દુપટ્ટા ડ્રેપિંગનો અંદાજ આપને બનાવશે આકર્ષક

Saturday 28th August 2021 06:03 EDT
 
 

આપણું વ્યક્તિત્વ ભલે ગમેતેટલું પ્રભાવશાળી હોય, પણ તેની સાથે સ્ટાઇલિશ ડ્રેસિંગ ન હોય તો બધું નકામું છે. સ્ટાઇલિશ ડ્રેસિંગ વ્યક્તિત્વને નિખાર આપે છે. જો પરંપરાગત ડ્રેસ સાથે દુપટ્ટાને સ્ટાઇલિશ રીતે પહેરવામાં આવે તો વ્યક્તિત્વ વધારે નિખરી જાય છે. ઘણી વખત ડ્રેસ સામાન્ય હોય પણ એનો દુપટ્ટો ખાસ સ્ટાઇલથી પહેરવામાં આવે તો મહિલાનો અંદાજ વધારે નીખરે છે તે વાત સાથે ભાગ્યે જ કોઇ અસહમત થશે. 

• કેપ જેવો દુપટ્ટોઃ આ સ્ટાઇલમાં દુપટ્ટાને કેપની જેમ ઓઢવામાં આવે છે. આમાં પાછળની તરફથી દુપટ્ટાને બંને ખભા પર નાખવાનો હોય છે. આને તમે પીન કરી લેશો તો સ્ટાઇલ નહીં બગડે. આ સ્ટાઇલ ખાસ છે કારણ કે આ રીતે દુપટ્ટો ઓઢવાથી ડ્રેસ કે બ્લાઉઝનો ફ્રન્ટ લુક સારી રીતે દર્શાવી શકાય છે. જો તમારા ડ્રેસ કે બ્લાઉઝ પર કોઇ ખાસ પેઇન્ટિંગ, ડિઝાઇન કે પેટર્ન હોય તો આ રીતે દુપટ્ટો પહેરવાથી સારો લુક મળે છે. આ સ્ટાઇલ લોકપ્રિય છે.
• શાલ સ્ટાઇલ દુપટ્ટાઃ પહેરવાની આ સ્ટાઇલમાં દુપટ્ટાને શાલની જેમ નાખવામાં આવે છે. દુપટ્ટાની આ સ્ટાઇલને જાળવવી પણ સહેલી છે. આ સ્ટાઇલમાં દુપટ્ટાને એક ખભા પર રાખીને બીજા છેડાને બીજા ખભા પર રાખવામાં આવતી સ્ટાઇલની જેમ ગોઠવવામાં આવે છે. આના કારણે મેસી લુક આવે છે. આ રીતે દુપટ્ટો રાખીને તમે પારંપરિક સ્ટાઇલથી અલગ જ લુક મેળવી શકો છો.
• દુપટ્ટા સાથે બેલ્ટઃ હાલમાં ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે બેલ્ટનો ઉપયોગ થઇ રહ્યો છે. પહેલાં તો માત્ર સાડી સાથે જ બેલ્ટ પહેરવામાં આવતો હતો અને હવે એને દુપટ્ટા સાથે પણ પહેરવામાં આવે છે. સ્ટાઇલિશ દુપટ્ટા સાથે બેલ્ટને બાંધવામાં આવે એ લુકને કલાકો સુધી જાળવી શકાય છે કારણ કે દુપટ્ટો બેલ્ટ સાથે બંધાયેલો હોય છે. આ સ્ટાઇલ માટે દુપટ્ટાની પાટલી વાળીને એને ખભા પર સેટ કરો. દુપટ્ટાનો એક છેડો આગળની તરફ અને બીજો છેડો પાછળની તરફ હોય છે. હવે આને વ્યવસ્થિત રાખીને એના પર બેલ્ટ બાંધી લો. લેટેસ્ટ ફેશન કરતી યુવતીઓને આ સ્ટાઇલ બહુ પસંદ પડે છે.
• હાથ-ખભા પર સજાવેલો દુપટ્ટોઃ આ સ્ટાઇલમાં દુપટ્ટો જમણા ખભા અને ડાબા હાથ વચ્ચે સજાવવામાં આવે છે. આવી રીતે પહેરેલો દુપટ્ટો બહુ સ્ટાઇલિશ લાગે છે. આવી રીતે દુપટ્ટો પહેરવાનું મુશ્કેલ પણ નથી. જ્યારે તમને ખબર ન પડતી હોય કે કઇ રીતે દુપટ્ટો પહેરવો ત્યારે આ સ્ટાઇલ સૌથી સારો અને યોગ્ય વિકલ્પ છે. આ રીતની દુપટ્ટાની સ્ટાઇલ બધા પર સારી લાગે છે.
• માથે ઓઢવાની સ્ટાઇલઃ આ સ્ટાઇલમાં દુપટ્ટો પહેલા માથા પર ઓઢવામાં આવે છે અને પછી એને બંને ખભા પર ગોઠવવામાં આવે છે. આ પછી એને હાથમાં સારી રીતે સજાવવામાં આવે છે. આ સ્ટાઇલમાં દુપટ્ટાનું સમગ્ર વર્ક, પેચવર્ક અને ડિઝાઇન સારી રીતે દેખાય છે.
• બે દુપટ્ટાવાળી સ્ટાઇલઃ બે દુપટ્ટાવાળી સ્ટાઇલ પહેરવામાં સારી છે અને હેવી લુક આપે છે. આ સ્ટાઇલ મોટાભાગે ટ્રેડિશનલ આઉટફિટ સાથે અથવા તો લગ્નપ્રસંગે કરવામાં આવે છે. વર્કવાળા લહેંગા સાથે આવી બે દુપટ્ટાવાલી સ્ટાઇલ બહુ સારી લાગે છે. આ સ્ટાઇલ માટે એક દુપટ્ટાની પાટલી વાળીને એને ખભા પર નાખી દો. બીજા દુપટ્ટાની પહોળી પાટલી વાળીને બંને હાથની કોણી પર પાછળથી ગોઠવી દો. થઇ ગઇ દુપટ્ટા સ્ટાઇલ તૈયાર.
• લેટેસ્ટ સ્ટાઇલઃ આ સ્ટાઇલમાં દુપટ્ટાની પાટલી વાળીને એક ખભા પર ગોઠવવામાં આવે છે. આ પછી દુપટ્ટાના એક છેડાને હાથના કાંડા પર બાંધી લેવામાં આવે છે. આ દુપટ્ટો ખસતો નથી અને આવી રીતે દુપટ્ટો પહેરીને સરળતાથી ડાન્સ કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter