સિઓલઃ દક્ષિણ કોરિયા અને જાપાનમાં મહિલાઓના લગ્ન નહીં કરતી હોવાથી આર્થિક મુશ્કેલીઓ સર્જાઇ છે. જાપાન અને દક્ષિણ કોરિયામાં મહિલાઓના એવા જૂથ છે જે લગ્ન નહીં કરવાના અને માતા નહીં બનવાનું એવું જાહેર કરે છે અને તેનો પ્રચાર પણ કરે છે. આ નવા ટ્રેન્ડમાં જાપાન પહેલા અને દક્ષિણ કોરિયા આઠમાં ક્રમે છે.
દક્ષિણ કોરિયામાં તો મહિલાઓ રીતસર ‘નો-મેરેજ વિમેન’ હેશટેગ સાથે અભિયાન ચલાવી રહી છે. તેના થકી મહિલાઓને ચાર ચીજથી બચવાની સલાહ અપાઇ રહી છે. તેમાં નો ડેટિંગ, નો સેક્સ, નો મેરેજ અને નો ચિલ્ડ્રન સામેલ છે. દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં તો ૨૦ ટકાથી વધુ મેરેજ હોલ પણ બંધ થઇ ગયા છે. આ પ્રકારના અભિયાનથી સરકાર પણ ચિંતિત છે અને યુવાનોને લગ્ન માટે પ્રોત્સાહિત કરવા પૈસા પણ આપી રહી છે.
દક્ષિણ કોરિયામાં હાલત એટલી ખરાબ છે કે તેનો અંદાજ એ વાત પરથી આવી શકે કે એક દસકા પહેલા લગભગ ૪૭ ટકા મહિલા માનતી હતી કે, લગ્ન જરૂરી છે, પરંતુ ગયા વર્ષે આ આંકડો ૨૨.૪ ટકા સુધી ઘટી ગયો. અહીં સરકાર લગ્ન કરવા અને પિતા બનવા માટે યુવાનોને પ્રોત્સાહન આપી રહી છે. અહીંના અનેક પ્રાંતોમાં સરકાર મહિલાઓ પાસે તેમનો સંપૂર્ણ મેરેજ બાયોડેટા પણ માગી રહી છે. દક્ષિણ કોરિયામાં વસતીનો ઘટાડો અર્થતંત્ર માટે પણ ખતરનાક છે કારણ કે, અહીં કામદારો નથી મળી રહ્યાં. અહીંની સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે. જેથી કેટલીક સ્કૂલો પણ બંધ થઇ ગઇ છે. સિયોલની રહેવાસી બોની લી કહે છે કે, હું સીધી સાદી મહિલા છું. જેને પુરુષો સાથે સંબંધ રાખવામાં કોઇ રસ નથી. આવું કરનારી હું એકલી નથી. અહીં આવી મહિલાઓની સંખ્યા વધી રહી છે. જે કઠોર પિતૃસત્તાક સમાજને ફગાવી રહી છે.