સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં આવેલા સિડની શહેર નજીકના ક્વિન્સલેન્ડમાં ૨૫મી નવેમ્બરે એક દૃષ્ટિહીન યુવતી સ્ટેફની એગન્યુ અને રોબી કેમ્પબેલના લગ્નમાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. લગ્નમાં આવેલા તમામ લોકોએ પોતાની આંખે પટ્ટી બાંધી હતી. જોકે બધાં આમ કરવા છતાં પણ ખુશ દેખાતા હતા. હકીકતે આંખે પટ્ટી બાંધવા માટે યુવતીએ જ અતિથિઓને વિનંતી કરી હતી. ૩૨ વર્ષની સ્ટેફની એગન્યુ ઇચ્છતી હતી કે લગ્નમાં તમામ લોકો એવો જ અનુભવ કરે જેવો તે પોતે અનુભવી રહી છે.
સ્ટેફનીની આ વિનંતીની કોઇએ ઉપેક્ષા કરી નહીં અને તમામ લોકો તેને સમર્થન આપવા માટે આંખો પર કાળી પટ્ટી બાંધી પહોંચ્યા હતા.
સ્ટેફનીએ ક્યારેય રોબને જોયો નથી. કેટલાક વર્ષો પહેલાં કોન ડિસ્ટ્રોફી નામની બીમારીના કારણે તેની આંખોની રોશની સંપૂર્ણપણે ચાલી ગઇ હતી. રોબ સાથે તેની પહેલી મુલાકાત આ દુઃખદ દુર્ઘટના બાદ થઇ હતી છતાં એક વર્ષ સુધી સાથે રહ્યા બાદ ૨૦૧૭ની નાતાલમાં રોબે-સ્ટેફની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રોબે આ લગ્નને ખાસ બનાવવા માટે જાણીતા ફોટોગ્રાફર જેમ્સ ડેનો સહારો પણ લીધો હતો અને આ લગ્ન ખરેખર યાદગાર બની રહ્યા.