આદુંનું નામ પડે એટલે સૌથી પહેલાં તેના ઔષધીય ગુણો યાદ આવે. આદું શરીરને ગરમાટો આપવાની સાથોસાથ ખાંસી અને તાવમાં રાહત આપે છે, પરંતુ આદુંના ફાયદા માત્ર આટલા સીમિત નથી. આદું સ્કિનને ચુસ્ત-દુરસ્ત કરવાનું કામ પણ કરે છે. સ્કિનને હેલ્થી બનાવવા આદુંનો ફેસ માસ્ક બનાવી તેને સ્કિન પર લગાવો.
આદુંમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સ્કિનમાં ઇન્ફ્લેમેશન, રેડનેસ અને ઇરિટેશનને ઘટાડે છે. આદું એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેથી તે સ્કિનને લાંબા સમય સુધી યુવાન પણ રાખે છે. સ્કિનને ફ્રી રેડિકલ્સને કારણે થનાર ઓક્સિડેટિવ તાણથી બચાવવામાં મદદ કરે છે. આદું સ્કિન ટોનને સુધારે છે અને બ્લડ સરક્યુલેશન વધારે છે, જેથી સ્કિનમાં ચમક આવે છે. આ ઉપરાંત આદું હાઇપર પિગ્મેન્ટેશનને ઘટાડે છે અને સ્કિનના ઇવનટોનને દૂર કરે છે. આદું સ્કિનના ડાઘ-ધબ્બાને દૂર કરે છે.
• આદું, મધ અને દૂધઃ આ ફેસ પેક બનાવવા એક ચમચી સૂંઠ પાઉડર, એક ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ, એક મોટો ચમચો લો ફેટ મિલ્ક લો. આ તમામ સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને તેને બરાબર મિક્સ કરી પેક તૈયાર કરો. હવે ચહેરાને ભીનો કરો અને આ મિશ્રણને ચહેરા પર લગાવો. દસથી પંદર મિનિટ માટે તેને આમ જ રહેવા દો. પેક સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાંખો. ફેસ માસ્ક કાઢ્યા બાદ મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો. આ પેક તમારી સ્કિનને ક્લીન અને ક્લિયર બનાવવામાં મદદ કરશે.
• આદું અને હળદરઃ બાઉલમાં એક ચમચી આદુંનો રસ અથવા સૂંઠ પાઉંડર લો. તેમાં અડધી ચમચી હળદરનો પાઉડર, બે મોટા ચમચા દહીં ઉમેરો. એક બાઉલમાં ત્રણેય સામગ્રી મિક્સ કરી ચમચીથી બરાબર હલાવો, એનાથી સ્મૂધ પેસ્ટ બનશે. ચહેરાને ક્લીન કરીને આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તેને આશરે પંદર મિનિટ સુધી લગાવી રાખો. ફેસ પેક ધોયા પછી સ્કિન પર મોઇશ્ચરાઇઝર લગાવો.
• આદું અને ઓટ્સઃ એક ચમચી સૂંઠ પાઉડર, બે મોટી ચમચી ઓટ્સ, એક મોટો ચમચો મધ લો. સૌથી પહેલાં ઓટ્સને મિક્સરમાં પીસીને બારીક કરી દો. હવે તેમાં સૂંઠ પાઉડર, ઓટ્સ અને મધ નાંખીને મિક્સ કરો. ચીકણી પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. ફેસને ક્લીન કરી આ માસ્કને ચહેરા પર લગાવીને પંદરથી વીસ મિનિટ સુધી લગાવી રાખો. એ પછી ચહેરો ધોઈને થપથપાવીને સૂકવી દો. છેલ્લે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો. આ પેક સ્ક્રબની જેમ કામ કરશે અને ત્વચાને ડીપ ક્લીન કરશે.
• આદું-નારિયેળઃ આ ફેસપેક બનાવવા એક ચમચી આદુંનો રસ, એક ચમચી નારિયેળનું તેલ લો. આ પેકને બનાવવા આદું અને નારિયેળ તેલને એક સાથે મિક્સ કરો. હવે તમારા ફેસને ક્લીન કરીને તૈયાર મિશ્રણને ચહેરા પર લગાવો. આ પેકને ચહેરા પર લગાવ્યા બાદ હળવા હાથે સરક્યુલર મોશનમાં મસાજ કરો. પછી પંદરથી વીસ મિનિટ માટે એમ જ રહેવા દઈ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાંખો.