તાજાં ફળો શારીરિક સ્વાસ્થ્ય માટે જેટલા લાભકારક છે તેટલા જ ઉપયોગી ત્વચા માટે પણ છે. ફળોમાંથી બનેલા માસ્ક ત્વચાને નિખારવાની સાથોસાથ તેને પોષણ પણ પૂરું પાડે છે, જેની અસર કોઇ પણ મોંઘાદાટ ક્રીમ, સિરમ કે લોશન કરતાં વધુ લાંબા સમય સુધી જળવાય રહે છે.
• મેંગો ફેશિયલ માસ્ક
વિટામિન એ, ઇ અને સીથી ભરપૂર કેરી ઘેરા વાનને નિખારે છે. તેમજ એન્ટિ-એજિંગ સ્કિનની સમસ્યામાં ત્વચાની કાળજી રાખે છે. મેંગો ફેશિયલ માસ્ક બનાવવા માટે બે ટેબલસ્પૂન મેંગો પલ્પ, એક ટીસ્પૂન દહીં અને એક ટી સ્પૂન મધ ભેળવી ચહેરા પર લગાડી થોડી વાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાંખો.
• બનાના ફેશિયલ માસ્ક
કેળામાં વિટામિન એ, બી અને ઇ ભરપુર માત્રામાં સમાયેલા છે. આ તત્ત્વો ત્વચાને નિખારવામાં સહાયક છે. સાથે સાથે જ તે ત્વચા પર અકાળે કરચલી પડતાં કે તેને નિસ્તેજ બનતાં અટકાવે છે.
અડધા કેળાને મસળી તેમાં એક ટીસ્પૂન લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડી 15 મિનિટ રાખો અને પછી ચહેરો ધોઇ નાંખો.
• સ્ટ્રોબેરી ફેશિયલ માસ્ક
સ્ટ્રોબેરીમાં સમાયેલા પોષક તત્ત્વોથી ચહેરાની રંગત નિખરે છે. તેમજ તેમાંના એન્ટી-ઓક્સિડન્ટ ગુણ કરચલીથી પણ ત્વચાની રક્ષા કરે છે. આવશ્યકતા અનુસાર પાણી ભેળવીને સ્ટ્રોબેરીને મિકસરમાં વાટી, ચહેરા પર લગાડો અને 20 મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.
• પીચ ફેશિયલ માસ્ક
પીચમાં સમાયેલા આલ્ફા હાઇડ્રોક્સી એસિડ ડેડ સ્કિનને પૂરી રીતે દૂર કરીને ઢીલી પડેલી ત્વચાને ટાઇટ કરે છે.
પીચની પેસ્ટ બનાવીને તેમાં એક ચમચી દહીં ભેળવી ચહેરા પર લગાડી સુકાઇ જાય એટલે હળવા હાથે ચહેરો ધોઇ નાંખો. આથી ડેડ સેલ્સ દૂર થશે અને ત્વચા નિખરશે.
• પપૈયા ફેશિયલ માસ્ક
પપૈયામાં વિટામન સી અને ઇની માત્રા સૌથી વધારે હોય છે. તેથી તેને કુદરતી ક્લીન્ઝર અને ટોનર પણ કહેવામાં આવે છે.
પપૈયાની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાડી દો. પેસ્ટ સુકાઇ જાય એટલે ચહેરો ધોઇ નાંખો. આનાથી ત્વચા ક્લીન થાય છે.
• વોટરમેલન ફેશિયલ માસ્ક
સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો માટે વોટરમેલન માસ્કનો ઉપયોગ બહુ લાભકારક છે. વોટરમેલનના રસને નિયમિત રીતે ચહેરા પર લગાડવાથી ત્વચા એકદમ તાજગીસભર બને છે. તેમજ ચહેરાનો વાન નીખરીને ગુલાબી થાય છે.