મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી ચહેરાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. માટીમાં અનેક પ્રકારના ગુણ જોવા મળે છે. તમે ઘરે જ મડ માસ્ક બનાવી શકો છો. ત્વચાને ડિટોક્સિફાય કરવી બહુ જરૂરી છે. એનાથી આપણી સ્કિનમાં રહેલી ગંદકી સાફ થઇ જાય છે અને તમારો ચહેરો ચમકવા લાગે છે. આજે આપણે વિવિધ પ્રકારના મડ દ્વારા માસ્ક કઇ રીતે બનાવી શકીએ તે શીખીશું.
• કોફી મડ માસ્ક
કોફીમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. એપલ સાઇડર વિનેગર તમારી સ્કિનને ટોન કરશે તેથી સ્કિન ડિટોક્સ માટે આ મડ માસ્ક બનાવી શકો છો. એક ચમચી ફ્રેન્ચ ગ્રીન ક્લે, એક ચમચી કોફી ગ્રાઉન્ડ્સ, એક ચમચી એપલ સાઇડર વિનેગર, એક ચમચી ગુલાબજળ, બેથી ત્રણ ટીપાં ટી ટ્રી ઓઇલ. એક બાઉલમાં ક્લે અને ગ્રાઉન્ડ્સને નાંખીને મિક્સ કરો. હવે એપ્પલ સાઇડર વિનેગરમાં એક ચમચી ગુલાબજળ નાંખીને તેને પાતળી કરો. હવે એમાં ટી ટ્રી ઓઇલ ઉમેરીને મિક્સ કરો. તમારો માસ્ક તૈયાર થઇ જશે. હવે સૌથી પહેલાં ચહેરાને પાણીથી ધોઇ લો. બ્રશની મદદથી આ માસ્કને ચહેરા પર લગાવો. માસ્ક સુકાઇ જાય એટલે સાદા પાણીથી ધોઇ લો. પછી ચહેરા પર લાઇટ મોઇશ્ચરાઇઝર લગાવો. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરો.
• એવોકાડો મડ માસ્ક
આ મડ માસ્ક ત્વચા હાઇડ્રેટ કરશે અને ચહેરા પરની ગંદકીને પણ સાફ કરશે. એક મોટો ચમચો એવોકાડો પલ્પ, એક મોટો ચમચો બેન્ટોનાઇટ ક્લે, બે ચમચી એવોકાડો તેલ, બે ચમચી મધ લો. એક બાઉલમાં એક મોટી ચમચી એવોકાડો પલ્પ, એક મોટો ચમચો બેન્ટોનાઇટ ક્લે અને એવોકાડો તેલ અને મધ નાંખો. બધી સામગ્રીને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ માસ્કને બ્રશની મદદથી ચહેરા પર લગાવો. પછી ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. સરક્યુલર મોશનમાં ચહેરા પર ત્રણથી પાંચ મિનિટ સુધી રબ કરો. પછી માસ્કને સુકાવા દો. વીકમાં એક વખત જ આ માસ્કનો ઉપયોગ કરો.
• ચારકોલ મડ માસ્ક
ચહેરા પર એક્ટિવેટેડ ચારકોલના ઉપયોગથી ત્વચા એકદમ સ્વચ્છ થઇ જશે. આ ઉપરાંત બ્લેક હેડ્સની સમસ્યા પણ ઓછી થઇ જશે. આ પેક બનાવવા ત્રણ મોટા ચમચા બેન્ટોનાઇટ ક્લે લો, એક ચમચી એક્ટિવેટેડ ચારકોલ, ત્રણ મોટી ચમચી વિચ હેઝલ અને 20 ટીપાં ટી ટ્રી ઓઇલ લો. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી પાતળું માસ્ક તૈયાર કરો. આ માસ્કને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી દો. જ્યારે માસ્ક સુકાઇ જાય ત્યારે સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરો. આ માસ્કથી તમારી ત્વચા ડિટોક્સ થઇ જશે.
• ડીપ ક્લીન્ઝિંગ મડ માસ્ક
ત્વચાને ડીપ ક્લીન કરવી બહુ જરૂરી છે. એક ચમચી બેન્ટોનાઇટ ક્લે, એક નાની ચમચી મધ, બે ચમચી પાણી, અડધી ચમચી કેમોમાઇલ પાઉડર, બે ટીપાં લેવેન્ડર એસેન્શિયલ ઓઇલ લો. બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને પેક તૈયાર કરો. આ માસ્ક ચહેરા પર લગાવો. સુકાય એટલે સાદા પાણીથી ધોઈ લો.