બ્યૂટી આઈકોન દિપીકા પાદૂકોણ દેશની મોસ્ટ બ્યૂટીફૂલ વિમેનના લિસ્ટમાં સ્થાન પામી છે. જોકે, આ વાતથી તે પોતે આશ્ચર્યચકિત છે, કારણ કે તે ક્યારેય બ્યૂટી કોન્શિયસ રહી નથી. તે હંમેશા સહજ અને ભપકદાર ન હોય તેવો જ દેખાવ પસંદ કરે છે. તે માને છે કે જ્યારે પોતાના પોશાકમાં તે કમ્ફર્ટેબલ અને કોન્ફિડન્ટ હોય ત્યારે જ તે બેસ્ટ દેખાય છે. તે કહે છે, પહેલાંના સમયમાં માત્ર બાહ્ય દેખાવ જ સુંદરતાનું માપદંડ મનાતો હતો. અમુક રીતના કપડાં પહેરવા અને અમુક રીતે તૈયાર થવું એ સુંદર ગણાતું. આજે આપણે આ વિચારસરણીથી આગળ વધી ગયા છીએ, આપણે સમજી શકીએ છીએ કે, આ પ્રમાણો કરતાં સુંદરતા ઘણી વિશાળ અને ઉંડી બાબત છે. વાસ્તવમાં તમારી અંદરની ખુશી જ તમને વધુ સુંદર બનાવે છે.
છેલ્લા બે વર્ષની ફિલ્મો જુઓ તો દીપિકાની દરેક ફિલ્મો બોક્સ ઓફિસ પર તો સફળ ગઇ જ છે, તેના અભિનયને પણ લોકોએ વખાણ્યો છે. પછી તે સુજીત સરકારની ફિલ્મ ‘પિકુ’ હોય કે ‘બાજીરાવ મસ્તાની’ તેણે હોલિવુડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. ‘ફેમિના’ના ‘મોસ્ટ બ્યૂટીફૂલ લિસ્ટ’માં સ્થાન મેળવનાર દીપિકા આ અંગે કહે છે, ‘આ સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. ’
જાણીતા બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદૂકોણ અને ઉજ્જલાની પુત્રી એવી દીપિકાનો બેંગ્લોરમાં તેના શાળાના આભ્યાસ વખતથી બેઝબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ જેવી રમતગમતની તાલીમ સાથેનો શિસ્તબદ્ધ ઉછેર થયો. તેણે ભરતનાટ્યમની પણ તાલીમ લીધી. જો તેની સ્પોર્ટ્સવેરની પસંદગીથી માંડીને તેની રેડ કાર્પેટ સ્ટાઇલની વાત કરીએ તો દીપિકા હંમેશા સહજ અને બહુ ભપકદાર ન હોય તેવો જ દેખાવ પસંદ કરે છે.
દીપિકા માને છે કે, પોતાના પોશાકમાં તે કમ્ફર્ટેબલ અને કોન્ફિડેન્ટ હોય ત્યારે જ તે બેસ્ટ દેખાય છે. તેનું માનવું છે કે, ‘તમારી અંદરની ખુશી જ તમને વધુ સુંદર બનાવે છે.’ અહીં દીપિકા વિવિધ પાસાંઓ અંગે તેમના વિચારો રજૂ કરે છેઃ
• સુંદરતા વિશે...
જ્યારે હું સ્કૂલમાં હતી, ત્યારે બાહ્ય દેખાવ જ સુંદરતાનું પ્રમાણ મનાતો હતો. અમુક રીતના કપડાં પહેરવા અને અમુક રીતે તૈયાર થવું એ સુંદર ગણાતું. આજે આપણે આ વિચારસરણીથી આગળ વધી ગયા છીએ, આપણે સમજી શકીએ છીએ કે, આ પ્રમાણો કરતાં સુંદરતા ઘણી વિશાળ અને ઉંડી બાબત છે.
• બ્યૂટી આઇકોન વિશે...
પ્રિન્સેસ ડાયેના. તે માત્ર સુંદર જ નહોતી પણ તેના અંગત જીવનમાં અનેક ચઢાવઉતાર આવ્યા છતાં તેની આસપાસ શાલીનતા અને શાંતિનો એક અનોખો ઓરા હતો. તેના કામ અને તેના વ્યક્તિત્વની હું હંમેશા પ્રશંસક રહી છું.
• પહેલા મેક અપ વિશે...
બેંગ્લોરની સ્થાનિક ક્લબમાં ભરતનાટ્યમના મારા પર્ફોર્મન્સ વખતે મેં પહેલી વખત મારી મમ્મીના મેક અપનો ઉપયોગ કરેલો. મારી મમ્મીને બહુ સારો મેક અપ કરતાં આવડે છે, એની પાસેથી જ હું શીખું છું, એની ટિપ્સથી તો ઘણી વખત મારા મેક અપ આર્ટીસ્ટ્સને પણ આશ્ચર્ય થાય છે. ખરેખર તો એ સમયથી ઘણી આગળ હતી. અમે નાના હતા ત્યારે મારી મમ્મી બ્લ્યૂ આઈશેડો અને બ્લ્યૂ મસ્કરા લગાવતી હતી!
મને મેક અપ કરવા મળે એવી તકની હું રાહ જોતી રહેતી, જેમ કે ગાલ પર થોડું બ્લશર, પણ મને કોઇ ચસકો નહોતો લાગ્યો. એક ખેલાડી હોવાને કારણે મારું જીવન શિસ્તબદ્ધ હતું. હું નાની હતી, તો પણ. મેં ક્યારેય મેક અપ લગાવીને અરીસા સામે જોઇને નખરા નથી કર્યા.
• હેર સ્ટાઇલ વિશે...
અમે ફેમિલી વેકેશનમાં બહામાઝ ગયેલાં ત્યારે જ માત્ર મેં અને મારી બહેને થોડી સ્ટાઇલ ચેન્જ કરેલી. અમારા કપડાં સાથે મેચ થાય એવી થોડી બ્રેઇડ્ઝ અને હેર બેન્ડ્ઝ લગાવેલા. હા, હું મોટી હતી, એટલે મને મારી બહેન કરતાં થોડી વધારે છૂટ મળેલી.
• બ્યુટી કેર વિશે...
મને મારી ત્વચા અને વાળ સાથે વધારે અખતરા કરવા નથી ગમતા. દિવસ દરમિયાન હું માત્ર મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન જ લગાવું છું. ઘેર આવીને હું બેબી વાઇપ્સથી મારો મેક અપ દૂર કરુ છું અને માત્ર નાઇટ ક્રીમ લગાવું છું. હું પૂરતું પાણી પીઉં છું, જેથી સ્કીન હાઈડ્રેટ રહે. એ સિવાય હું વિશેષ કશું કરતી નથી.
• ઘરેલૂ નૂસખા વિશે...
હું અઠવાડિયામાં એક વખત વાળમાં કોપરેલથી મસાજ કરું છું.
• ડાયટ પ્લાન વિશે...
હું દર બે કલાકે કશુંક ખાઉં છું. હું સપ્લિમેન્ટ્સ લેવામાં નથી માનતી. હું માત્ર કુદરતી આહાર લેવાનો જ આગ્રહ રાખું છું. આ બાબત હું મારા પપ્પા પાસેથી શીખી છું, જે હંમેશા બેસ્ટ શેઇપમાં રહે છે, કોઇ પ્રકારના સપ્લિમેન્ટ્સ પર આધાર રાખ્યા વિના.
અને છેલ્લે, કો-એક્ટર્સ પાસેથી કાયમ સાંભળવા મળતું એક કોમ્પ્લિમેન્ટ... ‘ઓહ માય ગોડ, યુ આર સો ફીટ.’