દુનિયાની પહેલી મિસ વર્લ્ડની 95 વર્ષની વયે નિધન

Tuesday 12th November 2024 08:25 EST
 
 

સેક્રેમેન્ટોઃ દુનિયાની સૌથી પહેલી મિસ વર્લ્ડ કીકી હેકન્સનનું નિધન થયું છે. કિકી 95 વર્ષનાં હતાં. કિકી હેકન્સને કેલિફોર્નિયા સ્થિત તેમના નિવાસસ્થાને ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. કિકીના પરિવારે ઓફિશિયલ મિસ વર્લ્ડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેમના મૃત્યુની જાણ કરી હતી. વિશ્વની પ્રથમ મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ 1951માં યોજાઇ હતી, જેમાં સ્વિડનમાં જન્મેલાં કિકી હેકન્સનના શિરે પ્રથમ વિજેતાનો તાજ મૂકાયો હતો.
લંડનમાં 29 જુલાઈ 1951ના રોજ લિસિયમ બોલરૂમ ખાતે બ્રિટન ફેસ્ટિવલ યોજાયો હતો, જેના બ્યુટી કોન્ટેસ્ટનો એક ઇવેન્ટ યોજાયો હતો. બાદમાં, સ્પર્ધા વૈશ્વિક બની હતી અને આમ કીકીની વિજયે મિસ વર્લ્ડ વારસાનો પ્રારંભ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી સત્તાવાર પોસ્ટમાં તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે અમે કિકીના પરિવારના તમામ સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારો પ્રેમ અને પ્રાર્થના પાઠવી રહ્યા છીએ.
કિકીના પુત્ર ક્રિસ એન્ડરસને પણ તેની માતાને ખરા અર્થમાં દયાળુ અને પ્રેમાળ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ઉષ્માપૂર્ણ સ્વભાવ અને ઉદારતા માટે જાણીતાં હતા અને તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
મિસ વર્લ્ડ પ્રેસિડેન્ટ જુલિયા મોર્લીએ પણ કીકીને અંજલિ આપતાં પોતાના વિચારો વ્યક્ત કરતાં લખ્યું હતું કે કિકી હેકન્સન એક સાચા આગેવાન હતા અને તેથી જ કિકીનું પ્રથમ મિસ વર્લ્ડ તરીકે ઈતિહાસમાં સ્થાન મેળવવું યોગ્ય હતું. મોર્લીએ જણાવ્યું હતું કે અમે હંમેશા માટે પ્રથમ મિસ વર્લ્ડ કિકી હેકન્સનની યાદમાં ઊજવણી કરીશું. તેઓ હંમેશા અમારા હૃદયમાં સ્થાન ધરાવતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter