન સદીઓથી સ્કિનને સુંદર બનાવવાનું કામ કરે છે. આ પેક સ્કિનને શાઇની બનાવવાની સાથે રંગ નિખારવાનું કામ પણ કરે છે. આ પેક બનાવવા દસથી બાર ગુલાબની પાંદડી લો. બે ટેબલસ્પૂન ગુલાબજળ અને એક ટેબલસ્પૂન ચંદન તથા બદામનો પાઉડર લો. ફેસપેક બનાવવા માટે ગુલાબની પાંદડીને સારી રીતે ક્રશ કરી લો. એમાં ગુલાબજળ મિક્સ કરો. ચંદન અને બદામનો પાઉડર નાંખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. આ પેકને ફેસ પર લગાવો અને પંદર મિનિટ માટે સુકાવા દો. સુકાઇ જાય એટલે પાણીથી સ્કિન સાફ કરી લો.
• લાલ મસૂર - બદામ પેકઃ ગ્લોઇંગ સ્કિન માટે લાલ મસૂર અને બદામ ફેસપેકનો ઉપયોગ કરી શકાય છે. આ પેક સ્કિનને એક્સફોલિએટ કરે છે. પેક બનાવવા બે ચમચી લાલ મસૂર, બેથી ત્રણ બદામ, ત્રણથી ચાર ચમચી કાચું દૂધ, ચપટી કપૂર લો. એક વાટકીમાં મસૂર દાળ અને બદામ લો. તેને બેથી ત્રણ કલાક માટે પાણીમાં પલાળી દો. હવે મિક્સરમાં પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં ચપટી કપૂરનો ભુક્કો એડ કરો. પેસ્ટને સ્મૂધ બનાવવા કાચું દૂધ મિક્સ કરો. આ પેક 20 મિનિટ લગાવ્યા બાદ ધોઇ લો.