નવરાત્રિ એટલે ઉલ્લાસ અને જોશભેર ગરબે ઘૂમવાના દિવસો. નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ તો તમને બેસ્ટ લુક આપે જ છે પરંતુ તમે કંઈક અલગ જ કરવા ઇચ્છતા હો તો ફ્યુઝન અને ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસ ટ્રાય કરી શકાય.
મિક્સ એન્ડ મેચ
નવરાત્રિમાં તમારે ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરી લીધી હોય અને કંઈક નવું ટ્રાય કરવું હોય તો તમે મિક્સ એન્ડ મેચ ડ્રેસ પસંદ કરી શકો છો. તમારા વોર્ડરોબમાંથી રેડ, ઓરેન્જ અથવા અન્ય કોઈ પણ કલરનું ક્રોપ ટોપ લો અને તેના મિરર વર્ક કરાવો. મિરર વર્ક ટ્રેડિશનલ લુક આપશે જ્યારે ક્રોપ ટોપ તમને સ્ટાઈલિશ અન ટ્રેન્ડી લૂક આપશે. તમે ચણિયા સાથે પણ પ્રયોગ કરી શકો. ચણિયા કે ઘાઘરાની જગ્યાએ મેક્સી સ્કર્ટ પહેરી શકાય.
ઓફ શોલ્ડર ટોપ સાથે પોમ પોમ અટેચ કરીને ફ્યુઝન લુક આપી શકાય. આ ટોપ ફ્લેયર્ડ સ્કર્ટ અથવા કોન્ટ્રાસ્ટ કલરના લહેંગા સાથે પહેરી કરી શકાય.
ટ્યુનિક વિથ ચણિયાચોળી
ચણિયાચોળી સાથે ટ્રેડિશનલ ટ્યુનિક પહેરી શકાય. તમે ડિઝાઇનર સ્કર્ટ અથવા લહેંગા સાથે ટ્રેન્ડી ટ્યુનિક પહેરી શકો.
જેકેટ
ટ્રેડિશનલ જેકેટ હાલમાં ટ્રેન્ડમાં છે. નવરાત્રિમાં જીન્સના જેકેટ ઉપર ફુમતાં કે લેસ લગાવીને જેકેટને ટ્રેડિશનલ લૂક આપી શકાય. હેવિ વર્કવાળું લોંગ સ્લિવ્ઝનું જેકેટ કોન્ટ્રાસ કલરના લહેંગા સાથે સુંદર લાગે છે. નોર્મલ લહેંગા ચોળી કરતાં એ અલગ જ લુક આપશે.
સળી મોતી આભલા જડિત શ્રગ
સળી મોતી આભલાજડિત ચણિયા તો નવરાત્રિમાં હંમેશા ટ્રેન્ડમાં હોય છે. તમે એની સાથે વેલ્વેટ બ્લાઉઝ કે શ્રગ પહેરી શકો. એની ઉપર નેટનો દુપટ્ટો નાંખી શકો.
ધોતી સાથે કુર્તા
ધોતી સાથે કુર્તા, ટોપ, ટ્યુનિક પહેરો અને સાથે સુંદર સ્ટોલ નાંખો. પગમાં કોલ્હાપુરી ચંપલ અને સાથે મોબાઈલ રાખવા માટે ટ્રેડિશનલ સ્લિંગ બેગ રાખી શકાય. ધોતી સાથે ટ્રેડિશનલ કેડિયું પણ પહેરી શકો.
કલરફુલ કુર્તી
જો તમારે ચણિયાચોળી પહેરવા ન હોય તો તમે કલરફુલ કુર્તી પહેરી શકો. આ કુર્તી પર તમે ટ્રેડિશનલ કોટી પહેરશો તો ટિપિકલ લુક મેળવી શકશો. નીચે પલાઝો પણ પહેરી શકાય. જો તમે સાથે સ્ટોલ નાંખવાનું વિચારતા હો તો કોટીના કોમ્બિનેશન સાથે મેચ થતો ગોટાવર્કવાળો સ્ટોલ નાંખી શકો.
એકસેસરીઝ
જો તમારા આઉટફિટ્સ સાથે મેચિંગ એક્સેસરીઝ હશે તો તમે તરત જ બધાનું ધ્યાન ખેંચશો. લોન્ગ ઇઅરીંગ્સ, કલરફુલ બંગડીઓ અને સાથે તમારી જરૂરી વસ્તુઓ રાખવા પોટલી બેગ. માંગટીકા, કમરબંધ અને પાયલ પણ પહેરી શકાય. જો તમે સમ્પલ અને પ્લેઈન આઉટફિટ પહેરતાં હો તો સાથે લોંગ નેકલેસ પહેરો. નવરાત્રિમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી વધુ પસંદ કરવામાં આવે છે.