આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઝવરેચંદ મેઘાણીનું કાવ્ય ‘ચારણ કન્યા’ ગુજરાતી લોકજીવનમાં અમર સ્થાન ભોગવે છે. 1928માં ખજૂરી નેસમાં સિંહે ગાય પર હુમલો કર્યો અને 14 વર્ષની હીરબાઈ નામની કન્યાએ તેને ભગાડી મુક્યો એ ઘટના પરથી આ લાંબુ કાવ્ય લખાયું હતું. હવે એ કાવ્યની ઘટના આપણી નજર સમક્ષ તાદશ રજૂ થાય એવુ સ્મારક મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકામાં તૈયાર થયું છે. કુલ મળીને અહીં 30 જેટલા શિલ્પો તૈયાર કરાયા છે, જેથી લગભગ સદી પહેલાની એ ઘટના આજના ઓડિયો-વિઝ્યુલ યુગમાં ઓડિયો-વિઝ્યુલ રીતે જ સહુ કોઇ સમજી શકે. ધંધુકાના ઐતિહાસિક રેસ્ટ હાઉસમાં ઉભું થયેલું આ સ્મારક 9મી માર્ચે, મેઘાણીની પુણ્યતિથિએ ખુલ્લું મુકાયું છે. આ ઘટનાપ્રસંગ ગુજરાતી સાહિત્યજગત માટે તો ગૌરવની ઘડી ગણી શકાય, પણ મહિલા દિવસે જ એક બહાદુર બાળકીનું આ રીતે સન્માન થઈ રહ્યું છે તેની પણ નોંધ લેવી રહી.