હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જિલ્લામાં પપલાહ ગામમાં રહેતા મંશા દેવી વિશ્વનાં સૌથી ઉંમરલાયક મહિલા હોવાનું માન મેળવી શકે છે. આધાર કાર્ડમાં તેમનો જન્મ ૧૮૯૦ લખેલો છે એ ગણતરીએ તેમની ઉંમર ૧૩૦ વર્ષ થાય છે. હાલમાં જ્યારે તેઓ પોલિંગ બૂથ પર વોટ આપવા ગયા હતા ત્યારે હાજર કર્મચારી તેમની જન્મ તારીખ જોઇને દંગ રહી ગયો હતો. હવે આધાર કાર્ડને આધાર બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં દાવો કરવાની તૈયારી શરૂ થઈ છે. હાલ આ રેકોર્ડ જાપાનની મહિલા કેન તનાકાનાં નામે છે. તેમની ઉંમર ૧૧૮ વર્ષ છે.
મંશા દેવીનાં પરિવારમાં કોઈ શિક્ષિત નથી તેથી રેકોર્ડ માટે તેમની ઉંમર પર કોઈનું ધ્યાન ગયું નહોતું. મંશા દેવીએ કહ્યું કે, મારા ૬ સંતાન હતાં. તેમાંથી બે હવે આ દુનિયામાં નથી. મારા પરિવારમાં કોઈ વધારે શિક્ષિત નથી. આ કારણે મારી ઉંમર વિશે કોઈને ખબર ના પડી કે કોઈનું ધ્યાન પણ ના ગયું. તેમના એક દીકરાનું મૃત્યુ ૮૧ વર્ષે થયું અને મોટી દીકરીનું પણ મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. જો અત્યારે તેમની મોટી છોકરી જીવતી હોત તો તેની ઉંમર ૧૦૦ વર્ષ હોત. બિલાસપુરના ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે, તપાસ પછી જો મંશા દેવીની ઉંમર સાચી નીકળશે તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં દાવો કરીશું.