પૌરાણિક યુગથી માંડીને આધુનિક યુગ સુધી મહિલાઓ શૃંગાર માટે સોળ શણગાર અને તેના સાધનોનો ઉલ્લેખ થતો આવ્યો છે. શણગારની રીત અને સાધનોમાં આધુનિક યુગ પ્રમાણે પરિવર્તનો આવ્યાં છે, પણ અંતે તો પરિવર્તન પણ શણગાર કરવાને સરળ બનાવવા માટે જ થયાં હોય છે. આજ સુધી શરીરના જુદા જુદા અંગો નાક, કાન, હાથ, પગ, આંગળીઓ, કપાળ, કમર માટે શણગાર પ્રચલિત છે. અત્યાર સુધી હાથ કે પગની બધી જ આંગળીઓનાં નખને એક જ રંગની નેઇલ પોલિશથી સજાવવામાં આવતાં. હવે નખને પણ અલગ અલગ નેઈલ પોલિશ કરવામાં આવે છે અને નખ માટે પણ સ્પેશ્યલ ઘરેણાં માર્કેટમાં મળી રહે છે. ભારતમાં આજકાલની મહિલાઓને મેનિક્યોરનો ઘણો શોખ છે.
હવે કોરિયા તેમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યો છે. નેઇલ બ્રેસલેટ દ્વારા હવે મહિલાઓનાં નખ માટે ઘરેણાં તૈયાર કરાયાં છે. જે આગામી સમયમાં નખની સુંદરતાની પરિભાષા બદલી નાંખશે. જોકે હાલમાં પણ ટુ ડી-થ્રીડી નેઇલ આર્ટ, હેન્ડ પેઇન્ટિંગ, એબસ્ટ્રેકટ, એમ્બોઝ, ફ્રેન્ચ મેનિકયોર, વોટર માર્બલ જેવી સ્ટાઇલથી નેઇલ આર્ટ મહિલાઓ અને યુવતીઓ કરાવી રહી છે.
આપણે કોઈના નખ પરની સુંદર ડિઝાઇન જોઈએ છીએ ત્યારે આપણને પોતાની સિમ્પલ પેઇન્ટ કરેલી નેઇલ-પોલિશ નથી ગમતી. માટે જો તમારે પણ તમારા નખને સુંદર બનાવવા હોય તો જરૂર છે ફક્ત થોડી ધીરજ અને ક્રિએટિવ માઇન્ડની. કોઈ હાઇફાઇ નેઇલ-પાર્લરમાં જવું ન પરવડે તો આ બધું ઘેરબેઠાં જાતે પણ કરી શકાય છે.
ડિઝાઈન નક્કી કરો
સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારે નખ પર કઈ ડિઝાઇન બનાવવી છે. ખૂબ લોકપ્રિય અને સરળ એવી ડિઝાઇન્સ એટલે ફૂલ, પોલકા-ડોટ્સ, પટ્ટીઓ તેમ જ સિક્વન્સ લગાવવી. જો ડિઝાઇન કરતાં ન આવડતી હોય તો પહેલાં પેપર પર પ્રેક્ટિસ કરો, જેથી હાથ છૂટો થાય.
ટૂથપિકની જરૂર પડશે કે નહીં એ તમારી ડિઝાઇન પર આધાર રાખે છે, કારણ કે જો તમારે ઝેબ્રા જેવી સ્ટ્રાઇપ્સ બનાવવી હોય તો ટૂથપિક ખૂબ પાતળી પડશે. જ્યારે ફૂલો બનાવવા માટે નેઇલ-પોલિશના બ્રશના છેડાનો ભાગ પૂરતો છે.
વિવિધ ડિઝાઈન
એક સોલિડ કલરનો કોટ લગાવ્યા પછી નખને બરાબર સુકાવા દો. એ બરાબર સુકાયા પછી જ ડિઝાઇન કરવાની શરૂઆત કરો. ઘણા લોકો ફક્ત એકાદ આંગળી પણ ડિઝાઇન કરવાનું પસંદ કરે છે, જ્યારે ઘણાને દસેદસ આંગળીઓ ડિઝાઇનવાળી પસંદ હોય છે. હવે ઉદાહરણ માટે ફૂલોની ડિઝાઇનથી શરૂઆત કરીએ.
ફૂલની ડિઝાઇન કરવા માટે સૌથી પહેલાં નખની વચ્ચે એક કલરથી ટીપું મૂકો. ત્યારબાદ ધ્યાનથી બીજા કલરનાં કે એ જ કલરનાં નાનાં-નાનાં ટીપાં એ વચ્ચેના ટીપાની આજુબાજુ મૂકો. વધારે પડતી નેઇલ-પોલિશ બ્રશમાં ન હોવી જોઈએ, કારણ કે આનાથી એ આખા નખ પર રેલાઈ જશે અને જો આવું થાય તો સુકાવા પહેલાં તરત જ એને લૂછી નાંખવી, જેથી આખો નખ ન બગડે. એક વાર ફૂલ બની ગયા પછી તમે ટૂથપિક વાપરીને પાનની ડિઝાઇન બનાવી શકો છો.
