ઝડપી અને અનિયમિત જીવનશૈલીના કારણે મહિલાઓની ત્વચા પર ઘણી અસર પડતી હોય છે. ત્વચાના નિખાર માટે આમ તો ઘણા કુદરતી અને ઘરેલુ નુસખા છે. આ પ્રકારના કેટલાક કુદરતી નુસખાની તો આડઅસર પણ હોતી નથી. તેથી ત્વચાને નિખારવા અને સુંદર દેખાવા માટે જ્યારે બ્યુટીપાર્લરમાં જવાનો સમય ન મળે ત્યારે આ પ્રકારના અકસીર નુસખા અજમાવવા જોઈએ. દૂધ અને કેસરનો ઘરેલુ નુસખો ત્વચાના નિખાર માટે સર્વશ્રેષ્ઠમાંથી એક ગણાવામાં આવે છે. આ નુસખો અપનાવવાથી ત્વચા એકદમ સ્વસ્થ, સુંવાળી અને ચમકીલી થઇ જાય છે. વળી કેસર કે દૂધની ત્વચા પર કંઈ આડઅસર પણ થતી નથી.
• જો તમે પોતાની સ્કિનની માવજત કરવા માટે વધારે સમય ફાળવી ન શકતા હો તો દૂધ અને કેસરનો ઉપયોગ ત્વચાના નિખાર માટે કરો. બે ચમચી દૂધમાં થોડા કેસરના ભૂકાને ઓગાળો. જો કેસરના પાન મળે તો ચારથી પાંચ પાન બે ચમચી દૂધમાં પીસી લો. દૂધથી ચહેરા ઉપર દસેક મિનિટ મસાજ કરો. પછી ચહેરો થોડીવાર એમ જ રહેવા દો. હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રકારે રોજિંદી મસાજ કરવાથી તમારો રંગ નિખરવા લાગશે અને ચહેરો ચમકવા લાગશે.
• માત્ર કાચું દૂધ પણ ત્વચા માટે ટોનિકનું કામ કરે છે. એમાં કેસર ભેળવવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. કાચા દૂધ અને કેસરના ભૂકાને ભેળવીને ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરવાથી પણ ચહેરા પરના ખીલ ડાઘ ધબ્બા દૂર થાય છે. માત્ર આ મિશ્રણ ચહેરા પર રહેવા દો. સાફ પાણીથી ચહેરો ધોઈ લેવાથી પણ ચહેરો ખીલશે.
• દૂધ કેસર અને મધની મસાજ પણ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. બે ચમચી દૂધમાં એક નાની ચમચી મધ અને ચાર પાંચ કેસરના તેને ચહેરા ઉપર લગાવો. હળવા હાથે મસાજ કરો અને થોડીવાર માટે રહેવા દો. સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો. રોજ આ રીતે કરવાથી તમારા ચહેરો ચમકવા લાગશે અને ચહેરા પરના ડાઘા પણ દૂર થઈ જશે. તમારી જાણ ખાતર કે મધ એ ત્વચા માટે ટોનિકનું કામ કરે છે. મધ ખાવાથી અને લગાવવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે.