આપણે ત્યાં જાણીતી ઉક્તિ છેઃ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કોઇ ચીજવસ્તુ હોય કે ફેશન, દરેકને આ વાત સમાન ધોરણે લાગુ પડે છે. કોઇ વસ્તુ જૂની થઇ ગઇ હોય તો ન ગમે, પણ જૂની ફેશન, જૂની વસ્તુઓનું સોના જેવું આગવું મૂલ્ય હોય છે. તમને કોઇ જૂની વસ્તુ ગમતી ન હોય તો તે જ વસ્તુને થોડીક નવી બનાવીને લોકો સામે પેશ કરવામાં આવે તો તેમને ખૂબ ગમી જાય. આથી જ આજે પટોળું, પૈઠણી, ગજ્જી સિલ્કની બાંધણીની સાડી, ખાદી વગેરેનો ક્રેઝ આજે પણ જળવાઇ રહ્યો છે. આજે પણ લોકો હરખભેર તે પહેરે છે, અને તેને યુનિક સ્ટાઇલ સેન્સ પણ ગણવામાં આવે છે.
દરેક સ્ત્રી માટે ફેશનની દરેકની પોતાની પસંદ હોય છે, પણ સમર આવતાં જ લગભગ દરેક સ્ત્રીઓ કોટન ઉપર મહોર લગાવતી હોય છે. હવે જ્યારે જૂની ફેશનની વાત થઇ જ રહી છે તો આપણે આજે મટીરિયલ નહીં પણ વર્કની વાત કરી લઇએ. વર્કમાં પહેલાંના સમયમાં મોતીનું વર્ક, હેન્ડ વર્ક અને એમ્બ્રોઇડરી વર્કનો ક્રેઝ ખૂબ હતો. સ્ત્રીઓ પોતાના ઘરે બેસીને હેન્ડ વર્ક ખૂબ કરતી. મશીનનું એમ્બ્રોઇડરી વર્ક તો ઘણાં સમય પછી શરૂ થયું, પણ મશીન વર્કનો જમાનો આવ્યો એટલે તેણે ધીરે ધીરે પોતાની સત્તા જમાવી. આમ, ભરતગૂંથણનો ક્રેઝ ભલે ડલ પડી ગયો, પણ હેન્ડ એમ્બ્રોઇડરીનો ક્રેઝ હજી સુધી રહ્યો છે.
વચ્ચેનો સમય એવો હતો કે ભારેભરખમ વર્ક પહેરવું સ્ત્રીઓને ગમતું, પણ હવે સમય બદલાયો છે. હવે વર્કમાં પણ લાઇટવેઇટ જોઇએ છે. એમ્બ્રોઇડરી વર્ક થ્રેડથી કરવામાં આવતું હોવાથી તેનો ભાર નથી લાગતો. આજકાલ સમર કલેક્શનમાં એમ્બ્રોઇડરી વર્ક ખૂબ ચાલી રહ્યું છે. બજારમાં પણ સમરવેરમાં આ વર્કનું વેરિએશન અને આ વર્કનાં કપડાં ખૂબ જોવા મળે છે, ત્યારે ચાલો જાણી લઇએ કે તમે કેવાં કેવાં પ્રકારનાં કપડાં ઉપર તે વર્ક કરાવી શકશો.
• એમ્બ્રોઇડરી વર્કની કુરતીઃ ઉનાળો આવે એટલે સમર કલેક્શનમાં અલગ અલગ પેટર્નની કુરતી ખાસ જોવા મળે છે. આ કુરતીમાં તમે એમ્બ્રોઇડરી વર્ક કરાવી શકો છો. નેક, સ્લીવ, બોટમ, બોર્ડર વગેરે જગ્યાએ થ્રેડ વર્ક કરાવી શકાય છે. થ્રેડ વર્કમાં એમ્બ્રોઇડરી અને હેન્ડ વર્ક બંને કરાવી શકો છો. ઘણી સ્ત્રીઓ પ્લેન કુરતીમાં મલ્ટિકલરના દોરા વાપરીને વર્ક કરાવતી હોય છે, તો ઘણી સ્ત્રીઓ પ્રિન્ટેડ કુરતીમાં વર્ક કરાવે છે.
• ક્રોપ ટોપ અને પ્લાઝોઃ ક્રોપ ટોપ અને પ્લાઝો કે પેન્ટ પહેરવાનું ચલણ હવે વધી રહ્યું છે. જો તમે ક્રોપ ટોપ પહેરવાનું પસંદ ન કરતાં હોવ તો ફુલ ટોપ અને સાથે પ્લાઝો અને પેન્ટ પહેરી શકો છો. તેમાં ટોપની અંદર વર્ક કરાવી શકાય છે. ટોપના નેકમાં, તેની સ્લીવ્ઝમાં પણ વર્ક કરાવડાવી શકો છો. ક્રોપ ટોપ અને પ્લાઝો સાથે જેકેટ કે લોંગ કોટી પહેરવી હોય તો તે લોંગ કોટીની કિનારીએ અથવા તો જેકેટમાં એમ્બ્રોઇડરી સુંદર લાગશે. અહીં પ્લાઝો અને ક્રોપ ટોપનો ફોટો આપેલો છે, તે કલમકારી મટીરિયલમાંથી બનાવ્યું છે, તેમાં નેકલાઇનમાં એમ્બ્રોઇડરી કરવામાં આવી છે, તમે પણ આ રીતે કરાવડાવી શકો છો.
• જમ્પશૂટઃ પહેલાં એવું હતું કે જમ્પશૂટને વેસ્ટર્ન આઉટફિટ ગણવામાં આવતો, પણ હવે તેને ચિકનકારી, કલમકારી અને ઇકત મટીરિયલમાંથી બનાવવામાં આવતો હોવાથી વેસ્ટર્નના બદલે જમ્પશૂટે એથનિક લુક ધારણ કર્યો છે. એથનિક જમ્પશૂટમાં પણ નેકલાઇનમાં કરેલું એમ્બ્રોઇડરી વર્ક સુંદર લાગશે. આ જમ્પશૂટને તમે ઓફિસવેર તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. તેની સાથે સુંદર સ્ટોલ અને એથનિક એરિંગ્સનું મેચિંગ કરીને પહેરવું.
આ સિવાય સાડીના બ્લાઉઝમાં, સાડીની કોરમાં, ચણિયાચોળીમાં, ચોલીના દુપટ્ટામાં, કુરતી પ્લાઝોના સેટની કુરતીમાં, તેને મેચિંગ દુપટ્ટામાં, સ્કર્ટમાં, શરારામાં, શાલમાં વગેરે અનેક જગ્યાએ તમે એમ્બ્રોઇડરી કરાવી શકો છો. ખાસ કરીને પ્રસંગોમાં પહેરાતી ભારે સાડી અને સાડીના બ્લાઉઝમાં આ વર્કનું ચલણ ખૂબ વધી રહ્યું છે. તમે પણ તે ટ્રાય કરી શકો છો અને તમારી પ્રતિભા - વ્યક્તિત્વને આગવો નિખાર આપી શકો છો.