બેંગકોક: પેતોંગતાર્ન શિનાવાત્રાએ માત્ર 37 વર્ષની વયે થાઇલેન્ડનાં વડાંપ્રધાન તરીકે સુકાન સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વીતેલા સપ્તાહે જ થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને પદ પરથી બરતરફ કરી નાંખ્યા હતાં. તેમની સામે નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરીને એક પૂર્વ ગુનેગારની પ્રધાનમંડળમાં નિમણૂક કરવાનો આરોપ હતો.
યુવા પેતોંગતાર્ન સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે નાતો ધરાવે છે તેથી એમ પણ કહી શકાય કે તેમની પ્રધાનમંત્રી બનવાની સફર રાજકીય વારસાનો ભાગ છે. તેમના પિતા થાક્સિન શિનાવાત્રા અને ફોઈ યિંગલક શિનાવાત્રા ભૂતકાળમાં વડાપ્રધાન સંભાળી ચૂક્યા છે. આમ પેતોંગતાર્ન પોતાના પરિવારના ત્રીજા સભ્ય છે જે આ દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. તેમના પિતા થાક્સિન શિનાવાત્રા ગયા વર્ષે જ 15 વર્ષના દેશનિકાલ બાદ દેશ પરત ફર્યાં હતાં. 37 વર્ષનાં પેતોંગતાર્ન થાકસિન શિનાવાત્રાનાં સૌથી નાના દીકરી છે.
‘ઇંગ’ ઉપનામથી જાણીતાં પેતોંગતાર્ને પોલિટિકલ સાયન્સ અને બ્રિટનથી હોટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જાણીને નવાઇ લાગશે કે આટલા વગદાર પરિવારના સભ્ય હોવા છતાં પેતોંગતાર્ને માસ્ટર ડિગ્રીનાં અભ્યાસ દરમિયાન મેકડોનાલ્ડ્સમાં પાર્ટટાઈમ નોકરી કરતાં હતાં. આ જોબ દરમિયાન થાઈલેન્ડના તત્કાલીન પ્રધાનમંત્રી અને તેમના પિતા એક વખત અચાનક તેના કાર્યસ્થળે પહોંચી જતાં પેતોંગતાર્ન ચર્ચામાં આવ્યાં હતાં.
પેતોંગતાર્નની કારકીર્દિ સમયના વહેવા સાથે આગળ વધી અને એક સમયે તેમણે રેન્ડ ડેવલપમેન્ટ હોટલ કંપનીના સીઈઓ તરીકે પણ કામ કર્યું, જ્યાં તેમની કામગીરીએ લિડરશીપ સ્કીલ નિખારી. 2021માં તેમણે ફિઉ થાઈ પાર્ટી સાથે રાજકીય કરિયરની શરૂઆત કરી અને થોડાક સમયમાં તેઓ પાર્ટીમાં ટોચનાં નેતા બની ગયાં. 2023ની ચૂંટણીમાં તેઓ ફિઉ થાઈ પાર્ટીનો મહત્ત્વપૂર્ણ ચહેરો બનીને ઉભર્યા હતા, અને હવે તેમણે દેશનું સુકાન સંભાળ્યું છે.
સૌથી મોટા પડકાર
વડાંપ્રધાન પેતોંગતાર્ન સામેનો સૌથી મોટો પડકાર દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત રાજકીય સ્થિરતા લાવવાનું પણ તેમના માટે પડકારજનક રહેશે. તેમણે વડાંપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કહ્યું હતું કે અમારી સરકારનો હેતુ સામાજિક સુધારાને પ્રાથમિકતા આપવાનો છે.