ઉદ્યોગગૃહ રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીનાં પત્ની અને બિઝનેસ વુમન નીતા અંબાણી (ઉં ૫૬)ને તાજાતરમાં વર્ષ ૨૦૨૦ના વિશ્વના ટોચના સમાજસેવિકાઓની યાદીમાં સામેલ કરાયાં છે. અમેરિકાના અગ્રણી મેગેઝિન ટાઉન એન્ડ કન્ટ્રીના સમર ઇશ્યુમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ ૨૦૨૦ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરાયો છે. કોવિડ–૧૯ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જિંદગીઓ બચાવવા અને લોકો માટે આશાનું કિરણ બનવા બદલ તેમનો આ યાદીમાં સમાવેશ થયો છે. મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોને ભોજન પહોંચાડવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ–૧૯ હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના શ્રીમતી અંબાણીના કાર્યો અંગે મેગેઝિને પ્રકાશ પાડ્યો હતો. ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્દો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે.
ભારતમાંથી આવું સન્માન મેળવનારાં તેઓ એક માત્ર છે. નીતા અંબાણીએ આ સન્માન બદલ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લગ્ન પછી ૧૭ વર્ષ પછી તેઓ મુકેશનાં પત્ની બનીને રહ્યાં. ત્યાર પછી તેમણે જિંદગીના ઉદ્દેશ્ય ચકાસ્યા. તેમને ભણાવવું પસંદ છે. લગ્ન પછી પણ ભણાવતા હતા. હવે આ કામ રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ દેશમાં ચાલતી ૧૪ શાળાઓ અને ધીરુભાઇ અંબાણી સ્કૂલના માધ્યમથી આગળ વધારી રહ્યાં છે. તેઓ હેલ્થકેર, રમત, મહિલા સશક્તિકરણમાં કામ કરવાથી સાથે કળાના પ્રચાર – પ્રસાર પણ કરે છે.
મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ
નીતા મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા બિરલા જૂથમાં કામ કરતા હતા. તેઓ પાંચ વર્ષની વયથી જ ભરતનાટ્યમ્ શીખતાં હતાં. એક કાર્યક્રમ દરમિયાન ધીરુભાઇ અંબાણી અને કોકિલાબહેને નીતાને નૃત્ય કરતાં જોયાં અને પુત્ર મુકેશ માટે પસંદ કરી લીધાં. ૨૨મે વર્ષે તેઓ મુકેશ અંબાણીનાં પત્ની બન્યાં. લગ્નનાં ૮ વર્ષ પછી આઇવીએફ દ્વારા જોડિયા બાળકો અનંત અને ઇશાનો જન્મ થયો. આજે પણ કામની વ્યસ્તતા છતાં નીતા અને મુકેશ સાથે જ ડિનર કરે છે. રવિવારનો દિવસ બાળકો સાથે વીતાવે છે.
પોતે જ ઇન્ટરવ્યુ લઇ લોકોની પસંદગી કરે
૨૦૧૬માં ફોર્બ્સની યાદીમાં પાવરફુલ બિઝનેસવુમન તરીકે પસંદગી પામનારાં નીતા અંબાણી દિવસનાં ૧૧ કલાક કામ કરે છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક દરેક નાના-નાના કામમાં પણ તમામ પાસાંનો તેઓ ખ્યાલ રાખે છે. રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં કયું મશીન કઇ કંપનીઓમાંથી આવશે? ક્યા ડોક્ટર જોઇન કરશે? તે બધું પોતે પસંદ કરે છે. જોકે તેઓ કહે છે કે કોઇપણ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી તેમાં દખલ નથી દેતાં. તેઓ કહે છે કે દરેક ચીજ સિસ્ટમ પ્રમાણે હોવી જોઇએ. હોસ્પિટલમાં ડોક્ટર ઉપરાંત ૪૦૦ નર્સિંગ સ્ટાફનો ઇન્ટરવ્યુ પણ તેમણે જ લીધો હતો. ધીરુભાઇ અંબાણી સ્કૂલમાં કામ કરતા તમામ શિક્ષકોનાં ઇન્ટરવ્યુ પણ નીતાએ પોતે લીધાં હતાં.
આઇપીએલ ટીમ સંભાળતા જટીમ જીતવા લાગી
નીતા વિશે કહેવાય છે કે તેઓ જે કામમાં લાગી પડે છે તેને પૂરું કરીને જ છોડે છે તેમની ક્રિકેટ અને મુંબઇ ઇન્ડિયન્સમાં કોઇ રુચિ નહોતી. બીજી સિઝનમાં એક મેચ દરમિયાન ટીમને હારતાં જોઇને તેમણે ટીમમાં રસ લેવાનું શરૂ કર્યું. ક્રિકેટને સમજવા એક વર્ષ સુધી ટી-૨૦થી લઇ કાઉન્ટી અને ક્લબ મેચ જોઇ. ટીમ સાથે જ પ્રવાસ શરૂ કર્યો. ખેલાડીઓને મોટિવેટ કર્યાં. મુંબઇ ઇન્ડિયન્સ અત્યાર સુધીમાં ૪ વાર આઇપીએલ જીતી ચૂકી છે.
દિનચર્યાની શરૂઆત નૃત્યથી
નીતા અંબાણીના દિવસની શરૂઆત રોજ સવારે ૭: ૦૦ વાગ્યે થાય છે. ત્યાર પછી તેઓ ૪૫ મિનિટ ભરતનાટ્યમ્ કરે છે. શાળા, હોસ્પિટલનું કામ સંભાળે છે. આઇપીએલ સિઝન દરમિયાન સ્ટેડિયમમાંથી જ બધું કામ સંભાળે છે. તેમનું સ્ટ્રેસ બસ્ટર નૃત્ય, સ્વિમિંગ અને બાળકો સાથે સમય વીતાવવો છે. નૃત્ય તેમના માટે મેડિટેશન જેવું છે. તેઓ કહે છે કે નૃત્ય તેમને ઇશ્વર સાથે જોડે છે. તેમને ઘી વિનાના થેપલા પસંદ છે. રવિવારે સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી ઢોંસા ખાય છે.
• જન્મઃ ૧લી નવેમ્બર ૧૯૬૩ (મુંબઇ)
• શિક્ષણઃ બેચરલ ઇન કોમર્સ (નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ), ડિપ્લોમા (અર્લી ચાઇલ્ડ હૂડ એજ્યુકેશન)
• પતિઃ મુકેશ અંબાણી
• પિતાઃ સ્વ. રવિન્દ્ર દલાલ
• માતાઃ પૂર્ણિમા દલાલ
• સન્માનઃ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ, પ્રથમ ભારતીય ટ્રસ્ટી - મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - ન્યૂ યોર્ક, ૨૦૧૭, બેસ્ટ કોર્પોકેટ પ્રમોટર ઓફ ઇન્ડિયન સ્પોર્ટ્સ
• જવાબદારીઃ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ બોર્ડ ઓફ ઇઆઇએચ લિમિટેડ (ધ ઓબેરોય ગ્રૂપ)
• ફાઉન્ડર અને ચેરપર્સનઃ રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, ફૂટબોલ, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ, એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર.
• બોર્ડ ઓફ વિઝિટર્સઃ એમ ડી એન્ડરસન કેન્સર સેન્ટર, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ
• એડવાઇઝરી બોર્ડઃ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ
• કો-ઓનરઃ આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ
• મેમ્બરઃ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (૨૦૧૬માં સભ્યપદ, ૭૦ વર્ષની વય સુધી મેમ્બર રહેશે)