દુબઇઃ યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમની પુત્રી શેખ માહરા બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમે તેના પતિ શેખ માના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મક્તમને ત્રણ તલાક આપી દીધા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિસ્ફોટક પોસ્ટ દ્વારા તલાકની જાહેરાત કરી હતી. બન્નેના નિકાહ ગત વર્ષે મે મહિનામાં થયા હતા. શેખ માહરાએ દીકરીને જન્મ આપ્યાના બે મહિનામાં જ આ પગલું ભર્યું છે, જે માટે શેખ માનાના લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનું મનાય છે.
શેખ માહરાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ મતલબનો સંકેત આપતા લખ્યું હતું કે, ‘ડિયર હસબંડ, તમે અન્ય સાથીઓ સાથે વ્યસ્ત છો તેથી હું આપણા તલાક જાહેર કરું છું. હું તમને તલાક આપું છું, હું તમને તલાક આપું છું, હું તમને તલાક આપું છું. ટેક કેર. તમારી પૂર્વ પત્ની.’
શેખ માહરાએ ઇન્સ્ટાગ્રામ પરથી તેના પતિ સાથેના તમામ ફોટોઝ પણ હટાવી દીધા છે. શેખ માના અમિરાતની ટોચની બિઝનેસમેન છે. આ વર્ષે મે મહિનામાં શેખ માહરાએ દીકરીને જન્મ આપ્યા બાદ હોસ્પિટલના બેડ પરથી જ કેટલીક તસવીરો શેર કરી હતી અને ડોક્ટરનો તથા હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. જોકે તેમાંથી પતિ સાથેનો ફોટો શેખ માહરાએ હવે હટાવી દીધો છે. નિકાહ સેરેમનીના પાંચ મહિના બાદ શેખ માહરાએ પોતે પ્રેગ્નન્ટ હોવાનું જાહેર કર્યું હતું.
શેખ માહરા પોતે પણ ઘણા બિઝનેસ સંભાળે છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે આટલી ચર્ચામાં અને આટલી સક્રિય રહેતી ઇસ્લામિક જગતની ગણીગાંઠી મહિલાઓ પૈકી એક છે. તે દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમના 26 સંતાનો પૈકી એક છે. તેની માતા ઝો ગ્રિગોરાકોસ ગ્રીસની વતની હતી. તેની માતા પણ હવે તેના પિતાથી અલગ થઇ ચૂકી છે. શેખ માહરા તેની માતાની નિકટ છે અને ઘણીવાર તેની સાથેની તસવીરો શેર કરતી રહે છે.