સામાન્ય રીતે દુપટ્ટો, ઓઢણી, છેડોથી આપણે જેને ઓળખીએ છીએ તે ઉપવસ્ત્રથી દરેક યુવતી અને સ્ત્રીઓ અજાણી નહીં હોય. જોકે આધુનિક યુગમાં ઘણા એવાં આઉટફિટ્સ છે કે જેણે દુપટ્ટાની જગ્યા લઈ લીધી છે અને દુપટ્ટાને કેટલાક પરિધાન માટે બાય બાય કહેવામાં આવે છે. સામાન્ય ગૃહિણીઓ લસરતા લહેરાતા દુપટ્ટાથી કંટાળી જાય છે ત્યારે દુપટ્ટાને મેનેજ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળે એવા કેટલાક પ્રયોગ ફેશન વર્લ્ડમાં થયા છે. પ્રોફેશનલ લાઈફમાં કે વારે તહેવારે પ્રસંગે ફંક્શન્સ કે પાર્ટીમાં દુપટ્ટો અડચણરૂપ બને છે. અહીં કેટલાક એવા આઇડિયાઝ છે જેનાથી દુપટ્ટાને બાય બાય કહીને સ્ટાઇલિશ પણ દેખાશો. તમે સલવાર સૂટ કે લહેંગા પહેરતાં હો ત્યારે સામાન્ય રીતે દુપટ્ટો નાખવામાં આવે છે, પરંતુ દુપટ્ટો નાંખ્યા વિના પણ સ્ટાઇલિશ દેખાઈ શકાય છે. ઘણી સ્ત્રીઓને કે યુવતીઓને દુપટ્ટો નાંખ્યા વિના જોકે બહાર નીકળવાનો સંકોચ થતો હોય તો આ આઇડિયાઝ અજમાવી શકાય છે.
બ્લેઝર
પાર્ટી કે ફંક્શનમાં લહેંગાની ઉપર ટ્રેડિશનલ જેકેટ પહેરી શકાય. એ તમારા આઉટફિટના જ કલરનું અથવા તો કોન્ટ્રાસ્ટ કલરનું પસંદ કરી શકાય. કોઈ પણ જાતના વર્કવાળું જેકેટ કોઈ પણ ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દેશે. તમે ઇચ્છો તો લહેંગા જેવી જ એમ્બ્રોઇડરી એના પર કરાવી શકો.
વોલ્યુમવાળા આઉટફિટ્સ
તમે જે પણ ડ્રેસ બનાવડાવો કે પસંદ કરો એ વોલ્યુમવાળા પસંદ કરો. વોલ્યુમવાળામાં ફેન્સી અસ્તરથી માંડીને ડ્રેસની ઉપર જ સ્ટીચ કરેલું શ્રગ, બ્લેઝર કે કોટી કે પછી કોઈ પણ ડિઝાઈન આવી ગઈ. માત્ર ખભે અને પછી છેક ડ્રેસની લંબાઈની નીચેના ભાગે સ્ટીચ કરેલા વિવિધ આકાર, ડિઝાઈન કે મટીરિયલમાંથી બનાવેલા આઉટફિટ ઈનટ્રેન્ડ છે.
ક્રોપ ટોપ્સ
લહેંગા હોય કે ઘેરદાર સ્કર્ટ – તમે એની સાથે ચોક્કસ જ ક્રોપ ટોપ પહેરી શકો. પાર્ટી કે અન્ય ટ્રેડિશનલ પ્રસંગે જ્યારે તમે લુકમાં મોડર્ન ટ્વિસ્ટ મેળવવા ઇચ્છતા હો ત્યારે ક્રોપ ટોપ્સ પરફેક્ટ છે. ફ્લોરસ પ્રિન્ટથી માંડી પ્લેન ક્રોપ ટોપ પસંદ કરી શકાય. લાઇટ ગ્રીન વીથ નેટ, ટેન્ગી ઓરેન્જ, સ્કુબા બ્લ્યૂ, પેસ્ટલ પિન્ક જેવા કલર કોમ્બિનેશન ટ્રાય કરો. હેવિ ઈયરિંગ્સ પોલકી માગ ટીકા, પોનીટેલ સાથે લુક કમ્પ્લિટ કરો. જો તમને પેટ દેખાય એ પસંદ ન હોય તો સ્કર્ટ કે લહેંગા થોડા ઉપરથી પહેરો.
