બ્રિસ્બેન: મા તે મા, બીજા બધા વગડાના વા, ઇશ્વર બધે જ હાજર નથી રહી શકતો માટે તેણે માતાનું સર્જન કર્યું છે... આવી બધી ઉક્તિઓનો અર્થ સમજવા માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની આ માતાના સંતાનપ્રેમ વિશે જાણવું જ રહ્યું.
૪૩ વર્ષીય નિકી એન્ટ્રમ દિવ્યાંગ તથા દૃષ્ટિહીન દીકરા જિમી (૨૬)ને પીઠ પર ઊંચકીને અડધી દુનિયામાં ફેરવી ચૂકી છે. નિકી સનશાઈન કોસ્ટની એફએમ ચેનલ્સમાં કામ કરી ચૂકી છે. દીકરા પર ધ્યાન આપવા, તેની સાથે સમય પસાર કરવા અને તેને દુનિયા દેખાડવા માટે હવે તે પાર્ટટાઈમ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી રહી છે. તે કહે છે કે મેં દીકરાને સારું જીવન આપવાનો વાયદો કર્યો હતો, એટલા માટે મારો ખભો જ પૂરતો છે. વાંચો માતા-દીકરાની અનેરી કહાણી, નિકીના જ શબ્દોમાં...
‘જિમીના જન્મના સમયે હું ફક્ત ૧૭ વર્ષની હતી. તે જન્મથી જ દૃષ્ટિહીન છે. છ મહિના બાદ તેની દિવ્યાંગતાની તેમજ તેની વાઇની બીમારીની જાણ થઈ. આ કારણોસર તેના શરીરનો યોગ્ય વિકાસ ન થયો. આ અંગે પહેલીવાર ખબર પડી ત્યારે તો હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. આ આઘાતમાંથી બહાર આવવામાં સમય પણ લાગ્યો. સિંગલ મધર હોવાથી પણ મારા માટે પડકાર બહુ મોટો હતો.
આ પછી મેં માર જાતને, ખુદને પૂછ્યછયું કે જે જિમીએ ક્યારેય રેઈનબો નથી જોયું તે મારી સાથે હસે-રમે છે, મારી બતાવેલી વસ્તુઓ પર સ્મિત કરે છે તો હું કેવી રીતે દુ:ખી રહી શકું. બસ, મેં નક્કી કર્યું કે તેને એવું જ જીવન આપીશ જેવું અન્ય સામાન્ય બાળકોને મળે છે. એવું નથી કે તેની પાસે વ્હિલચેર નથી પણ મને ખભા પર લઈને ફરવું પસંદ છે. હું થોડુંક અંતર જિમીને પણ કાપવા કહું છું. મુશ્કેલ માર્ગો પર તેને ઊંચકી લઉં છું.
હું તેને પીઠ પર ઊંચકી હવાઈથી બાલી તથા પેરિશર (ઓસ્ટ્રેલિયાનો બર્ફીલો પ્રદેશ)ના સ્કી સ્લોપ્સ પણ બતાવી ચૂકી છું. મેં વાયદો કર્યો હતો કે તેને સારું જીવન આપીશ. તેના માટે મારા શક્તિશાળી ખભા જ પૂરતાં છે. દીકરો ક્યારેય માતા માટે બોજો ન હોઈ શકે. અમારી સફરમાં હોટેલ, રેસ્ટોરાં અને એડવેન્ચર્સ હોય છે.
અનેકવાર અમને રોકાવા માટે ના પાડી દેવાય છે પણ મેં બેગ્સ સાથે જિમીને લઈને દૂર સુધી ચાલવાની પ્રેક્ટિસ કરી છે. હું બહુ જલદી તેને કેનેડા લઈ જવાની છું. તે મારી પ્રેરણા છે. તે મને પ્રત્યક્ષ ન જોઈ શકતો હોય પણ વિશ્વાસ છે કે તે અંતરમનના ચક્ષુઓથી તો મને જુએ છે. તેને રોજ નવા શબ્દો શીખવાડું છું જેથી તે પોતાની વાત સમજાવી શકે.’