પોલકા-ડોટ્સ ખૂબ સિમ્પલ છે. એ તો ફક્ત બ્રશ વડે પણ કરી શકાય છે અથવા ટૂથપિકની પાછળની બાજુ નેઇલ-પોલિશમાં ડુબાડી એનાથી પણ કરી શકાય. ફક્ત છૂટાં-છૂટાં ટપકાં જ તો મૂકવાનાં છે. આ રીતે બ્રશ વાપરીને જાડી પટ્ટીઓની ડિઝાઇન પણ બનાવી શકાય છે.
જો તમારે ટૂથપિક વાપરવી હોય તો પહેલાં નેઇલ-પોલિશના બ્રશ વડે ટૂથપિકના છેડાને ખૂબ લાઇટ રંગી લો. અહીં વધારે નેઇલ-પોલિશ ન લાગી જાય એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે ટૂથપિકથી કોઈ પણ ડિઝાઇન ખૂબ જ ધ્યાનપૂર્વક અને ધીરજથી કરવી પડે છે.
જે કોઈ ડિઝાઇન કરો, ધ્યાન રાખો કે ડિઝાઇન કરતાં પહેલાં નખ પર લગાવેલી નેઇલ-પોલિશ બરાબર સુકાઈ હોય. નહીં તો ભીની નેઇલ-પોલિશ પર ડિઝાઇન બરાબર નહીં થાય અને પછી એને સુકાવામાં પણ કલાકો જશે.
ઘરે પણ કરી શકો નેઈલ આર્ટ
નેઇલ આર્ટ ઘરે પણ થઇ શકે છે. આ માટે જુદા જુદા પ્રકારની નેઇલ આર્ટ આવે છે. નેઇલ આર્ટ સ્પેશ્યાલિસ્ટ રેખાબહેન શાહ કહે છે કે, હાલમાં ઘણી યુવતીઓ મને પ્રશ્ન કરે છે કે નેઈલ આર્ટ ઘરે કેવી રીતે કરી શકાય? ત્યારે હું તેમને નેઈલ આર્ટની વિવિધ પદ્ધતિઓ શીખવું છું. નેઈલ આર્ટ માટે સ્પેશ્યલ વર્કશોપમાં હું તેમને નખને સજાવવાની અલગ અલગ રીતો પણ શીખવું છું.
- સ્ટીકર એપ્લિકેશનઃ બેઝ કોટ લગાવ્યા બાદ નેઈલને પોલિશ કરવા, એ પછી પ્લકરની મદદથી થ્રી ડી સ્ટીકરને પકડીને નેઈલ પર એપ્લાય કરવું. આ પ્રકારના સ્ટીકર માર્કેટમાં અવેલેબલ છે આ સ્ટીકર લગાવ્યા પછી તેના પર ટ્રાન્સપરન્ટ ટોપ કોટ લગાવવો, તે ૧૦ થી ૧૫ દિવસ સુધી રહેશે. આ ઉપરાંત સાદા નેઈલ સ્ટિકર્સ પણ બજારમાં દરેક શેપ અને ડિઝાઇનમાં મળી રહે છે. દસે આંગળીઓમાં એકસરખી ડિઝાઇન બનાવવી અઘરી લાગે ત્યારે આ નેઇલ સ્ટિકર્સ ખૂબ કામના છે. લગાવવા માટે ફક્ત એટલું જ કરવાનું છે કે સ્ટિકરને એક ચીપિયાની મદદથી ઉપાડો અને નખ પર મરજી પ્રમાણે લગાવી દો. બસ, તૈયાર છે નેઇલ આર્ટ.
- સ્ટેમ્પિંગ નેઈલ આર્ટઃ આ માટે રેડિમેડ કીટ આવે છે, જેમાં એક ઇમેજ પ્લેટ હોય છે, એના પર ઓલરેડી કોતરણી કરેલી ડિઝાઇન હોય છે, એની સાથે સ્ક્રેપર અને સ્ટેમ્પ અને રબર પણ આવે છે. જે ડિઝાઈન જોઈએ તે ઈમેજ પ્લેટ પર પ્રેસ કરી તે રબર સ્ટેમ્પને નેઈલ પર રોલ કરી દો.
- ફોઈલ નેઈલ આર્ટઃ આ એક પ્રકારની ગ્લુ આર્ટ છે, જે ડિઝાઇન જોઇતી હોય એ ડિઝાઇનને ગ્લુ વડે એપ્લાય કરો. ત્યારબાદ એની સાથે આવેલા ફોઇલ પેપરને નેઇલ પર ચીપકાવી, થોડી વાર રહીને એને રિમૂવ કરી દો.