શોર્ટ – મીડિયમ – લોંગ જેકેટ્સ
તમે બ્લાઉઝ, ક્રોપ ટોપ અથવા કુર્તા જેવા અપર વેર સાથે કોઈ પણ સંકોચ વગર જેકેટ પહેરી શકો. જેકેટ ક્લાસી લાગે છે અને એની સાથે દુપટ્ટાની જરૂર પડતી નથી. વેઇસ્ટકોટ્સ અને અનારકલી સાથે લોંગ જેકેટ સારું લાગે છે. બારીક એમ્બ્રોઇડરીથી હેવી બીડવર્કવાળા જેકેટ્સ સુંદર ભરતકામ સાથે અનેક વેરાયટીમાં મળે છે. એ ચોક્કસ જ તમને બધાથી અલગ પાડશે.
મિરર વર્ક કે એમ્બ્રોઇડરીવાળા કુર્તા
જો તમે કંઈક અલગ જ કરવા ઇચ્છતાં હો તો લોન્ગ કુર્તા પહેરો. અસ્તરમાં ડિઝાઈનર કાપડ જ વાપરરી અને ઉપર મિરર વર્ક કે એમ્બ્રોયડરીવાળા કુર્તા સુંદર લાગશે. એન્કલ લેન્થના લોન્ગ કુર્તા સ્કર્ટ અને પલાઝો સાથે સારા લાગે છે. તમારા આઉટફિટને વધુ આકર્ષક બનાવવા માટે ક્રિસ્ટલ વર્ક, મિરર વર્ક (આભલા) અથવા એમ્બ્રોઇડરીવાળા કુર્તા પસંદ કરો. આ સિવાય તમે ડબલ લેયર કુર્તા પણ પહેરી શકો. એની સાથે ચંકી ઈયરિંગ્સ, બોલ્ડ નેકલેસ અને બંગડી પહેરી શકાય.
પેન્ટ્સ, જીન્સ સાથે લોંગ કુર્તા
ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન વેરમાં દુપટ્ટાને સ્થાન જ નથી. હાઇવેસ્ટેડ જીન્સ અથવા સ્કીની ફિટ પેન્ટસ સાથે લોંગ, સેન્ટર સ્લિટ કુર્તા પહેરો. ડેન્ગલર્સ, પાયલ અને બોલ્ડ નેકપિસથી લુક નિખારો. એની સાથે મેચિંગ પંપ્સ અને સ્ટીલેટોસ પહેરવાનું ભૂલશો નહીં.
કેપ ડિઝાઈન
જો તમને દુપટ્ટા વિના ચાલતું ન હોય તો એના વિકલ્પ તરીકે કેપ ડિઝાઈન પરફેક્ટ ચોઇસ છે. એ આઉટફિટને ગ્રેસ તો આપે છે. દુપટ્ટાની જેમ તમારા ખભાની આજુબાજુ પણ રહે છે. તમે જે ઇન્ડિયન વેર પહેરતાં હો તેને અનુરૂપ યોગ્ય સાઇઝ – સોર્ટ, મીડિયમ કે લોંગ કેપ ડિઝાઈન પસંદ કરો. તમે તમારા દુપટ્ટાને બ્લાઉઝ સાથે સ્ટીચ કરાવીને કેપ પણ કરાવી શકો. તમને દુપટ્ટો નાંખ્યો હોય એવું પણ લાગશે.
અનારકલી લહેંગા
તમે સ્ટાઇલિશ છતાં એલિગન્ટ દેખાવા ઇચ્છતા હો તો અનારકલી લહેંગા પસંદ કરો. તમે ફ્લોર લેન્થ અનારકલી પણ પસંદ કરી શકો. કલર, ડિઝાઇન અને ફેબ્રિક ધ્યાન રાખી પસંદ કરો.
અંગરખા
કેટલીક યુવતીઓ દુપટ્ટા વિના અંગરખા પહેરવાનું પસંદ કરે છે. અંગરખાનું ફેબ્રિક સિલ્ક અથવા પોલીકોટન હોય તો વધારે સ્ટાઇલિશ અને ફેબ્યુલસ લુક મળે છે. કમ્પ્લિટ ઇન્ડિયન લુક માટે અંગરખા સાથે ઝુમખા અને જૂતી પહેરો.
નેકપિસ
દુપટ્ટો નાંખવો ન હોય તો બીજો એક ઉપાય છે સ્ટાઇલિશ નેકલેસ પહેરો. નેકપીસ તમારા આઉટફિટની શોભા તો વધારશે જ પરંતુ સાથે તમે સ્ટાઇલિશ પણ લાગશો.