રશિયા-યૂક્રેન યુદ્ધે માહોલ દુનિયાભરમાં હલચલ મચાવી છે. એક તરફ લોકો યૂક્રેન તરફ લાગણી દાખવી રહ્યાં છે તો બીજી તરફ રશિયા પર ફિટકાર વરસાવી રહ્યા છે. મેડિકલ સ્ટડી માટે દુનિયાભરમાં આગવી ઓળખ ઉભી કરનારા યૂક્રેનમાં હજારો વિદ્યાર્થીઓ ફસાયા હતા, અને આમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓ યૂક્રેનમાં અટવાયા હતા અને તેમના માતાપિતા વતનમાં ચિંતિત હતા. બધાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ હતો કે વતન પરત ફરશું કઇ રીતે? પરિવારજનોને મળી શકશું કે કેમ? આવી કફોડી પરિસ્થિતિમાં ભારત સરકાર વ્હારે પહોંચી. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત ભારતીયોનું એરલિફ્ટીંગ શરૂ થયું.
કોઈ અચાનક તારણહાર બનીને આવી ચડે અને તમને કલાકોમાં વતન પહોંચાડી દે તો? તો એ વ્યક્તિ તમારા માટે દૈવી શક્તિનો અવતાર બને અને આ વાત તમારા માટે ચમત્કાર બની જાય. ખરુંને? કચ્છની વતની એવી પાઇલટ દિશા ગડા પણ યૂક્રેનમાં વસેલાં ભારતીયો માટે આવી જ તારણહાર સાબિત થઇ હતી.
દિશા ગડા એર ઇન્ડિયાનું વિમાન લઇને યૂક્રેન ગઈ. વિમાન જ્યારે યુદ્ધગ્રસ્ત યૂક્રેનના કીવમાં આવેલા બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 148 કિલોમીટર દૂર હતું ત્યારે ભીષણ જંગ ચાલી રહ્યો હતો. ચોમેર સશસ્ત્ર જંગ ચાલી રહ્યો હતો ત્યારે બહુ મર્યાદિત રન-વેમાં જાંબાઝ દિશાએ પ્લેન લેન્ડ કર્યું. એટલું જ નહીં, ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને ભારત પરત ફરવા માંગતા 242 વિદ્યાર્થીઓને લઈને દિશા ગડા તમામ પ્રવાસીઓને સુરક્ષિત મુંબઈ એરપોર્ટ પહોંચાડ્યા. ચાલુ યુદ્ધમાં પ્લેનને લેન્ડ કરવું અને 242 વિદ્યાર્થીઓના રિસ્ક સાથે યુદ્ધની જ સ્થિતિમાં ભારત સુરક્ષિત પરત ફરવું એ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું હતું. સામાન્ય સંજોગોમાં પણ વાતાવરણ ખરાબ હોય ત્યારે પ્લેન ચલાવવું પાઇલટ માટે અઘરું હોય છે જ્યારે અહીં તો યુદ્ધગ્રસ્ત માહોલમાં જીવના જોખમે વિદ્યાર્થીઓને આબાદ વતન પરત લાવવાના હતા. આવું અઘરું કામ ગુજરાતની દીકરી અને કચ્છના તુંબડી ગામની દીકરી દિશાએ કરી બતાવ્યું છે.
દિશાના પિતાનું નામ જયેશભાઈ ગડા અને માતાનું નામ લીના ગડા છે. દિશા એર ઇન્ડિયામાં પાઇલટ તરીકે ફરજ બજાવે છે. દિશાએ એર ઇન્ડિયામાં જ પાઇલટ તરીકે ફરજ બજાવતા આદિત્ય મનુર સાથે લગ્ન કર્યાં છે અને મુંબઈમાં વસે છે.
યૂક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનું મિશન શરૂ કરવામાં આવ્યું. આ મિશનમાં દિશા ગડા પણ પસંદ કરવામાં આવી. એર ઇન્ડિયાનું પ્લેન જ્યારે યૂક્રેન જવા રવાના થયું ત્યારે ચાર સિનિયર પાઇલટમાં દિશા પણ હતી. વિમાન જ્યારે યૂક્રેનના કીવમાં આવેલા બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 148 કિલોમીટર દૂર હતું ત્યારે રશિયા અને યૂક્રેનના સૈનિકો વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો હતો. આવી માહોલમાં દિશા ગડાએ વિમાનને ઓછી સ્પેસમાં નિયત કરેલા સ્થાન પર લેન્ડ કર્યું. માત્ર એક જ કલાકમાં 242 વિદ્યાર્થીઓને લઇને સહીસલામત પરત ફરવાનું કામ ખરેખર પડકારજનક અને જોખમભર્યું કામ હતું. આમ છતાં એ સાહસ તેણે ખેડયું અને વિશ્વમાં ચર્ચાસ્પદ થયેલા યુદ્ધની સાક્ષી બની. કચ્છી દીકરીને તેના સાહસ માટે સલામ!