નથણી, વાળી, ચૂની કે નથ નામ જૂજવા પણ મૂળે તો નાકમાં હેરવાનું ઘરેણું. ભારતીય સંસ્કૃતિમાં નાકની નથણીનું અનોખું મહત્ત્વ છે. સોળ શણગારમાંની એક એવી નથણીના આકાર, કદ અને નથ પહેરવાની ઢબ પણ ભારતમાં પ્રાંત મુજબ અલગ અલગ છે, પણ ગુજરાતી, મારવાડી, મરાઠી, બંગાળી, આસામી, તામિલ, તેલગુ વગેરે બધા જ સમાજમાં નથણીને શુકનનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે કોલેજિયન યુવતીઓ નાકમાં વાળી પહેરવાની હવે પસંદ કરે છે તો ભારતીય પરંપરા અનુસાર ઉત્તર ભારતની ઘણી જ્ઞાતિઓની સ્ત્રીઓ મોટી નથણી કે વાળી નાકમાં પહેરે છે. દક્ષિણ ભારતમાં તો સ્ત્રીઓ ઝીણી કે મોટી ત્રણ ત્રણ નથ નાકમાં પહેરતી જોવા મળે છે.
દુલ્હન નથણી
લગ્ન સમયેના દુલ્હનના શણગારમાં નથ દુલ્હનની સુંદરતામાં વિશેષ વધારો કરે છે. ડાયમંડ, મોતી કે માત્ર સિલ્વર ગોલ્ડન નથ દુલ્હનને શોભે છે. મોતી, સોના ટપકી કે ડાયમંડની ગોળ નથમાં મોતી, ડાયમંડ, સિલ્વર કે ગોલ્ડન સેરનું કોમ્બિનેશન કરીને સેરને વાળમાં પરોવી દેવાય તો તે દુલ્હનના શણગારને ચાર ચાંદ લગાવે છે. સેર સિવાયની ડાયમંડ કે મોતીની નથ પણ દુલ્હનને સિમ્પલ અને સોબર લુક આપે છે. આજકાલ દુલ્હન નથમાં મોરની તથા કેરીની કલાત્મક ડિઝાઈન બહુ જ પ્રખ્યાત છે. જડતર તથા કુંદનના વર્કમાં આ ડિઝાઈન તૈયાર થાય છે. જ્વેલરી એક્પર્ટ્સ કહે છે કે, ‘બેસર’ નામની નથમાં મોરનાં પીંછાની કળાને વર્તુળાકારે ઘડવામાં આવે છે. જેમાં સોનું વધારે અને રત્નો ઓછા હોય છે. તે નથ દુલ્હન પર તો જચે જ છે, પણ આ નથને નાના કદમાં બનાવવામાં આવે તો યુવતીઓ કોઈ પણ પ્રસંગે પહેરી શકે છે.
યુવતીઓમાં ફેમસ નોઝપીન
નોઝપીન કે નોઝરિંગના નામે યુવતીઓમાં આકર્ષણ જમાવતી ગોળ વાળીમાં નાનકડું લટકણ પરોવીને નાકમાં પહેરવાની આજકાલ યુવતીઓમાં ફેશન છે. સોનાના પાતળા તારમાં નાના પેન્ડન્ટ જેવી નથ હોય છે. તેમાં કીમતી રત્નો અને મોતી જડવામાં આવે છે. પેન્ડન્ટ જેવી નથમાંથી લટકણ યુવતીના ઉપલા હોઠની ઉપર લટકતું ઝૂમતું રહે છે. યુવતીઓ અત્યારે સામાન્ય નોઝરિંગની સાથોસાથ સોનાની, હીરાજડિત અને રંગીન નથણીઓ પહેરવાનું પણ પસંદ કરે છે. વાળી પહેરવા નાકમાં કાણું પડાવવું જરૂરી બને છે. જોકે નાકમાં કાણું પડાવ્યા વગર પણ જે યુવતીઓ નોઝપીન પહેરવા ઇચ્છતી હોય તો તેમને માટે પણ માર્કેટમાં વિકલ્પ ઉપલબ્ધ છે. ક્લિપવાળી નોઝપીન યુવતીઓ કે સ્ત્રીઓ ખરીદી શકે છે અને તે પ્રસંગે સુંદર પણ લાગે છે. રંગ બેરંગી સ્ટોન ધરાવતી નથ પણ માર્કેટમાં મળી રહે છે અને તે ટ્રેન્ડી અને સુંદર પણ લાગે છે.