નેઇલ પોલિશ અને નેઇલ આર્ટમાં આમ તો વિવિધ ટ્રેન્ડ આવતાં જ રહે છે. ક્લિયર, ક્રિસ્ટલ, એક્રિલિક – ટ્રાન્સપરન્ટ વગેરે વગેરે. જોકે જેલી નેઈલ આર્ટ માનુનીઓમાં વિશેષ પ્રિય છે. નેઇલ પોલિશ અને નેઇલ આર્ટ માટે જોકે તમારા નખની સંભાળ રાખવી ખૂબ મહત્ત્વની બની જાય છે. નેવુંના દાયકાથી જેલી નેઈલ આર્ટનો ક્રેઝ વધ્યો છે. નેઈલ આર્ટ જેમને ગમે છે તે યુવતીઓ અને મહિલાઓ જેલી ટ્રાન્સપરન્ટ નેઈલ આર્ટ પસંદ કરે છે. એ જ ફેશન જેલી નેઇલ આર્ટ અત્યારે પણ ટ્રેન્ડી છે. જેલી નેઇલ લુક માટે રેઇનબો જેલી, ઓમ્બ્રે બેઝ અને વિવિધ ભૌમિતિક આકારના પ્રયોગ થાય છે. જેલી નેઇલ આર્ટ ઓફિસ જતી માનુનીઓ કે પાર્ટીમાં મહાલતી મહિલાઓમાં ઘણી વિખ્યાત છે.
નેઈલ આર્ટની પદ્ધતિ
- જેલી નેઇલ આર્ટ કેવી રીતે કરી શકાય એ માટેની ટીપ્સ જોઈએ તો આ નેઈલ આર્ટ માટે સૌથી પહેલાં તમારા ઓરિજિનલ નેઈલની શાઇનિંગને દૂર કરવા ડ્રાય મેનિક્યોર જરૂરી છે.
- આ આર્ટ માટે નખને ફાઇલિંગ કરી ક્યુટિકલ્સને દૂર કરવામાં આવે છે.
- નખ પર કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ ચોંટાડવી હોય તો નખની સરફેસ રફ હોવી જોઈએ. નખને રફ કરો એટલે ઓઇલ છૂટશે. ઓઇલને રિમૂવ કરવા નખને ડિહાઇડ્રેટ કરવા પડશે. દા.ત. જેમ દીવાલ પર રંગરોગાન કરતાં પહેલાં પ્રાઇમર લગાવવામાં આવે છે એ જ રીતે નખ પર લગાવવાનું પ્રાઇમર આવે છે. એ લગાવી સૂકવવા દેવું પડે. આ પદ્ધતિ દરેક નેઇલ આર્ટ માટે છે.
- જેલી આર્ટ માટે રફ સરફેસ પર બેઝ કોડ લગાવી લેમ્પ નીચે સૂકવવામાં આવે છે.
- એ પછી પસંદ કરેલી નેઇલ પોલિશનું પાતળું લેયર લગાવવું અને એ પછી ફરી લેમ્પ નીચે હાથ મૂકી રાખવા.
- નેઈલ પોલિશનું બીજું લેયર લગાવવું એ પછી પણ તેને સુકવવા ઉપરોક્ત પદ્ધતિ અપનાવવી.
- છેલ્લે ટોપ કોટ પર ડિઝાઇન કરી એને લેમ્પ નીચે રાખી સુકવવું. તેથી નખ સંપૂર્ણપણે સુકાઈ જાય.
- ટોપ કોટની જેલ પોલિશને સીલ કરવાનું કામ આ લેમ્પ લાઇટ જ કરે છે.
- નખને ડેકોરેટ કરવામાં અડધા કલાક જેટલો સમય લાગે છે. જેલી નેઇલ પોલિશમાં બે પ્રકારના કલર્સ આવે છે. એક ગ્લાસ પેઇન્ટિંગ જેવી ઇફેક્ટ આપે છે અને બીજો ટ્રાન્સપરન્ટ જેલી જેવો લુક આપે છે.
- જેલી નેઇલ પોલિશ એવી ટેક્નિક છે કે એ લાઇટ વગર તે સુકાય નહીં. આ નેઈલ આર્ટને ફોલો કરવા તમારી પાસે લેમ્પ વાપરવા સિવાય બીજા વિકલ્પ નથી. આ લેમ્પ પણ ખાસ પ્રકારના હોય છે. લેમ્પની અંદર બ્લુ કલરની લાઇટ ગોઠવેલી હોય છે અને તેમાં ૨૪થી ૪૮ સુધીના વોલ્ટનું સેટિંગ હોય છે. જેનાથી નખને સુકવવામાં આવે છે. આ સિસ્ટમ પ્રમાણે કાળજીથી કામ લેવું પડે છે. જે રીતે તમારા કુદરતી નખની સંભાળ રાખો છો એ જ રીતે કાળજી રાખો તો ત્રણ અઠવાડિયાં સુધી નેઈલ આર્ટમાં કોઈ વાંધો આવતો નથી.
- કોઈ પણ નેઈલ આર્ટ વખતે ધ્યાન રાખવું કે નેઈલ આર્ટ કર્યા પછી નખ વડે કંઈ ખોતરવું નહીં, નખ તૂટે નહીં તેનું પણ ધ્યાન રાખવું. જોકે આ આર્ટનો ઉપયોગ કર્યો હોય તો પણ રોજિંદા કામકાજ સહેલાઈથી કરી શકો છો. યુવી અથવા એલઈડી ઇફેક્ટના કારણે આમ તો કંઈ આડઅસર થતી નથી છતાં નેઈલ આર્ટ માટે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.