- ફ્રેન્ચ મેનિક્યોર: આ પદ્ધતિ આમ તો ખૂબ જૂની છે, પણ આજે પણ સાદગી સાથે સ્ટાઇલિશ રહેવા માગતા લોકોની પહેલી પસંદ ફ્રેન્ચ મેનિક્યોર ડિઝાઇન જ છે. આ ડિઝાઇનમાં નખના વધેલા ભાગ પર પોતાની ચોઇસ પ્રમાણે ચમકીલી કે પછી મેટ વાઇટ કલરની નેઇલ-પોલિશ કોઈ પાતળા બ્રશ કે નેઇલ આર્ટ પેન વડે લગાવો અને ત્યારબાદ એના પર કોઈ પણ લાઇટ શેડની ટ્રાન્સપરન્ટ દેખાતી નેઇલ-પોલિશ લગાવો. આ ફ્રેન્ચ મેનિક્યોર વધારે ફન્કી લુકવાળું ન હોવાથી કોર્પોરેટ ઓફિસ કે કોઈ પણ સામાન્ય પ્રસંગે સારું લાગે છે.
- નેઇલ જ્વેલરી: નેઇલ જ્વેલરી એટલે નખને પહેરાવવામાં આવતી જ્વેલરી. આમાં નખ પર લગાવવા માટેના કલરફુલ સ્ટોન્સ, ડાયમન્ડ્સ તેમ જ નખમાં કાણું પાડીને પહેરાવવામાં આવતી રિંગનો સમાવેશ થાય છે. સ્ટોન્સ અને ડાયમન્ડ લગાવવા માટે કોસ્મેટિક શોપમાં મળતો જુદા પ્રકારનો ગ્લુ વાપરવો. લગ્ન, રિસેપ્શન, પાર્ટી જેવા અવસરોમાં હેવી ડ્રેસ કે સાડી સાથે નખ પર ડાયમન્ડનું તેમજ સ્ટોનનું ડેકોરેશન ખૂબ આકર્ષક લાગે છે.
- નેઇલ પિયર્સિંગઃ નખમાં રિંગ પહેરવી હોય તો નખમાં કાણું કરાવવા માટે તૈયાર રહેવું પડશે. નખમાં કાણું કરવા માટે બજારમાં નેઇલ પિયર્સિંગ ટૂલ મળે છે જેનાથી નખ પર કાણું પાડી શકાય. આ માટે નખ થોડા વધારે મોટા હોવા જોઈએ. નખમાં કાણું કર્યા પછી એમાં બજારમાં મળતી નેઇલ રિંગ, ઘૂઘરી જેવી જ્વેલરી પહેરાવી શકાય. આવી નેઇલ જ્વેલરી બધી આંગળીઓમાં સારી નહીં લાગે, એટલે ફક્ત ટચલી આંગળી કે પછી રિંગ-ફિંગરમાં પહેરવી.
નખની સંભાળ રાખો
- નખ પર ઓલિવ ઓઇલ લગાડો. ઊંઘતા પહેલા નખ પર મોશ્ચરાઇઝર અને વિટામિન ઈ, બદામનું તેલ અને ઓલિવ ઓઇલ એપ્લાય કરો. નખ તૂટી ન જાય અને હેલ્ધી બને.
- નખને હેલ્ધી રાખવા માટે નખ ઉપર કાયમ નેઇલ પોલિશ લગાવીને ના રાખવી. નખને હેલ્ધી રાખવા વિટામિન એ, બી, સી, ડી અને ઇ, કેલ્શિયમ, આયર્ન વધારે પ્રમાણમાં લેવું.
- કોલેજમાં સ્ટેમ્પિંગ કરો, બેસ્ટ લુક આવશે
- ટ્રેડિશનલ ફંકશનમાં જતી વખતે ફ્રી હેન્ડ પેઇન્ટિંગ, સ્ટેમ્પિંગ, સ્ટોન ડેકોરેશન, જવેલરી ડિઝાઇનને મેચિંગ મોતી કે સ્ટોન વડે નેઇલ ડેકોરેટ કરી શકાય છે.
- એબ્સ્ટ્રેકટ ગિલ્ટરી, સ્ટોન અને ફોઇલ-નાઇટ પાર્ટીમાં આ સ્ટાઇલ એટ્રેકિટવ લુક આપે છે.
- કોલેજમાં સ્ટેમ્પિંગ, એબ્સ્ટ્રેકટ, થ્રી ડી સ્ટીકર, ક્રેક નેઇલથી નખને સજાવવા.
- વર્કિંગ વુમનમાં હાલમાં ફ્રેન્ચ મેનિકયોર હોટ ફેવરિટ છે.